ગુજરાતમાં 24 કલાકમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ધોધમાર વરસાદ પડતાં અનેક વિસ્તારો જળમગ્ન બન્યા છે. રાજ્યના ૨૧૩થી વધુ તાલુકાઓમાં હળવાથી લઈને ભારે વરસાદી ઝાપટાં અને આકાશી આફત જેવો વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાતમાં મેઘતાંડવ થયું હોય તેવા ચોંકાવનારા આંકડાસામે આવ્યા છે. સૌથી વધુ વરસાદ વલસાડ જિલ્લામાં નોંધાયો છે. વલસાડના ઉમરગામ તાલુકામાં ૨૪ કલાક દરમિયાન આભ ફાટ્યું હોય તેમ રેકોર્ડબ્રેક ૯૦૬ મીમી (૩૫.૬૭ ઈંચ) વરસાદ ખાબક્યો છે. તેમાં પણ મોડી રાત્રે ૧૨ થી ૬ વાગ્યાના સમયગાળા દરમિયાન જ ૪૩૩ મીમી જેટલો ભારે વરસાદ પડતાં સમગ્ર ઉમરગામ પંથક બેટમાં ફેરવાઈ ગયો હતો. જ્યારે આજે સવારે છથી બપોરના 12 વાગ્યા સુધીમાં વધુ 9.88 ઈંચ વરસાદ ખાબકતા 12 કલાકમાં ૧૫ ઇંચ અને છેલ્લા 30 કલાકમાં 45 ઈંચથી વરસાદ ખાબકી ચૂક્યો છે.
સુરત શહેરમાં ખાબકેલા ભારે વરસાદના કારણે સમગ્ર જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. સુરત રેલ્વે સ્ટેશન પાસે આવેલા ગરનાળા તેમજ શહેરના અન્ય નીચાણવાળા વિસ્તારોમાં મોટા પ્રમાણમાં પાણી ભરાઈ જતાં વાહનચાલકો અને રાહદારીઓ અટવાયા હતા. રસ્તાઓ પર વરસાદી પાણી ફરી વળવાના કારણે વાહનોની ગતિ ધીમી પડી જતાં અનેક માર્ગો પર વાહનોની લાંબી કતારો સાથે ભારે ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી.
રોજ સવારે ૬.૦૦ થી બપોરે ૧૨.૦૦ વાગ્યા સુધીના ૬ કલાકમાં રાજ્યના ૧૭૫થી વધુ તાલુકાઓમાં ભારે વરસાદ નોંધાયો છે. જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને ભરૂચ જિલ્લામાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે.
સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં માત્ર છ કલાકમાં ૨૮૩ મીમી (૧૧.૧૪ ઈંચ) વરસાદ ખાબકતા ચારેય તરફ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. જ્યારે વલસાડના ઉમરગામમાં ૨૫૧ મીમી (૯.૮૮ ઈંચ) વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત ભરૂચના નેત્રંગમાં ૧૭૫ મીમી (૬.૮૯ ઈંચ), વલસાડના પારડીમાં ૧૬૮ મીમી અને નવસારીના ખેરગામમાં ૧૬૪ મીમી આકાશી આફત જેવો વરસાદ વરસ્યો છે.
ઉત્તર ગુજરાતના મહેસાણાના બેચરાજીમાં ૧૩૦ મીમી (૫.૧૨ ઈંચ) અને અમદાવાદ શહેરમાં ૬૬ મીમી (૨.૬૦ ઈંચ) વરસાદ પડતાં રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા. તાપીના ઉકાઈ (૧૨૫ મીમી), વ્યારા (૧૧૬ મીમી), ડાંગના વાઘઈ (૧૨૫ મીમી) અને નર્મદાના ચીકડામાં (૧૧૨ મીમી) પણ ભારે વરસાદથી નદી-નાળાં છલકાયા છે. સતત વરસી રહેલા વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારો જળમગ્ન બન્યા છે અને જનજીવન પર વ્યાપક અસર પડી છે.
મંત્રીઓ-સિનિયર આઈએએસ અધિકારીઓને સીએમની સૂચના
દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ અને હવામાન વિભાગના રેડ એલર્ટને પગલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર સ્થિત સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે ઉચ્ચસ્તરીય બેઠક યોજી રાહત-બચાવ કામગીરીની સમીક્ષા કરી હતી. તેમણે સુરત, વલસાડ અને નવસારીના કલેક્ટરો સાથે સીધી વાતચીત કરી વહીવટી તંત્રને એલર્ટ રહેવા સૂચના આપી છે. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને મંત્રી નરેશ પટેલને અસરગ્રસ્ત વિસ્તારોમાં રવાના કરાયા છે. આ સાથે કમિશનર રેમ્યા મોહન, ડિઝાસ્ટર મેનેજમેન્ટ કમિશનર આલોક પાંડે અને રેડ એલર્ટ વાળા જિલ્લાના પ્રભારી સચિવોને તાત્કાલિક સ્થળ પર પહોંચી કામગીરીનું સંકલન કરવા મેદાનમાં ઉતારી દેવામાં આવ્યા છે.
અમદાવાદ-મુંબઈ રૂટની સાત ટ્રેનો રદ, 50 હજારથી વધુ મુસાફરો અટવાયા
દક્ષિણ ગુજરાતમાં અવિરત વરસી રહેલા ભારે વરસાદને કારણે રેલવે ટ્રેક પર પાણી ભરાતાં વેસ્ટર્ન રેલવેનો વ્યવહાર ગંભીર રીતે ખોરવાઈ ગયો છે. સ્થિતિને ધ્યાનમાં રાખીને અમદાવાદ-મુંબઈ રૂટની સાત મુખ્ય ટ્રેનો રદ કરવામાં આવી છે, જ્યારે અનેક ટ્રેનો મોડી ચાલી રહી છે. ટ્રેન સેવાઓ ખોરવાતાં નવસારીથી સુરત અને વાપી તરફ રોજગારી માટે અપડાઉન કરતા 50 હજારથી વધુ પાસ હોલ્ડરો અને નોકરિયાતો સ્ટેશન પર અટવાઈ પડ્યા છે. તંત્ર કે એસ.ટી. નિગમ દ્વારા કોઈ વૈકલ્પિક બસ વ્યવસ્થા ન કરાતાં મુસાફરોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. બીજી તરફ, રેલવે પ્રશાસન દ્વારા પરિસ્થિતિ પર કાબૂ મેળવવા વિશેષ હેલ્પ ડેસ્ક શરૂ કરી રદ થયેલી ટ્રેનોનું રિફંડ આપવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
ઉમરગામના સંજાણ-હુમરાણ માર્ગ પરનો પુલ ધરાશાયી
વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં સતત વરસી રહેલા અતિભારે વરસાદને કારણે સંજાણથી હુમરાણ જતાં માર્ગ પર આવેલો પુલ ધરાશાયી થયો છે. નદીમાં પાણીના ભારે પ્રવાહ અને વધેલા જળસ્તરના કારણે પુલનો એક મોટો ભાગ ધસી પડતાં આ માર્ગ પરનો વાહનવ્યવહાર સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક તંત્ર સ્થળ પર પહોંચી ગયું હતું અને મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને રસ્તો બંધ કરી લોકોને વૈકલ્પિક માર્ગ અપનાવવા અપીલ કરી છે. હાલ તંત્ર દ્વારા પુલના નુકસાનનું મૂલ્યાંકન કરી તાત્કાલિક સમારકામ અને પુનઃનિર્માણ માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે.
પૂર બાદ રોગચાળો અટકાવવા તબીબોની રિઝર્વ ટીમો તૈયાર
દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ અને સુરતમાં ભારે વરસાદના રેડ એલર્ટ વચ્ચે પૂરના પાણી ઓસર્યા બાદ રોગચાળો અટકાવવા ગાંધીનગરમાં આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના અધ્યક્ષસ્થાને ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. મંત્રીએ ક્લોરીન ટેબલેટ્સ, જરૂરી દવાઓ, જંતુનાશકોનો જથ્થો ઉપલબ્ધ કરાવવા અને આશ્રય શિબિરોમાં નાગરિકોનું તબીબી ચેકઅપ કરવા સૂચના આપી હતી. આ ઉપરાંત, અંતરિયાળ ગામોમાંથી સગર્ભા મહિલાઓને સુરક્ષિત રીતે સીએચસી ખાતે ખસેડવા અને અન્ય જિલ્લાઓમાંથી તબીબોની રિઝર્વ ટીમો તૈયાર રાખવા આયોજન કરાયું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ સ્થિતિની ગ્રાઉન્ડ લેવલ પર સીધી સમીક્ષા કરવા માટે આરોગ્ય મંત્રી પોતે સડક માર્ગે સુરત અને નવસારી જવા રવાના થયા છે.
સુરત-નવસારી સ્ટેટ હાઇવે બંધ
નવસારીમાં આકાશી આફતના કારણે પૂર્ણા નદી બે કાંઠે વહેતાં તેના પાણી સુરત-નવસારીને જોડતા સ્ટેટ હાઇવે પર ફરી વળ્યા છે, જેને પગલે સુરક્ષાના ભાગરૂપે આ માર્ગને વાહનવ્યવહાર માટે સંપૂર્ણપણે બંધ કરી દેવાયો છે. દિવસ દરમિયાન હજારો વાહનચાલકો આ વ્યસ્ત ઇન્ટરસિટી માર્ગનો ઉપયોગ કરતા હોય છે, પરંતુ ભારે વરસાદના કારણે વાહનવ્યવહારમાં મોટો વિક્ષેપ પડ્યો છે. કોઈ કારચાલક કે બાઇકચાલક જોખમ ખેડીને પૂરના પાણીમાંથી પસાર થવાનો પ્રયાસ ન કરે અને મોટી દુર્ઘટના ટળે તે હેતુથી સ્થાનિક તંત્ર દ્વારા આ માર્ગ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.