હાલાર જિલ્લા માજી સૈનિક મંડળ દ્વારા રવિવારે ‘કારગિલ વિજય દિવસ’ની કરાશે ઉજવણી
શહીદોની વીરતાને યાદ કરીને દેશભક્તિના ગીતોનું વિશેષ આયોજન
માતૃભૂમિની રક્ષા કાજે પોતાના પ્રાણોની આહૂતિ આપનારા અમર શહીદોના અદમ્ય શૌર્ય અને બલિદાનને વંદન કરવા માટે હાલાર જિલ્લા માજી સૈનિક મંડળ, જામનગર દ્વારા આગામી તારીખ ૨૬ જુલાઈ, ૨૦૨૬ (રવિવાર) ના રોજ ’કારગિલ વિજય દિવસ’ની ભાવભીની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે.
આ ગૌરવપૂર્ણ દિવસ નિમિત્તે દિનભર વિવિધ શ્રદ્ધાંજલિ કાર્યક્રમો યોજાશે. જેમાં પ્રથમ ચરણમાં સવારે ૧૦:૦૦ વાગ્યે જામનગરના પ્રખ્યાત લાખોટા તળાવના ગેટ નં. ૧ ખાતે આવેલા શહીદ સ્મારક પર માજી સૈનિકો અને દેશપ્રેમીઓ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરી અમર જવાનોને નમન કરવામાં આવશે.
ત્યારબાદ સાંજે ૫ વાગ્યે ગાંધીનગર રોડ પર આવેલ વિશ્વકર્મા બાગ (ગુર્જર સૂતર જ્ઞાતિ વાડી) ખાતે મુખ્ય કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ કારગિલ યુદ્ધના વીર જવાનોની વીરતાને યાદ કરી જનજનમાં રાષ્ટ્રપ્રેમની ભાવના ઉજાગર કરવાનો છે. આ પ્રસંગને યાદગાર બનાવવા માટે દેશભક્તિના સંગીતમય કાર્યક્રમનું વિશેષ આયોજન પણ કરવામાં આવ્યું છે. જેમાં જાણીતા ’વેદ ઇવેન્ટ્સ’ના પ્રશાંતભાઈ મકવાણા અને તેમની ટીમ દ્વારા દેશપ્રેમ અને શૌર્યથી સભર ગીતોની રજૂઆત કરી શહીદોને સંગીતાંજલિ આપવામાં આવશે.
હાલાર જિલ્લા માજી સૈનિક મંડળના પ્રમુખ શ્રી ભરતસિંહ એન. જાડેજાએ જામનગર શહેર અને જિલ્લાના તમામ માજી સૈનિકો, શહીદ પરિવારો, યુવાનો તથા રાષ્ટ્રપ્રેમી નાગરિકોને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી શહીદોને શ્રદ્ધાસુમન અર્પણ કરવા અને આ રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં સહભાગી થવા હાર્દિક નિમંત્રણ પાઠવ્યું છે.