પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાં લાંબા સમયથી વરસાદ ખેંચાતાં સ્થાનિક ખેડૂતો ભારે ચિંતામાં મુકાયા છે. ચોમાસાની શરૂઆતમાં વાવણી કર્યા બાદ મેઘરાજાએ વિરામ લેતાં મોંઘા ભાવના બિયારણો, ખાતર અને ખેતરોમાં ઊભો પાક સુકાઈ જવાની ભીતિ સેવાઈ રહી છે. ખેતી પર તોળાતા આ સંકટમાંથી ઉગરવા અને વરસાદના દેવ ઈન્દ્રરાજને રીઝવવા માટે શહેરા તાલુકાના સાજીવાવ અને નવા મહેલાણ ગામની મહિલાઓએ વર્ષો જૂની અનોખી લોકપરંપરા પુનઃ જીવંત કરી છે.
ગ્રામ્ય વિસ્તારોમાં અનાદિ કાળથી ચાલી આવતી લોકમાન્યતા મુજબ, જ્યારે પણ કુદરત કોપાયમાન થાય કે વરસાદ ન પડે, ત્યારે મહિલાઓ પુરુષોનો વેશ ધારણ કરીને પડોશી ગામમાંથી ગાયોનું ધણ વાળી (હાંકી) લાવે તો ઈન્દ્રદેવ પ્રસન્ન થાય છે. આ પ્રાચીન રીત-રિવાજને અનુસરીને સાજીવાવ ગામની મહિલાઓએ પુરુષોના પરંપરાગત વસ્ત્રો ધારણ કર્યા હતા. હાથમાં લાકડી અને પ્રતિકાત્મક સાધનો લઈને મહિલાઓનું આ જૂથ નવા મહેલાણ ગામે પહોંચ્યું હતું અને ત્યાંથી ગાયોનું ધણ હાંકીને પોતાના ગામે લઈ આવ્યું હતું.
આ પરંપરાના નિયમ મુજબ, જે ગામની ગાયો વાળવામાં આવી હોય, તે ગામની મહિલાઓ એકત્ર થઈને પોતાની ગાયોને પરત મેળવવા માટે સામેના ગામે પહોંચે છે. સાજીવાવ અને નવા મહેલાણ ગામ વચ્ચે પણ આ જ મુજબ સામસામે આવીને ઉત્સાહ અને શ્રદ્ધાપૂર્વક ધાર્મિક વિધિ પૂર્ણ કરવામાં આવી હતી. આ અનોખા પ્રસંગે બંને ગામના લોકો મોટી સંખ્યામાં એકઠા થયા હતા અને સમગ્ર પંથકમાં કૌતુક અને આસ્થાનો માહોલ જોવા મળ્યો હતો.
સ્થાનિક ગ્રામજનો અને વડીલોના જણાવ્યા અનુસાર, પૂર્વજોના સમયથી ચાલી આવતી આ વિધિ કરવાથી મેઘરાજા ચોક્કસપણે પ્રસન્ન થાય છે અને કૃપા વરસાવે છે. કડક તડકા અને પાક સુકાવાની સ્થિતિ વચ્ચે આ પરંપરા પૂર્ણ થતાં જ ગ્રામજનોમાં સારો વરસાદ થવાની અને મોલ બચી જવાની નવી આશા જાગી છે.