BREAKING NEWS

વાસી બટેટા, દાઝીયું તેલ અને કેમિકલયુક્ત ચટણી...રાજકોટના લોકમેળામાં 5 દિવસમાં 417 કિલો વાસી ખોરાક મળ્યો

  • September 07, 2026 01:41 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શ્રાવણ માસના પવિત્ર તહેવારોને અનુલક્ષીને રાજકોટના ઐતિહાસિક રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા 'વીરાસતથી વિકાસ' લોકમેળા-2026માં રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય શાખાના ફૂડ વિભાગ દ્વારા વ્યાપક સઘન ઝુંબેશ ચલાવવામાં આવી હતી. આરોગ્ય અધિકારી ડો. જયેશ વકાણી અને ડેઝિગ્નેટેડ ઓફિસર ડો. હાર્દિક મેતાના સીધા માર્ગદર્શન હેઠળ ફૂડ સેફ્ટી ઓફિસરશ્રીઓની અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી. આ ટીમો દ્વારા તા. 02 સપ્ટેમ્બર 2026થી તા. 06 સપ્ટેમ્બર 2026 દરમિયાન મેળા પરિસરમાં ખાદ્યચીજોનું વેચાણ કરતા તમામ નાના-મોટા સ્ટોલ ધારકો તથા ફેરિયાઓનું કડક સર્વેલન્સ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.


આ વિશેષ ચેકિંગ ઝુંબેશ દરમિયાન સ્થળ પર 'ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ' વાનના સ્ટાફ દ્વારા ખાદ્ય પદાર્થોની ત્વરિત ચકાસણી કરવાની સાથે વેપારીઓમાં આરોગ્યપ્રદ ખોરાક અંગે જાગૃતિ ફેલાવવામાં આવી હતી. મનપાની ટીમ દ્વારા મેળામાં નિયમાનુસાર વેપાર કરવા માટે કુલ 54 ધંધાર્થીઓને સ્થળ પર જ ટેમ્પરરી લાઇસન્સ ઇશ્યૂ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, તમામ સ્ટોલ ધારકોને ધંધાના સ્થળે સ્વચ્છતા અને હાઇજેનિક કન્ડિશન જાળવવા, તાજાં અને તપાસેલાં શાકભાજી વાપરવા તેમજ પેકિંગ વાળી ખાદ્યચીજોની એક્સપાયરી તથા ઉત્પાદન તારીખ ચકાસીને જ ગ્રાહકોને આપવા માટે કડક સૂચનાઓ આપવામાં આવી હતી.


ચાર દિવસીય ચકાસણી દરમિયાન ફૂડ વિભાગની ટીમે સ્ટોલ પરથી બિનઆરોગ્યપ્રદ રીતે સંગ્રહ કરેલો અને માનવ શરીર માટે અત્યંત હાનિકારક એવો અખાદ્ય જથ્થો પકડી પાડ્યો હતો. જેમાં વાસી બાફેલા બટેટા, વારંવાર ગરમ કરેલું દાઝીયું તેલ, ખુલ્લા અને કાપેલાં ફળ-શાકભાજી, સડેલા બટેટા, ફરાળી ખાદ્યચીજોના નામે અયોગ્ય રીતે વપરાતો મકાઈનો લોટ/સ્ટાર્ચ, ચિપ્સ અને ટ્વીસ્ટર માટેનું વાસી બેટર, પડતર મરચું પાવડર, વાસી ઘૂઘરાની મીઠી ચટણી, વાસી ઘૂઘરા, બ્રેડ પકોડા, પાણીપુરીનું અશુદ્ધ પાણી તથા વાસી મીઠો પાન મસાલો મળી આવ્યા હતા.


મનપાના ફૂડ વિભાગ દ્વારા લોકમેળાના સ્થળ પર જ અંદાજે કુલ 417 કિલોગ્રામ જેટલા વાસી અને અખાદ્ય ખોરાકનો તાત્કાલિક અસરથી નાશ કરવામાં આવ્યો હતો. આ સાથે જ નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં કરનારા અને નિયમોનો ભંગ કરનારા વેપારીઓ સામે કડક કાર્યવાહી કરીને તેમની પાસેથી કુલ રૂ.15,750 નો વહીવટી ચાર્જ પણ સ્થળ પર જ વસૂલ કરવામાં આવ્યો હતો. તંત્રની આ ત્વરિત કાર્યવાહીના કારણે મેળામાં આવેલા લાખો શ્રદ્ધાળુઓ અને મુલાકાતીઓને અશુદ્ધ ખોરાકથી સુરક્ષા મળી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application