ડેડિયાપાડાના ધારાસભ્ય (MLA) ચૈતર વસાવાને ગુજરાત હાઇકોર્ટે મોટી રાહત આપતાં એક અઠવાડિયાના હંગામી જામીન મંજૂર કર્યા છે. જેલમાંથી મુક્ત થાય ત્યારથી સતત ૭ દિવસ સુધી આ જામીન માન્ય રહેશે. વિધાનસભાના આગામી ચોમાસુ સત્રમાં હાજરી આપવા માટે તેમણે હાઇકોર્ટ સમક્ષ અરજી કરીને જામીનની માંગ કરી હતી. ઉલ્લેખનીય છે કે, ફોરેસ્ટ કર્મચારીઓ પર હુમલો કરવાના ચર્ચિત કેસમાં નર્મદા કોર્ટે ચૈતર વસાવાને ૭ વર્ષની કેદની સજા ફટકારી હતી, જેના પગલે તેઓ હાલ વડોદરાની જેલમાં સજા ભોગવી રહ્યા છે.
કોર્ટમાં સુનાવણી દરમિયાન સરકારી વકીલે જામીન અરજીનો વિરોધ કરતાં દલીલ કરી હતી કે વિધાનસભાનું સત્ર માત્ર ૩ દિવસનું જ હોવાથી તેમને માત્ર ૩ દિવસના જામીન આપવા જોઈએ. આ ઉપરાંત તેઓ કોઈ રાજકીય પ્રવૃત્તિમાં ન જોડાય અને મીડિયાને કોઈ પણ પ્રકારનું સંબોધન ન કરે તેવી શરત રાખવાની માંગ કરવામાં આવી હતી. જોકે, બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ હાઇકોર્ટે ચૈતર વસાવાને ૭ દિવસના જામીન આપવાનો આદેશ કર્યો હતો.
હાઇકોર્ટે જામીન મંજૂર કરતી વખતે કેટલીક કડક શરતો પણ લાદી છે. કોર્ટે સ્પષ્ટપણે આદેશ આપ્યો છે કે જામીન દરમિયાન ચૈતર વસાવા ગાંધીનગર છોડીને બહાર જઈ શકશે નહીં. આ સાથે જ તેઓ જાહેર સભાઓ યોજીને લોકોને સંબોધન કરી શકશે નહીં કે કોઈ રાજકીય કે મીડિયા કાર્યક્રમમાં ભાગ લઈ શકશે નહીં.
વિશેષરૂપે, મીડિયા ઇન્ટરવ્યૂ મામલે હાઇકોર્ટે અત્યંત સખત ટકોર કરતાં જણાવ્યું હતું કે ચૈતર વસાવાનો કોઈ પણ સંજોગોમાં મીડિયા ઇન્ટરવ્યૂ થવો જોઈએ નહીં. અરજીની સુનાવણી દરમિયાન અગાઉ થયેલા ખોટા રિપોર્ટિંગ સામે પણ કોર્ટે ભારે નારાજગી વ્યક્ત કરી હતી. ચૈતર વસાવાના વકીલે કોર્ટની આ તમામ શરતોનું ચુસ્તપણે પાલન થશે અને કોઈ પણ ઉલ્લંઘન નહીં થાય તેવી ખાતરી સાથે કોર્ટમાં લેખિત બાહેંધરી આપી છે.