BREAKING NEWS

એન્ટિલિયામાં અંબાણી પરિવારની જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી: ચાંદીના પારણે ઝૂલ્યા બાલગોપાળ, નીતા અંબાણી વહુઓ સાથે ગરબે ઘૂમ્યા, જુઓ Video

  • September 07, 2026 01:54 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અંબાણી પરિવાર પોતાની શાહી શૈલી અને ભારતીય પરંપરાઓ મુજબ દરેક તહેવારની ભારે ધામધૂમથી ઉજવણી કરવા માટે જાણીતો છે. વિશ્વના બીજા સૌથી મોંઘા ઘર ગણાતા 'એન્ટિલિયા'માં અંબાણી પરિવારે જગતના નાથ ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવની અત્યંત હર્ષોલ્લાસભેર અને સનાતન પરંપરાગત રીતે ઉજવણી કરી હતી. આ ખાસ પ્રસંગના મનોહર વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યા છે. પર્વની ઉજવણી દરમિયાન મુકેશ અંબાણી અને નીતા અંબાણી સહિત આખો પરિવાર કૃષ્ણ ભક્તિમાં સંપૂર્ણપણે લીન થયેલો જોવા મળ્યો હતો.


કૃષ્ણ જન્મોત્સવ પ્રસંગે એન્ટિલિયામાં અત્યંત મનોહર અને ભવ્ય સજાવટ કરવામાં આવી હતી. અંબાણી પરિવારે અત્યંત બારીક અને ઝિણવટપૂર્વકના નક્ષીકામ ધરાવતા ચાંદીના પારણામાં લાલજીને બિરાજમાન કર્યા હતા. આ પારણાને તાજા લાલ ફૂલોથી સજાવવામાં આવ્યું હતું અને હિંડોળાની દોરી પણ ફૂલોની માળાઓથી આચ્છાદિત કરવામાં આવી હતી. બાલગોપાળના હિંડોળાની બરાબર બાજુમાં ચાંદીના કિંમતી આભૂષણોથી સજ્જ શ્રીનાથજીની મૂર્તિ બિરાજમાન કરાઈ હતી, તેમજ કાનુડાને ચાંદીના પાત્રોમાં છપ્પન ભોગ ધરાવવામાં આવ્યા હતા. પારણાની પાછળ વિવિધ રંગોના મોતી, બિડ્સ અને સ્ટોન્સથી તૈયાર કરાયેલું બાલગોપાળનું અદ્ભુત ચિત્ર આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.


આ ધાર્મિક મહોત્સવમાં પણ નીતા અંબાણીનો ભારતીય હસ્તકળા અને સંસ્કૃતિ પ્રત્યેનો પ્રેમ સ્પષ્ટપણે છલકાયો હતો. તેમણે એક્વા બ્લુ કલરની આકર્ષક બાંધણી સાડી ધારણ કરી હતી, જેમાં ગુલાબી હાઇલાઇટ્સ અને ગોલ્ડન ઝરીનું બારીક કારીગરી કામ કરવામાં આવ્યું હતું. ગોલ્ડન દોરાની પહોળી બોર્ડર અને મલ્ટી કલર ફુમતાં ધરાવતી સાડી સાથે તેમણે સ્કૂપ નેકલાઇન અને સિક્વન્સ વર્કવાળું બ્લાઉઝ ગુજરાતી શૈલીમાં ડ્રેપ કર્યું હતું. પોતાના લુકને પૂર્ણ કરવા તેમણે હીરા, પન્ના અને માણેકથી જડિત રાજશાહી દાગીના પહેર્યા હતા.


ગુજરાતી સંસ્કૃતિ મુજબ ગરબા અને દાંડિયારાસ વિના કોઈ પણ મહોત્સવ અધૂરો ગણાય છે. અંબાણી પરિવારે પણ ગરબાના તાલ સાથે કાનુડાના જન્મોત્સવના વધામણાં કર્યા હતા. નીતા અંબાણી પોતાની મોટી વહુ શ્લોકા, નાની વહુ રાધિકા તેમજ પોતાની વેવાણ મોના મહેતા સાથે ટ્રેડિશનલ ગરબે ઘૂમ્યા હતા. આ ઉપરાંત શ્લોકા, આકાશ, રાધિકા અને ઇશા સહિત પરિવારના તમામ સભ્યોએ સાથે મળીને ગરબાની રમઝટ બોલાવી હતી, જ્યારે મુકેશ અંબાણી અને નીતા અંબાણીએ પણ દાંડિયારાસ રમીને આનંદ વ્યક્ત કર્યો હતો.


કૃષ્ણજન્મના શુભ મુહૂર્ત બાદ એન્ટિલિયામાં મટકી ફોડનો ઉત્સાહવર્ધક કાર્યક્રમ યોજાયો હતો. આકાશ અંબાણી અને શ્લોકાના બંને નાના બાળકો, પૃથ્વી અને વેદાએ મમ્મી શ્લોકાના સાથ સાથે માખણની મટકી ફોડીને કાનુડાની બાલલીલાને જીવંત કરી હતી. ભગવંત સેવા સાથે ગૌસેવાનું મહત્વ સમજીને અનંત અંબાણીએ પોતાના હાથે ગૌમાતાને ભોજન કરાવીને આશીર્વાદ મેળવ્યા હતા. આમ, અંબાણી પરિવારનો આ જન્મોત્સવ શ્રદ્ધા, પરંપરા અને કૌટુંબિક પ્રેમનો અનોખો સંગમ બની રહ્યો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application