BREAKING NEWS

અમંગળ મંગળવાર... બે બસ વચ્ચે ભીષણ ટક્કર, એક આગનો ગોળો બની, 8થી વધુ લોકોના મોત, મૃત્યુઆંક વધવાની શક્યતા, ગુજરાતની દર્દનાક દુર્ઘટના

  • June 02, 2026 05:52 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સુરત જિલ્લાના બારડોલી તાલુકામાંથી એક અત્યંત હૃદયદ્રાવક અને મોટી દુર્ઘટના સામે આવી છે. બારડોલી નજીક આવેલા ઉવા ગામ પાસે બે લક્ઝરી બસો વચ્ચે સર્જાયેલા ગંભીર અકસ્માતમાં 8થી વધુ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે. મહારાષ્ટ્ર પાર્સિંગની બે ખાનગી બસો સામસામે પ્રચંડ વેગ સાથે અથડાઈ હતી. આ ટક્કર એટલી ભયાનક હતી કે તેમાંથી એક બસ રોડ પર જ પલટી મારી ગઈ હતી અને ક્ષણભરમાં તેમાં ભીષણ આગ ફાટી નીકળી હતી.


પ્રાથમિક અહેવાલો અને પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, અકસ્માત બાદ પલટી મારેલી બસમાં લાગેલી આગે જોતજોતામાં રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગના કારણે બસની અંદર સવાર મુસાફરો લોખંડના પતરા અને સીટોની વચ્ચે ફસાઈ ગયા હતા, જેના લીધે તેમને બહાર કાઢવામાં બચાવકર્મીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. બસમાંથી નીકળતી આગની જ્વાળાઓ અને ધુમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી જોઈ શકાતા હતા. અકસ્માતને પગલે હાઈવે પર ચીસાચીસ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.​​​​​​​


બચાવ કામગીરી શરૂ, મૃત્યુઆંક વધવાની આશંકા

આ ભયાનક દુર્ઘટનાની જાણ થતાં જ બારડોલી અને આસપાસના ફાયર બ્રિગેડની ટીમો તેમજ સ્થાનિક પોલીસનો મોટો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ફાયર ફાઈટરોએ ભારે જહેમત બાદ બસમાં લાગેલી આગ પર કાબૂ મેળવ્યો હતો. હજુ પણ કેટલાક મુસાફરો ગંભીર રીતે દાઝી ગયા હોવાથી અને ઈજાગ્રસ્તોની હાલત નાજુક હોવાથી આગામી સમયમાં મૃત્યુઆંક વધુ વધવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

સ્થાનિક રહીશો અને પોલીસ દ્વારા તમામ ઈજાગ્રસ્ત મુસાફરોને તાત્કાલિક ધોરણે સારવાર અર્થે નજીકની સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. પોલીસે આ મામલે ગુનો નોંધી અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા અને ટ્રાફિક વ્યવસ્થિત કરવા માટે આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

ટેન્કરને બચાવવા જતાં દુર્ઘટના
​​​​​​​મળતી માહિતી મુજબ, બારડોલીના ઉવા ગામ નજીક હાઈવે પર એક ટેન્કર અચાનક પલટી મારી ગયું હતું. આ પલટી મારી ગયેલા ટેન્કર સાથે અથડામણ ટાળવા માટે પાછળથી આવી રહેલી મહારાષ્ટ્ર પાસિંગની સરકારી બસના ચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. કાબૂ ગુમાવતા જ બસ ડિવાઈડર કૂદીને રોંગ સાઈડમાં ધસી ગઈ હતી અને સામેથી પૂરપાટ ઝડપે આવી રહેલી મહારાષ્ટ્ર પાસિંગની જ અન્ય એક સરકારી બસ સાથે ધડાકાભેર અથડાઈ હતી.

CNGના કારણે આગ ફાટી નીકળી
​​​​​​​આ સામસામેની ટક્કર એટલી પ્રચંડ હતી કે બસ રસ્તા પર જ પલટી મારી ગઈ હતી. અકસ્માતગ્રસ્ત બસો પૈકી એક બસ CNG સંચાલિત હોવાથી, ટક્કરની ગણતરીની સેકન્ડોમાં જ તેમાં ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. જોતજોતાંમાં આગે આખી બસને લપેટમાં લઈ લેતા મુસાફરોમાં ચીસાચીસ અને અફરાતફરી મચી ગઈ હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application