પંજાબમાં ગમખ્વાર અકસ્માત થતા ગુજરાતના પાંચ લોકોના કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા. આજે સવારે બઠિંડામાં ગુથાડી ગામ નજીક ફોર્ચ્યુનર કાર ડિવાઇડર સાથે અથડાતા પલ્ટી મારી ગઈ હતી. જેમાં આખી કાર પડીકું વળી ગઈ હતી. કારની અંદર બેઠેલા ગુજરાતના પાંચ લોકોના મોત થયા હતા.
મળતી માહિતી મુજબ, આ કાર બઠિંડાથી ડબવાલી તરફ જઇ રહી હતી. તેમાં ગુજરાત પોલીસની મહિલા કર્મચારી અમિતા તેના ચાર મિત્રો અંકુશ, ભરત, ચેતન અને સતીશની સાથે ગુજરાત આવી રહી હતી. આ લોકો શિમલાથી ફરીને પાછા આવતા હોવાની જાણવા મળ્યું હતું. જોકે કાતિલ ઠંડીના દોર વચ્ચે ભારે ધુમ્મસ વચ્ચે વહેલી સવારે તેમની કાર ડિવાઈડર સાથે અથડાઈ જતાં કારનો કચ્ચરઘાણ થઈ ગયો હતો. આ દુર્ઘટનામાં તમામ પાંચ લોકો ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યા હતા.
આ દુર્ઘટના અંગે જાણકારી આપતા એસપી સિટી નરિંદર સિંહે જણાવ્યું કે પાંચેય મિત્રોના મૃતદેહોને કબજે લઈ સિવિલ હોસ્પિટલ રવાના કરાયા હતા અને મૃતકોના પરિજનોને જાણકારી આપી દેવામાં આવી હતી.
ગુજરાતના વાવ-થરાદ જિલ્લાની મહિલા કોન્સ્ટેબલ સહિત પાંચ લોકોના મોતથી માદરે વતનમાં શોક છવાઇ ગયો છે. ટક્કર એટલી ભયાનક હતી કે ફોર્ચ્યુનર કાર આખેઆખી પડીકું વળી ગઈ હતી. માહિતી મળતાં ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે મહામહેનતે કારમાંથી મૃતદેહોને બહાર કાઢ્યા હતા.
અકસ્માતમાં મોતને ભેટેલા તમામ લોકો વાવ-થરાદ જિલ્લાના છે. જેમની ઓળખ અમિતાબહેન કરશનભાઈ રાજપૂત (રહે. રાટીલા, દિયોદર), અરજણભાઇ સુબાભાઇ રાજપૂત (રહે. રાટીલા, દિયોદર), ભરતભાઈ અજાભાઇ રાજપૂત (રહે. અછવાડીયા, લાખણી) જનકભાઈ રાજપૂત (રહે. જેતડા, થરાદ) અને સતીષ તરીકે થઈ છે. તમામની ઉંમર 25થી 30 વર્ષની વચ્ચેની હતી. મૃતક અમિતાબેન પોલીસ કોન્સ્ટેબલ હતા. આ તમામ ફોર્ચ્યુનર કારમાં શિમલા ગયાં હતાં. પરત ફરતી વખતે પંજાબના બઠિંડામાં ગાઢ ધુમ્મસને કારણે ડ્રાઈવરે કાબૂ ગુમાવ્યો અને કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી.