BREAKING NEWS

નવસારીના બીલીમોરામાં SMC અને શાર્પશૂટરો વચ્ચે સામસામે ફાયરિંગ, એક આરોપીના પગે ગોળી વાગી

  • November 11, 2025 04:11 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

નવસારી જિલ્લાના બીલીમોરા ખાતે હથિયારસોદગરો એક હોટલમાં હથિયારની ડિલિવરી કરવા જવાના છે તેવી ચોક્કસ હકીકતના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે વોચ ગોઠવી હતી તે દરમિયાન હથિયાર સપ્લાય કરવા આવેલા શાર્પશૂટરો અને એસએમસી ટીમ વચ્ચે ઘર્ષણ થતાં સામસામા ફાયરિંગમાં એક આરોપીને પગમાં ગોળી ઘૂસી ગઈ હતી અને ચાર આરોપીને હથિયારો કાર્ટિસ સાથે ઝડપી લેતા સનસનાટી મચી જવા પામી છે.


બિશ્નોઈ ગેંગના સાગરીતો હોટલમાં હથિયાર સપ્લાય કરવા આવવાના હતા

એસએમસી સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયના સીધા માર્ગદર્શન હેઠળ કામ કરતી સ્ટેટ મોનિટરિંગ સેલના વડા નિલિપ્ત રાય અને એસ.પી ચાવડાના માર્ગદર્શન હેઠળ એસએમસીની ટીમ નવસારી જિલ્લામાં પેટ્રોલિંગમાં નીકળી હતી. એ દરમિયાન હકીકત મળી હતી કે નવસારીના બીલીમોરામાં આવેલ એક હોટલમાં બિશ્નોઈ ગેંગના સાગરીતો હોટલમાં હથિયાર સપ્લાય કરવા આવવાના છે જેથી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમના અધિકારી અને કર્મચારીઓએ વોચ ગોઠવી હતી. તે દરમિયાન હથિયાર સોદાગરો હથિયાર સપ્લાય કરવા હોટલે પહોંચતા એસએમસીએ ઓચિંતો દરોડો પાડતા શાર્પસુટરો અને એસએમસી ની ટીમો વચ્ચે ઘર્ષણ થતાં ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા અને ફિલ્મની માફક હથિયારનો સોદો કરવા આવેલ કુખ્યાત ગેંગના શખ્સોએ એસએમસી ની ટીમ પર ફાયરિંગ કર્યું હતું.


બીલીમોરા SMC અને સોદાગર ગેંગ વચ્ચે ફાયરિંગમાં પકડાયેલા આરોપીઓ

૧. યશ સિંહ સુંદર સિંહ (હરિયાણા)
૨. ઋષભ અશોક શર્મા (મધ્યપ્રદેશ)
૩. મનીષ કાલુરામ કુમાવત (રાજસ્થાન)
૪. મદન ગોપીરામ કુમાવત (રાજસ્થાન)

આરોપીઓના કબજામાંથી ત્રણ 3 દેશી બનાવટની પિસ્તોલ અને 27 જીવતા કાર્ટિસ મળી આવ્યા હતા,  SMC ટીમ અને આરોપીઓ વચ્ચે બે રાઉન્ડ ક્રોસ ફાયરિંગ થયું હતું


દેશી બનાવટની ત્રણ પિસ્ટલ અને 27 જીવતા કાર્ટિસ્ કબજે

જેથી સ્ટેટ મોનિટરિંગ સેલે સો બચાવમાં સામે ફાયરિંગ કરતા ગેંગના એક સભ્યને પગમાં ગોળી ઘૂસી ગઈ હતી અને એસ એમ સી એ અન્ય ચાર ગેંગના સભ્યોને ઝડપી લઇ ઘવાયેલા આરોપીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવા કાર્યવાહી હાથ ધરી હતી. તો બીજી તરફ ઝડપાયેલા અન્ય આરોપીઓ પાસેથી દેશી બનાવટની ત્રણ પિસ્ટલ તેમજ 27 જીવતા કાર્ટિસ્ કબજે કરી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી આ અંગેની જાણ નવસારી પોલીસને થતા ઉચ્ચ અધિકારી સહિતનો મહત્વની બ્રાન્ચનો કાફલો તાબડતો ઘટનાસ્થળે અને હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો. સદભાગ્યે સામ સામે ફાયરિંગમાં સ્ટેટ મોનિટરિંગ સેલના એક પણ કર્મચારીને કોઈ ઇજા પહોંચી નથી.


ફાયરિંગ કરનાર ગેંગ ખરેખર બિશ્નોઇ ગેંગ છે કે કેમ ? તપાસ

નવસારી જિલ્લાના બીલીમોરામાં આવેલી એક હોટલમાં એસએમસી અને હથિયાર સપ્લાય કરવા આવેલ ગેંગ વચ્ચે ઘર્ષણ અને સામસામા ફાયરીંગ થયા હતા જેમાં ત્રણ પિસ્ટલ અને 27 કાર્ટિસ સાથે આરોપી ઝડપાયા છે તે બિસ્નોઈ ગેંગના હોવાનું સોશિયલ મીડિયામાં વાયરલ થયું છે ખરેખર આ બિશ્નોઇ ગેંગના સાગરીતો છે કે કેમ તે અંગે એસએમસીએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application