BREAKING NEWS

અમેરિકાની શાળાઓમાં સ્ક્રીન ટાઇમ ઘટાડવાનો મોટો નિર્ણય: કિન્ડરગાર્ટનના બાળકોને હવેથી નહીં મળે લેપટોપ

  • September 15, 2026 11:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમેરિકાના ફિલાડેલ્ફિયા ક્ષેત્રમાં આવેલા પબ્લિક સ્કૂલ ડિસ્ટ્રિક્ટ્સ દ્વારા વર્ગખંડોમાં ટેકનોલોજી અને ડિજિટલ ઉપકરણોના ઉપયોગ પર કડક નિયંત્રણો લાદવાની શરૂઆત કરવામાં આવી છે. 'ધ ફિલાડેલ્ફિયા ઇન્ક્વાયરર' ના એક અહેવાલ અનુસાર, અનેક શાળાઓએ વિદ્યાર્થીઓને વ્યક્તિગત રીતે ઉપકરણો આપવાના કાર્યક્રમોને કાં તો મર્યાદિત કરી દીધા છે અથવા તો સંપૂર્ણપણે બંધ કરી દીધા છે. બાળકોમાં વધતા જતાં સ્ક્રીન ટાઇમ અને તેના કારણે અભ્યાસ પર પડતી પ્રતિકૂળ અસરોને ધ્યાનમાં રાખીને આ મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે.


વિવિધ સ્કૂલ ડિસ્ટ્રિક્ટ્સ દ્વારા લાવવામાં આવેલા નવા નિયમો હેઠળ, કોલોનિયલ સ્કૂલ ડિસ્ટ્રિક્ટે પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને રાત્રે પોતાના લેપટોપ ઘરે લઈ જવાની મનાઈ ફરમાવી છે. જ્યારે ટ્રેડીફ્રીન/ઈસ્ટટાઉન સ્કૂલ ડિસ્ટ્રિક્ટે કિન્ડરગાર્ટનના નાનકડા બાળકોને આઈપેડ ન આપવાનો નિર્ણય કર્યો છે. મેથાક્ટન સ્કૂલ ડિસ્ટ્રિક્ટે પણ કિન્ડરગાર્ટન અને પહેલા ધોરણના બાળકો માટે વ્યક્તિગત ડિવાઇસને બદલે શેરિંગ મોડલ અપનાવ્યું છે. તેવી જ રીતે, ફીનિક્સવિલે એરિયા સ્કૂલ ડિસ્ટ્રિક્ટે કિન્ડરગાર્ટનથી ત્રીજા ધોરણ સુધીના બાળકો માટે પર્સનલ ડિવાઇસ પ્રોગ્રામ નાબૂદ કર્યો છે. વોલિંગફોર્ડ-સ્વાર્થમોરમાં પાંચમા ધોરણ સુધીના બાળકો માટે યુટ્યુબ પર સર્ચિંગ અને બ્રાઉઝિંગ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.


આ મોટા બદલાવોનું વર્ગખંડોમાં કોમ્પ્યુટર અને સ્ક્રીનના અતિશય ઉપયોગનો વિરોધ કરી રહેલા વાલીઓએ ઉષ્માભેર સ્વાગત કર્યું છે. વાલીઓનું માનવું છે કે આ પ્રતિબંધોથી શિક્ષકોને પ્રત્યક્ષ રીતે ભણાવવામાં મદદ મળશે અને સ્ક્રીનના કારણે બાળકોનું ધ્યાન ભટકવાની સમસ્યામાં ઘટાડો થશે. જોકે, કેટલાક વાલીઓ એ બાબતે ચિંતિત છે કે આ ફેરફારોની મર્યાદિત અસર જ થઈ શકે છે, કારણ કે ઉચ્ચ ધોરણોમાં હજુ પણ ડિજિટલ ઉપકરણોનો મોટાપાયે ઉપયોગ ચાલુ રહેશે.


​​​​​​​આ ટેકનોલોજીકલ સીમાઓ નક્કી કરવા માટે 'પીએ અનપ્લગ્ડ' નામના 5000 થી વધુ સભ્યો ધરાવતા જૂથે મહત્વની ભૂમિકા ભજવી છે. વોલિંગફોર્ડ-સ્વાર્થમોર સ્કૂલ ડિસ્ટ્રિક્ટ, જેમાં આશરે 3700 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, તેણે વાલીઓને પોતાની નવી ટેકનોલોજી એડવાઇઝરી કાઉન્સિલમાં જોડાવા માટે આમંત્રણ આપ્યું છે. આ સમિતિ 6 ઠ્ઠા થી 12 મા ધોરણના વર્ગખંડોમાં ડિજિટલ ઉપકરણોના સંતુલિત ઉપયોગ અંગે શાળા સંચાલકોને યોગ્ય સલાહ-સૂચનો આપશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News