રાજકોટની ભાગોળે અમદાવાદ રોડ પર બેટી ગામ પાસે રાત્રીના એલપીજી ટેન્કરમાં આગ લાગી હતી. ઘટનાની જાણ થતા રાજકોટ ફાયર બ્રિગેડની ટીમ બે ફાયર ફાઈટર સાથે અહીં પહોંચી હતી. ફાયરની ટીમે પાણીનો મારો ચલાવી આગ બુજાવી નાખી હતી. આ ટેન્કરના આગળના કેબીનના ભાગે તથા પાછળ રહેલ એલપીજી ટેન્કમાં લાગી હતી. જોકે સદભાગ્યે ટેન્કર ખાલી હોવાથી મોટી દુર્ઘટના બનતા અટકી હતી. સ્પાર્ક થવાના લીધે ટેન્કરમાં આગ લાગી હોવાનું ટેન્કરચાલકે જણાવ્યું હતું.
આગની આ ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ, રાજકોટ ફાયર બ્રિગેડને રાત્રિના ૧૧:૧૭ વાગ્યા આસપાસ 112 કંટ્રોલમાંથી કોલ મળ્યો હતો કે, અમદાવાદ હાઈવે હિરાસર એરપોર્ટ પાસે જય દ્વારકાધીશ હોટલ નજીક બેટી ગામ પાસે એલપીજી ટેન્કરમાં આગ લાગી છે. જેથી કોઠારીયા ફાયર સ્ટેશનથી ફોર્મ ટેન્કર સાથે ટીમ તાકીદે અહીં પહોંચી હતી. અહીં અશોક લેલેન્ડ નંબર એચ.આર. 58 ઈ 1109 એલપીજી ટેન્કરમાં આગળ કેબિનમાં અને પાછળ રહેલ એલપીજી ટેંકની આગળ સુધી આગ પ્રસરી ગઈ હતી. તાત્કાલિક પાણીનો મારો ચલાવી આગ બુજાવી નાખી હતી. એલપીજી ટેન્કર ખાલી હોવાથી મોટી દુર્ઘટના બનતા સહેજમાં અટકી હતી.
એલપીજી ટેન્કરમાં સતત પાણીનો મારો ચલાવી ટેન્કરને કૂલિંગ કરેલું હતું. ત્યારબાદ ટેન્કરમાં રહેલ રોટેઝગેર વાલ્વ ખોલી અંદર ગેસ છે કે કેમ? તે તપાસ કરી હતી તેમાં ટેન્કર સંપૂર્ણપણે ખાલી હતું. રાજકોટ ફાયરની ઇ.આર.સી ફાયર ટીમ પણ અહીં આવી પહોંચી હતી. જોકે ત્યાં સુધીમાં આગ પર કાબૂ મેળવી લીધો હોય તેને રવાના કરવામાં આવી હતી. બીજી તરફ આ ઘટનાને લઇ એરપોર્ટ પોલીસ મથકનો સ્ટાફ પણ અહીં પહોંચી ગયો હતો.
આગની આ ઘટના અંગે વધુમાં જાણવા મળતી વિગતો મુજબ, અહીં ટેન્કર ચાલક અતાઉલ્લા ખાને જણાવ્યું હતું કે, એલપીજી ગેસ ટેન્કર વડોદરાથી જામનગર એલપીજી ગેસ ભરવા માટે જતું હતું. તેમની ઓફિસ અમદાવાદ ખાતે છે અને મેનેજરનું નામ ઋષિકેશ મિશ્રા હોવાનું જણાવ્યું હતું. ટેન્કરમાં કેબીનમાં સ્પાર્ક થવાના લીધે આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે. સદભાગ્યે આગની આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી નથી.
એલપીજી ટેન્કરમાં આગ બુજાવાની આ કામગીરીમાં ફાયર બ્રિગેડના ડેપ્યુટી સીએફઓ અશોકસિંહ ઝાલા સ્ટેશન ઓફિસર ટી.પી. ચુડાસમા તથા સ્ટાફ જેમાં શૈલેષભાઈ મેર, રવજીભાઈ સોલંકી, જયસુખભાઈ ધરજીયા, અનિલભાઈ સોલંકી, પારસભાઈ મેહુલભાઈ, મેહુલભાઈ ડાભી નિલેશભાઈ દેવેન્દ્રસિંહ તથા ઇઆરસી રિસ્પોસ સેન્ટરની ટીમ સાથે રહી હતી.