રાજકોટના લોધિકામાં શ્રીરાજ ફેક્ટરીમાં ગઈકાલે ભીષણ આગ લાગી હતી. જે 15 કલાક બાદ પણ કાબૂમાં આવી નથી. આથી ફાયર વિભાગે મેજર કોલ જાહેર કર્યો હતો. આગને બૂઝાવવા
માટે લોડરની મદદથી દિવાલ તોડવામાં આવી હતી. તેમજ ફેક્ટરીની અંદર આવેલો શેડ ધરાશાયી થઈ ગયો છે.
6 ફાયર ફાયટર દ્વારા આગ કાબુમાં લેવા પ્રયાસો
લોધિકાના સાંગણવા નજીક આવેલ કિચન વેર બનાવતી શ્રીરાજ નામની ફેકટરીમાં આગનો બનાવ સામે આવ્યો હતો. જે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા ફાયરની ટીમે મેજર કોલ જાહેર કરાયો હતો જેથી રાજકોટ, શાપર વેરાવળ, ગોંડલ સહિત આસપાસથી છથી વધુ ફાયરની ટીમો બોલાવવામા આવી હતી.
પરંતુ મોડી રાત સુધી આગ પર કાબુ મેળવી શકાયો ન હતો, આગના કારણે અંદરનો શેડ પણ ધરાશાયી થતા આગ બુઝાવવાની કામગીરીમાં ફાયરની ટીમને ભારે હાલાકી પડી રહી છે. આગ બુઝાવવા માટે લોડરની મદદથી દિવાલ તોડી પાડવામા આવી હતી, પરંતુ અંદર પ્લાસ્ટિકની ચીજવસ્તુઓ તેમજ કેમિકલ સહિતની સામગ્રી હોવાથી આસાનીથી આગ પર કાબૂ મેળવી શકાયો ન હતો, વિકરાળ આગના કારણે આગની જવાળાઓ દૂર દૂર સુધી દેખાઈ હતી, આગને પગલે ફાયર, પોલીસ, મામલતદાર સહીતનું તંત્ર ફેક્ટરીએ દોડી ગયું હતુ.