BREAKING NEWS

બિહારમાં આજે પહેલા તબક્કાનું મતદાન

  • November 06, 2025 09:54 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


બિહાર વિધાનસભા ચૂંટણી-2025ના પહેલા તબક્કાનું આજે મતદાન થયું હતું 18 જિલ્લાઓની 121 બેઠકો પર આજે સવારે સાત વાગ્યાથી વોટિંગ શરૂ થયું હતું. ચૂંટણીના પહેલા તબક્કામાં 3.75 કરોડ મતદારો 1314 ઉમેદવારોના ભવિષ્યનો નિર્ણય કરશે. જેમાં મહાગઠબંધનના મુખ્યમંત્રી પદનો ચહેરો તેજસ્વી યાદવ અને ભાજપના ઉમેદવાર સમ્રાટ ચૌધરી ઉપરાંત વિજયકુમાર સિન્હાની સાથે-સાથે 16 મંત્રીઓનું ભાવિ દાવ પર છે. બિહારની 243 બેઠકો પર 2 તબક્કામાં ચૂંટણીઓ થઈ રહી છે. 14 નવેમ્બરના રોજ પરિણામો આવશે.

તેજસ્વી યાદવ રાઘોપુર બેઠક પરથી સતત ત્રીજી જીત મેળવવાની અપેક્ષા રાખી રહ્યા છે. તેમના મુખ્ય પ્રતિસ્પર્ધી ભાજપના સતીશ કુમાર છે, જેમણે 2010માં જનતા દળ (યુનાઇટેડ)ની ટિકિટ પર તેજસ્વીની માતા અને ભૂતપૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવીને હરાવ્યા હતા. જન સુરાજ પાર્ટીએ રાઘોપુર બેઠક પરથી ચંચલ સિંહને મેદાનમાં ઉતાર્યા છે.

દિઘા (પટણા)માં સૌથી વધુ 4.58 લાખ મતદારો છે, જ્યારે બરબીઘા (શેખપુરા)માં સૌથી ઓછા 2.32 લાખ મતદારો છે. કુઢની અને મુઝફ્ફરપુરમાં સૌથી વધુ 20 ઉમેદવારો છે. જ્યારે ભોરે, અલૌલી અને પરબત્તામાં ફક્ત 5-5 ઉમેદવારો છે. કુલ 45,341 મતદાન મથકો સ્થાપિત કરવામાં આવ્યા છે, જેમાંથી 36,733 ગ્રામીણ વિસ્તારોમાં છે. કુલ મતદારોમાંથી 10.72 લાખ નવા મતદારો છે, જ્યારે 18-19 વય જૂથના મતદારોની સંખ્યા 7.38 લાખ છે.

પ્રથમ તબક્કા માટે, 121 જનરલ, 18 પોલીસ અને 33 ખર્ચ નિરીક્ષકોની નિમણૂક કરવામાં આવી છે. સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ગ્રામીણ વિસ્તારોમાં ખાસ દેખરેખ રાખવામાં આવી છે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, પ્રથમ તબક્કામાં મધેપુરા, સહરસા, દરભંગા, મુઝફ્ફરપુર, ગોપાલગંજ, સિવાન, સારણ, વૈશાલી, સમસ્તીપુર, બેગુસરાય, ખાગરિયા, મુંગેર, લખીસરાય, શેખપુરા, નાલંદા, પટણા, ભોજપુર અને બક્સર જિલ્લાઓમાં મતદાન થશે.



પ્રથમ તબક્કામાં કુલ 3.75 કરોડ મતદારો દ્વારા મતદાન

ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, પ્રથમ તબક્કામાં 121 બેઠકો પર મતદાન થશે. જેમાંથી 3.75 કરોડ મતદારો 1314 ઉમેદવારોના ભવિષ્યનો નિર્ણય કરશે. આમાં 1 કરોડ 98 લાખ 35 હજાર 325 પુરુષ, 1 કરોડ 76 લાખ 77 હજાર 219 મહિલા અને 758 થર્ડ જેન્ડર મતદારોનો સમાવેશ થાય છે. કુલ 45,341 મતદાન મથકો સ્થાપિત કરવામાં આવ્યા છે, જેમાં 45,324 મુખ્ય બૂથ અને 17 સહાયક બૂથનો સમાવેશ થાય છે.



નીતિશ કુમારની સરકારમાં 16 મંત્રીઓનું ભાવિ દાવ પર

પ્રથમ તબક્કામાં મુખ્યમંત્રી નીતિશ કુમારની સરકારમાં 16 મંત્રીઓનું ભાવિ નક્કી થશે. આમાં ભાજપના 11 અને જનતા દળ યુનાઇટેડ (જેડીયુ)ના 5 મંત્રીઓનો સમાવેશ થાય છે. જેમાં ભાજપ ક્વોટામાંથી આરોગ્ય મંત્રી મંગલ પાંડે, નીતિન નવીન, નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી, નાયબ મુખ્યમંત્રી વિજય કુમાર સિંહા, શહેરી વિકાસ મંત્રી જીવેશ મિશ્રા, મહેસૂલ મંત્રી સંજય સરોગી, પંચાયતી રાજ મંત્રી કેદાર પ્રસાદ ગુપ્તા, પર્યટન મંત્રી રાજુ કુમાર, માહિતી અને ટેકનોલોજી મંત્રી કૃષ્ણ કુમાર મન્ટુ, પર્યાવરણ મંત્રી સુનીલ કુમાર અને બછવાડાથી રમતગમત મંત્રી સુરેન્દ્ર મહેતા ચૂંટણી લડી રહ્યા છે. જેડીયુના 5 મંત્રીઓમાં જળ સંસાધન મંત્રી વિજય કુમાર ચૌધરી (સરાય રંજન), ગ્રામીણ વિકાસ મંત્રી શ્રવણ કુમાર, બહાદુરપુરથી સમાજ કલ્યાણ મંત્રી મદન સહની, કલ્યાણપુરથી માહિતી અને જનસંપર્ક મંત્રી મહેશ્વર હજારી અને સોનબરસાથી રત્નેશ સદાનો સમાવેશ થાય છે.



પહેલા મતદાન પછી જલપાન: પીએમ મોદીની લોકોને અપીલ

પીએમ મોદીએ લોકોને અપીલ કરી હતી કે આજે બિહારમાં લોકશાહીની ઉજવણીનો પ્રથમ તબક્કો છે. હું વિધાનસભા ચૂંટણીના આ તબક્કામાં તમામ મતદારોને પૂરા ઉત્સાહથી મતદાન કરવા વિનંતી કરું છું. આ પ્રસંગે, રાજ્યના મારા બધા યુવા મિત્રોને ખાસ અભિનંદન, જેઓ પહેલી વાર મતદાન કરી રહ્યા છે. યાદ રાખો: પહેલા મતદાન કરો, પછી જલપાન.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application