BREAKING NEWS

દરિયાઈ ક્ષેત્રે ભારતની મોટી છલાંગ: યુએઈ સાથે મળીને કોચીમાં બનશે આંતરરાષ્ટ્રીય શિપ રિપેર ઈકોસિસ્ટમ, ડોલરમાં થશે કમાણી

  • September 15, 2026 09:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભારતના દરિયાઈ ક્ષેત્ર અને શિપિંગ ઉદ્યોગ માટે એક ઐતિહાસિક સમાચાર સામે આવ્યા છે. કોચિન શિપયાર્ડ લિમિટેડ (CSL) અને દુબઈની જાણીતી કંપની 'ડ્રાયડોક્સ વર્લ્ડ' વચ્ચે 50:50 ની ભાગીદારી ધરાવતું નવું જોઈન્ટ વેન્ચર સ્થાપવામાં આવ્યું છે. આ ભાગીદારીનો મુખ્ય હેતુ કોચી ખાતે આવેલી 'ઇન્ટરનેશનલ શિપ રિપેર ફેસિલિટી' નો સંયુક્ત રીતે વહીવટ કરવાનો અને તેનો મોટો વિસ્તાર કરવાનો છે. આ પ્રોજેક્ટ દ્વારા ભારતને હિંદ મહાસાગર ક્ષેત્રમાં જહાજોના સમારકામ (શિપ રિપેરિંગ) માટે એક વિશાળ આંતરરાષ્ટ્રીય હબ તરીકે વિકસાવવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.

પ્રારંભિક તબક્કામાં આ સુવિધા હેઠળ 80 થી વધુ મોટા જહાજોની મરામત કરવાની ક્ષમતા ઊભી કરાશે, અને આગામી સમયમાં તેના વર્કસ્ટેશનોની સંખ્યા 6 થી વધારીને 16 કરવામાં આવશે. અત્યાર સુધી આંતરરાષ્ટ્રીય કોમર્શિયલ જહાજો, તેલ ટેન્કરો અને કન્ટેનર કેરિયર્સ સમારકામ માટે દુબઈ અથવા સિંગાપોર તરફ જતા હતા, પરંતુ હવે આ સુવિધા ભારત ખાતે ઉપલબ્ધ થશે. આનાથી સ્ટીલ, એન્જિનિયરિંગ, લોજિસ્ટિક્સ અને ઈલેક્ટ્રિકલ ક્ષેત્રે રોજગારીની નવી તકો ઊભી થશે અને દેશને મોટા પ્રમાણમાં વિદેશી હૂંડિયામણ (ડોલર) ની કમાણી થશે.


આ ભાગીદારી ભારત સરકારના શિપબિલ્ડિંગ રોડમેપનો એક ભાગ છે. સરકારે દેશમાં શિપબિલ્ડિંગ અને મેરીટાઈમ સુધારા માટે 69725 કરોડ રૂપિયાની યોજનાઓ શરૂ કરી છે, જેમાં 24736 કરોડ રૂપિયાની 'શિપબિલ્ડિંગ ફાઇનાન્શિયલ અસિસ્ટન્સ સ્કીમ', 25000 કરોડ રૂપિયાનું 'મેરીટાઈમ ડેવલપમેન્ટ ફંડ' અને 19989 કરોડ રૂપિયાની 'શિપબિલ્ડિંગ ડેવલપમેન્ટ સ્કીમ' નો સમાવેશ થાય છે. આ યોજનાઓ દ્વારા મોટા જહાજોને ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો દરજ્જો આપવામાં આવ્યો છે જેથી સરળતાથી ફાઇનાન્સ મળી શકે.


​​​​​​​નોંધનીય છે કે, કોચિન શિપયાર્ડ એ જ જગ્યા છે જ્યાં ભારતનું પ્રથમ સ્વદેશી એરક્રાફ્ટ કેરિયર 'INS વિક્રાન' તૈયાર કરવામાં આવ્યું હતું. CSL હાલમાં ભારતીય નૌકાદળ માટે 6 'નેક્સ્ટ જનરેશન મિસાઇલ વેસલ્સ' (NGMV) પણ બનાવી રહ્યું છે. 'મેરીટાઈમ ઇન્ડિયા વિઝન 2030' અને 'અનંત કાલ વિઝન 2047' હેઠળ ભારતને 2030 સુધીમાં વિશ્વના ટોપ 10 અને 2047 સુધીમાં ટોપ 5 શિપબિલ્ડિંગ દેશોમાં સામેલ કરવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application