ભાવનગરમાં નકલી ઇંગ્લિશ દારૂ પીવાના કારણે સર્જાયેલા લઠ્ઠાકાંડમાં ૫ લોકોના મોત નીપજ્યા છે, જ્યારે ૫ ગામના આશરે ૨૦ લોકો ગંભીર અસર હેઠળ સારવાર હેઠળ છે. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ગૃહમંત્રીએ ૧૮ ઓગસ્ટની મધરાતે અમદાવાદ એરપોર્ટ પર ઉચ્ચસ્તરીય બેઠક યોજીને સમગ્ર ઘટનાની તપાસ સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ને સોંપી દીધી છે, જે બાદ SP મયુરસિંહ ચાવડા તાત્કાલિક ભાવનગર પહોંચ્યા હતા.
લઠ્ઠાકાંડમાં મૃતકના નામ
ઉપેન્દ્રસિંહ ગોહિલ, ખરકડી - ઘોઘા તાલુકો
કનકસિંહ ગોહિલ- ભાવનગર
કાર્તિક મકવાણા, તળાજા રોડ - ભાવનગર
નરેન્દ્રસિંહ યાદવ, ઇન્દોર - મધ્યપ્રદેશ
ઘનશ્યામસિંહ જાડેજા-કાળિયાબીડ, ભાવનગર
આ દર્દીઓ સર ટી હોસ્પિ.માં સારવાર હેઠળ
રવિ રાઠોડ, (ઉ.વ. 21, દેવગાણા)
હર્ષદ રાઠોડ, (ઉ.વ. 40, ભાવનગર)
બળદેવસિંહ ગોહિલ, (ઉ.વ. 36, ખરકડી)
જયવંતસિંહ ગોહિલ, (ઉ.વ. 35, ખરકડી)
બળદેવસિંહ ગોહિલ, (ઉ.વ. 59, નાના ખોખરા)
બોધા ગોહિલ, (ઉ.વ. 40, નાના ખોખરા)
લાલભાઈ બારૈયા, (ઉ.વ. 28, નાના ખોખરા)
પ્રહલાદસિંહ ગોહિલ, (ઉ.વ. 29, નાના ખોખરા)
પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે મધ્યપ્રદેશના ઉજ્જૈનથી 'રોયલ સ્ટેગ' બ્રાન્ડનો ૨૮ પેટી નકલી દારૂ લાવવામાં આવ્યો હતો. સ્થાનિક પોલીસે ૧૫ પેટી જપ્ત કરી લીધી છે અને બાકીની ૧૩ પેટીઓ કબજે કરવા માટે આકાશ-પાતાળ એક કરવામાં આવી રહ્યું છે. રાતભર ચાલેલી કાર્યવાહી દરમિયાન પોલીસે બુટલેગરો અને સપ્લાયરો સહિત ૧૩ શખસોની અટકાયત કરી છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે આ નકલી દારૂ બનાવવામાં પરપ્રાંતીયોની સંડોવણી છે, જેને પકડવા તજવીજ હાથ ધરાઈ છે. મૃતકોમાંથી બે શંકાસ્પદ છે, જેમાં એક વ્યક્તિની અમદાવાદની ટ્રાવેલ હિસ્ટ્રી છે.
તપાસ દરમિયાન બહાર આવ્યું છે કે ભાવનગરના બુટલેગરે અમદાવાદ ગ્રામ્યના ધોલેરા ખાતે પણ બે પેટી દારૂ મોકલ્યો હતો, જેને ગ્રામ્ય પોલીસે તાત્કાલિક રિકવર કરી લીધો છે. અમદાવાદ ગ્રામ્ય પોલીસે મોડી રાત્રે ૫૦૦ ગામોના સરપંચો સાથે બેઠક યોજીને 'રોયલ સ્ટેગ' નામનો વિદેશી દારૂ ન પીવા માટે અપીલ કરી હતી અને ૨૦૦થી વધુ દારૂના કેસો નોંધ્યા હતા. ભાવનગરના વરતેજ વિસ્તારમાં ગૌતમ નામના વ્યક્તિના ઘરે પરપ્રાંતીયો દારૂ બનાવતા હોવાની વિગતો પણ સામે આવી છે.
આ સમગ્ર લઠ્ઠાકાંડનો મુખ્ય સૂત્રધાર ઉજ્જૈનનો રહેવાસી રઈસ હોવાનું ખુલ્યું છે, જેણે ભાવનગરમાં જ દારૂનું કારખાનું ઊભું કર્યું હતું. દારૂમાં મિથાઈલ અને મિથેનોલ કે ઇથેનોલનું પ્રમાણ અતિશય વધારે હોવાથી ઝેરી અસર થઈ હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. ગંભીર દર્દીઓની સારવાર માટે અમદાવાદથી નેફ્રોલોજિસ્ટ ડૉક્ટર્સની વિશેષ ટિમો તાત્કાલિક ભાવનગર મોકલવામાં આવી છે.
આ ઘટનાની શરૂઆત ૧૬ ઓગસ્ટે ઘોઘાના ખરકડી ગામે થઈ હતી, જ્યાં પોલીસ ભરતીમાં સિલેક્ટ થયેલા વિશ્વરાજસિંહે મિત્રોને પાર્ટી આપી હતી. દારૂનું સેવન કરનારા મિત્રો પૈકી ઉપેન્દ્રસિંહ ગોહિલનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ઘનશ્યામસિંહ જાડેજા અને વિશ્વરાજસિંહ હાલ ગંભીર હાલતમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પોલીસે આ ડુપ્લીકેટ દારૂનું વેચાણ કરતા ૪ બુટલેગરોને પણ ડિટેઈન કર્યા છે.