મુંબઈ મહાનગરપાલિકા (બીએમસી)ની તાજેતરની ચૂંટણીના પરિણામોએ મહારાષ્ટ્રના રાજકારણમાં મોટો વળાંક લાવ્યો છે. છેલ્લા ત્રણ દાયકાથી બીએમસી પર અવિરત શાસન કરનાર ઠાકરે પરિવારના વર્ચસ્વનો અંત આવ્યો છે અને ભાજપના નેતૃત્વવાળા મહાયુતિ ગઠબંધને ભવ્ય વિજય મેળવ્યો છે. આ સાથે મુંબઈમાં પ્રથમવાર ભાજપનો મેયર બનવાનો માર્ગ લગભગ નિશ્ચિત બની ગયો છે. ભાજપની આ જીત માત્ર મુંબઈ પૂરતી સીમિત નથી. તે મહારાષ્ટ્રના સ્થાનિક રાજકારણમાં મોટા પરિવર્તનનો સંકેત માનવામાં આવે છે. રાજકીય નિરીક્ષકોના મત મુજબ, આ પરિણામ આગામી વિધાનસભા ચૂંટણી માટે પણ મહત્વપૂર્ણ સંદેશ આપે છે.
1.પીએમ મોદીની લોકપ્રિયતા અને વિકાસ એજન્ડા
રાજકીય વિશ્લેષકોના મત મુજબ, આ જીતનો સૌથી મોટો શ્રેય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને તેમના વિકાસલક્ષી શાસન મોડેલને જાય છે. છેલ્લા એક દાયકાથી તેમની લોકપ્રિયતા સ્થિર રહી છે, જેનો સીધો લાભ ભાજપને મુંબઈમાં મળ્યો. મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પણ જાહેરમાં સ્વીકાર્યું કે પીએમ મોદીના નેતૃત્વ સામે વિપક્ષ પાસે વિશ્વસનીય વિકલ્પ રહ્યો નથી.
2. શિવસેનામાં થયેલું વિભાજન
2022માં શિવસેનામાં પડેલા ભંગાણની અસર આ ચૂંટણીમાં સ્પષ્ટ રીતે જોવા મળી. મુખ્યમંત્રી એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેનાએ 28 વોર્ડ જીતીને મહાયુતિને મહત્વપૂર્ણ મજબૂતી આપી. આ કારણે ઉદ્ધવ ઠાકરેની શિવસેના (યુબીટી)ની પરંપરાગત પકડ નબળી પડી અને રાજકીય સંતુલન ભાજપ તરફ ઝુક્યું.
3. મતદારોનું સામાજિક ધ્રુવીકરણ
ચૂંટણી દરમિયન રાજ ઠાકરેની એમએનએસ અને ઉદ્ધવ ઠાકરેની શિવસેના વચ્ચે થયેલા ગઠબંધનને કારણે ઉત્તર ભારતીય મતદારોમાં અસંતોષ જોવા મળ્યો. એમએનએસના ભૂતકાળના ઉત્તર ભારતીય વિરોધી વલણને કારણે આ સમુદાય મોટા પ્રમાણમાં ભાજપ તરફ વળ્યો. બીજી તરફ, મરાઠી મતદારો બે પક્ષોમાં વહેંચાઈ ગયા, જેનો ફાયદો ભાજપને થયો.
4. દેવેન્દ્ર ફડણવીસનો વ્યૂહાત્મક પ્રચાર
ભાજપે આ ચૂંટણીને પ્રતિષ્ઠાનો જંગ બનાવી દીધી હતી. દેવેન્દ્ર ફડણવીસે પોતે મેદાનમાં ઉતરીને આક્રમક પ્રચાર કર્યો અને પક્ષના તમામ મંત્રીઓને ચૂંટણી અભિયાનમાં સક્રિય કર્યા. જ્યારે ઠાકરે બંધુઓની રેલીઓમાં મોટી ભીડ જોવા મળી, ત્યારે ભાજપનું માઈક્રો-લેવલ પ્લાનિંગ અને સંગઠનાત્મક તંત્ર મતદાનમાં રૂપાંતરિત થયું.
5. લાંબા શાસન સામેની નારાજગી
લગભગ 30 વર્ષ સુધી બીએમસી પર ઠાકરે પરિવારનું નિયંત્રણ રહ્યું હતું. લાંબા સમય સુધી એક જ રાજકીય શક્તિ સત્તામાં રહેતા લોકોમાં પરિવર્તનની માંગ વધી હતી. આ સત્તા વિરોધી લહેરનો મહાયુતિ ગઠબંધને અસરકારક રીતે ઉપયોગ કર્યો.