BREAKING NEWS

યુપીના બાગપતમાં ભયંકર અકસ્માત, ડિવાઇડર સાથે અથડાયા બાદ પિકઅપ વાહન પલટી ગયું, 12 લોકોના મોત

  • September 07, 2026 12:51 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)






ઉત્તર પ્રદેશના બાગપત જિલ્લામાં ઈસ્ટર્ન પેરિફેરલ એક્સપ્રેસવે પર રવિવારે મોડી રાત્રે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. યાત્રાળુઓને લઈ જઈ રહેલી પિકઅપ વાહનને અકસ્માત નડતાં શરૂઆતમાં ચાર લોકોના મોત થયા હતા, જ્યારે સોમવાર બપોર સુધીમાં મૃત્યુઆંક વધીને 12 પર પહોંચી ગયો હતો. મૃતકોમાં એક બાળકનો પણ સમાવેશ થાય છે. અકસ્માતમાં અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે, જેમાંથી કેટલાકને મેરઠ અને દિલ્હી ખાતે સારવાર માટે રિફર કરવામાં આવ્યા છે.



મળતી માહિતી મુજબ, પિકઅપ વાહનમાં કુલ 32 યાત્રાળુઓ સવાર હતા. તમામ યાત્રાળુઓ બદાયૂં જિલ્લાના અલ્હાપુર ગામના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. તેઓ રાજસ્થાનના બાગડ ધામની યાત્રાએ ગયા હતા અને રાત્રે પરત ફરી રહ્યા હતા. દરમિયાન બારાગાંવ કટ નજીક ઈસ્ટર્ન પેરિફેરલ એક્સપ્રેસવે પર પિકઅપને એક કેન્ટર ટ્રકે ટક્કર મારી હતી. ટક્કર બાદ પિકઅપ ડિવાઈડર સાથે અથડાઈને પલટી ગઈ હતી.



અકસ્મત એટલો ગંભીર હતો કે અનેક યાત્રાળુઓ વાહનની નીચે ફસાઈ ગયા હતા. ઘટનાસ્થળે અંધાધૂંધી મચી ગઈ હતી અને મદદ માટે લોકોની ચીસો સંભળાઈ રહી હતી. અકસ્માતની જાણ થતાં ખેકરા પોલીસ, ચાર પોલીસ રિસ્પોન્સ વાહનો અને એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસ અને સ્થાનિક લોકોની મદદથી વાહનમાં ફસાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી.



ઘાયલોને તાત્કાલિક સીએચસી ખેકરા, સીએચસી બાગપત અને જિલ્લા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ગંભીર સ્થિતિ ધરાવતા 14 જેટલા ઘાયલોને મેરઠ મેડિકલ કોલેજમાં રિફર કરવામાં આવ્યા હતા. મેડિકલ કોલેજના સીએમએસ અજિત ચૌધરીના જણાવ્યા અનુસાર, સારવાર દરમિયાન કેટલાક ઘાયલોનું મોત થયું હતું. જેના પગલે અકસ્માતમાં મૃત્યુઆંક 12 સુધી પહોંચી ગયો છે.



ઘટનાની જાણ થતાં જિલ્લા મેજિસ્ટ્રેટ અસ્મિતા લાલ અને પોલીસ અધિક્ષક સૂરજ કુમાર રાય પણ હોસ્પિટલ પહોંચ્યા હતા અને ઘાયલોની સ્થિતિ અંગે માહિતી મેળવી હતી. પોલીસે અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં વાહન પરનો કાબૂ ગુમાવવો અને કેન્ટર ટ્રક સાથે અથડામણ મુખ્ય કારણ હોવાનું સામે આવ્યું છે.

પોલીસે મૃતકો અને ઘાયલો અંગે માહિતી મેળવવા માટે પરિવારજનો માટે મોબાઇલ નંબર 9454417383 જાહેર કર્યો છે. પરિવારજનો આ નંબર પર સંપર્ક કરીને પોતાના સ્વજનો અંગે માહિતી મેળવી શકે છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News