BREAKING NEWS

દેશમાં સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દેશમાં નંબર વનઃ જયદેવ શાહ

  • June 02, 2026 07:12 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન (એસસીએ)ના પ્રમુખ જયદેવ શાહ આજે આજકાલ સાંધ્ય દૈનિકની શુભેચ્છા મુલાકાતે આવ્યા હતા. તેઓએ આજકાલના એડિટર ઇન ચીફ ચંદ્રેશભાઈ જેઠાણી અને ગ્રુપ એડિટર કાનાભાઈ બાંટવા સાથે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દેશમાં નંબર વન કેમ છે તે વિશે વગતવાર ચર્ચા કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે, આપણું સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દેશમાં નંબર વન છે. જ્યારે દેશના કેટલાક ક્રિકેટ એસોસિએશન પાસે પોતાનું ગ્રાઉન્ડ નથી ત્યારે આપણી પાસે છ ગ્રાઉન્ડ છે. આખા દેશમાં આપણી પાસે શ્રેષ્ઠ ટીમ છે. 


આપણું સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનનું મુખ્ય ગ્રાઉન્ડ નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમ વિશ્વનું સૌથી ઓછા ખર્ચે બનેલું સ્ટેડિયમ છે. આ સ્ટેડિયમ પાછળ માત્ર 80 કરોડનો જ ખર્ચ થયો છે. આપણે વર્લ્ડ ક્લાસ ફેસિલિટી ઉપલબ્ધ કરાવી છે. એસપીએલ વિશે વાત કરતા જણાવ્યું હતું કે, અમે હવામાન, પીચ, અમ્પાયર દ્વારા અભ્યાસ કરાવીને જ આ લીગ રમાડીએ છીએ. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા ટૂર્નામેન્ટ એડ કરવામાં આવી રહી છે. આપણી પાસે રાજકોટમાં ત્રણ ગ્રાઉન્ડ, સણોસરામાં બે અને સુરેન્દ્રનગરમાં એક ગ્રાઉન્ડ આવેલું છે. જ્યારે પોરબંદરમાં પણ ગ્રાઉન્ડ બનાવવાની પ્રોસેસ ચાલુ છે. 


આપણે રણજી ટ્રોફીમાં ચાર વાર ચેમ્પિયન

જયદેવ શાહે ઉમેર્યું કે, આપણે ચાર વાર રણજી ટ્રોફીમાં ચેમ્પિયન, અંડર-19માં ચેમ્પિયન બન્યા છીએ તેમજ વન-ડેમાં પણ ચેમ્પિયન બન્યા છીએ. આખા દેશમાં સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન પાસે સૌથી શ્રેષ્ઠ ટીમ છે. દેશમાં 30 ક્રિકેટ એસોસિએશન છે, એક સમયે આપણે 30માં નંબરે આવતા પણ આજે દેશમાં ટોચ પર છીએ. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશને દેશને ઘણા ખેલાડીઓ આપ્યા છે. જેમાં રવિન્દ્ર જાડેજા, ચેતેશ્વર પૂજારા, જયદેવ ઉનડકટ, હાર્વિક દેસાઈ સહિત ઘણાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત આપણા પ્રકાશ ભટ્ટ આઇસીસીમાં મેચ રેફરી છે. તેમજ એનસીએમાં આપણા ત્રણ-ચાર કોચ છે. 


આપણી પાસે હાઇએસ્ટ 30થી 40 વિકેટ 

જયદેવ શાહે જણાવ્યું કે, હવે તો અંડર-15, અંડર-19 અને અંડર-20માં આપણા સૌરાષ્ટ્રની દીકરીઓ પણ રમી રહી છે. આપણી પાસે હાઇએસ્ટ 30થી 40 વિકેટ (પીચ) છે જે બધી જ સૌરાષ્ટ્ર એસોસિએશન સંભાળે છે. સૌરાષ્ટ્ર એસોસિએશન પાસે 150 જણાનો સ્ટાફ છે. જે 365 દિવસ કામ કરી રહ્યો છે. આપણે કેમ્પો, સેમિનાર પણ કરાવીએ છીએ અમે ક્રિકેટને વધારવા માગીએ છીએ. વોટિંગ રાઇટથી ક્રિકેટને કઈ ફેર પડતો નથી. ​​​​​​​


એસસીએ પાસે દસ સિલેક્ટર

જયદેવ શાહે કહ્યું કે, રણજી ટ્રોફીની 35 મેચ રમી હોય તેવા ખેલાડીઓને જ અમે સિલેક્ટર તરીકે પસંદગી કરીએ છીએ. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન પાસે હાલ જુનિયરમાં પાંચ અને સિનિયરમાં પાંચ સિલેક્ટરો છે.  તેમાંય સૌરાષ્ટ્રની ટીમ ચેમ્પિયન બને તો તેમાંથી એકેય સિલેક્ટર ચેન્જ થતા નથી. ક્રિકેટરો જ ક્રિકેટ ચલાવે છે. કારણ કે, કોચ, અમ્પાયર, એડવાઇઝર બધા જ ક્રિકેટરો હોય છે.


આઇપીએલ નેક્સ્ટ લેવલ સુધી પહોંચી ગઈ

જયદેવ શાહે વધુમાં જણાવ્યું કે, આઇપીએલ હવે શક્ય ન હોય તે લેવલ સુધી પહોંચી ગઈ છે. વિશ્વ ક્રિકેટને આઇપીએલ સુધી પહોંચવું હવે મુશ્કેલી બની ગયું છે. આઇપીએલથી ક્રિકેટરોને ખૂબ જ મોટો ફાયદો થાય છે. કારણ કે હવે ગેમનું લોજીક જ ફરી ગયું છે. આઇપીએલમાં 10 બોલમાં 50 રન ફટકારે તે ખેલાડી અંદર અને વધારે બોલ રમે અને રન ઓછા કરે તે ખેલાડીનું કોઈ મહત્વ રહ્યું નથી. ગત સીઝન કરતા આ વર્ષની આઇપીએલમાં તમે ખાસ જોયું હશે કે, હવે ફિયરલેસ ક્રિકેટ થઈ ગયું છે. પાવરપ્લેમાં જ 100 રન બની રહ્યા હતા. હવે આઇપીએલમાં પાવરપ્લેની ઓવર ઘટાડવાની જરૂર છે. કારણ કે, ક્રિકેટ વધી ગયું છે અને પહેલા બોલથી ખેલાડી એટેકિંગ માઈન્ડ સેટ સાથે મેદાનમાં ઉતરે છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application