દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા બંદર ખાતે ગેરકાયદેસર લાઈન ફિશિંગ સામે માછીમારોએ વિરોધ નોંધાવ્યો છે. ઓખા સાગર ખેડુ માછીમારી ગ્રુપ દ્વારા આ મામલે દ્વારકા એસડીએમને આવેદનપત્ર પાઠવી યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે.
નાના અને સામાન્ય માછીમારોનું કહેવું છે કે આ ગેરકાયદેસર પ્રવૃત્તિને કારણે તેમનું અસ્તિત્વ જોખમમાં મુકાયું છે.માછીમારોએ જણાવ્યું હતું કે, દરિયામાં ગેરકાયદેસર લાઈન ફિશિંગ ચાલુ છે, જેના કારણે નાના અને સામાન્ય માછીમારો બેરોજગાર થઈ રહ્યા છે. તેઓ દિવસેને દિવસે દેવામાં ડૂબી રહ્યા છે અને આત્મહત્યા કરવા મજબૂર થવાની સ્થિતિ સર્જાઈ શકે છે.
આ અંગે અગાઉ ફિશરીઝ કમિશનર દ્વારા લાઈન ફિશિંગ રોકવા બાબતે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો. તે ઉપરાંત, તારીખ ૨૦/૦૧/૨૦૨૫ના રોજ સરકારે ક્રમાંક જીએચકેએચ/૧૧/એફડીવી/૧૦૨૦૧૯૪૯/ટ: હેઠળ એક પરિપત્ર બહાર પાડ્યો હોવા છતાં, ગેરકાયદેસર રીતે લાઈન ફિશિંગ ચાલુ છે. ગેરકાયદેસર ફિશિંગ મોટા માથા અને વધુ બોટ ધરાવતા બોટ માલિકો દ્વારા કરવામાં આવે છે.
સાગર ખેડુ ગ્રુપે માંગ કરી છે કે આવી ગેરકાનૂની ફિશિંગ કરતી બોટો પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને તેમના લાઈસન્સ રદ કરવામાં આવે. જો આ લાઈન ફિશિંગ બંધ નહીં થાય તો નજીકના ભવિષ્યમાં નાના અને સામાન્ય માછીમારોનું અસ્તિત્વ જ નહીં રહે તેવી ભીતિ વ્યક્ત કરવામાં આવી છે.