BREAKING NEWS

મોરબીમાં આવેલા રાજવી પરિવારના ન્યૂ પેલેસમાં આગ, ફાયર બ્રિગેડે ત્રીજા માળે ફસાયેલી મહિલાનું કર્યું દિલધડક રેસ્ક્યુ

  • April 05, 2026 05:19 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મોરબીના રાજવી પરિવારના નિવાસસ્થાન એવા ઐતિહાસિક ન્યૂ પેલેસમાં આજે (5 એપ્રિલ) અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પેલેસના ઉપરના માળેથી ધુમાડાના ગોટેગોટા નીકળતા જોઈ આસપાસના લોકોમાં ભારે ગભરાટ ફેલાયો હતો. જોકે, ફાયર વિભાગની સમયસૂચકતાને કારણે એક મોટી જાનહાનિ ટળી છે.


ત્રીજા માળે લાગી આગ

મળતી માહિતી મુજબ, આગની આ ઘટના પેલેસના ત્રીજા માળે બની હતી. આગ લાગતા જ રાજવી પરિવારના સભ્યો અને પેલેસના કર્મચારીઓ સુરક્ષિત બહાર દોડી આવ્યા હતા, પરંતુ એક મહિલા પેલેસના ઉપરના ભાગે ફસાઈ ગઈ હતી. આગની તીવ્રતાને જોતા તાત્કાલિક મોરબી ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી.


ફાયર ફાઈટર્સનું સફળ રેસ્ક્યુ ઓપરેશન

ઘટનાની ગંભીરતાને સમજીને ફાયર બ્રિગેડની 3 ગાડીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. પેલેસના ત્રીજા માળે ફસાયેલી મહિલાને બહાર કાઢવા માટે ફાયરની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી અને આખરે તેને સફળતાપૂર્વક સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરી લેવામાં આવી હતી. મહિલાને સુરક્ષિત બહાર કાઢતા પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.


આગ પર કાબૂ અને નુકસાન

ફાયર ફાઈટરો દ્વારા સતત પાણીનો મારો ચલાવીને અંદાજે એકાદ કલાકની જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લીધો હતો. ઐતિહાસિક પેલેસમાં આગ લાગવાની ખબર વાયુવેગે પ્રસરતા લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ પેલેસના ત્રીજા માળે રહેલી કેટલીક પ્રાચીન વસ્તુઓ અને રાચરચીલાને નુકસાન થયું હોવાનું અનુમાન છે.


આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ જાણી શકાયું નથી, પરંતુ પ્રાથમિક તબક્કે શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાની શંકા સેવવામાં આવી રહી છે. હાલમાં તંત્ર દ્વારા પેલેસમાં કુલિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે અને નુકસાનનો અંદાજ મેળવવામાં આવી રહ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application