રાજકોટ શહેર અને જિલ્લામાં અત્યાર સુધીમાં પાંચ ગુનેગારોને ફાંસી આપવામાં આવી છે. જેમાં ડાકુ બચુભા, ચૂનીલાલ જાદવજી, બટુક રાઘવ, કે.જે.સોની અને શશિકાંત માળીને ફાંસી અપાઈ છે. ડાકુ બચુભા સૌરાષ્ટ્રનાં એક કુખ્યાત ડાકુનો જમણો હાથ હતો. ચૂનીલાલે એક સ્ત્રીનું ખૂન કર્યું હતું. બટુક રાઘવે પોતાની પ્રેમિકાની ધોળા દિવસે હત્યા કરી હતી. તેમાં 2-6-1965નાં રોજ કે.જે. સોની, 31-3-1965નાં રોજ બટુક રાઘવભાઈ રાજપુત અને 11-11-1963નાં રોજ ચુનિલાલ માધવજીભાઈ જાદવને ફાંસી આપવામાં આવી હતી.
શહેરના હાથીખાના વિસ્તારમાં રહેતા બટુક નામના શખ્સે 1966માં રાજશ્રી સિનેમા નજીક કરેલી હત્યાના ગુનામાં તેમજ વર્ષ 1979માં રાજકોટમાં મજદૂર સંઘના અગ્રણી હસુભાઈ દવેના પરિવારના ત્રણ સભ્યોની ઘાતકી હત્યા કરનાર શશીકાંત માળીને 1979માં ફાંસીની સજા અપાઇ હતી. આ ઉપરાંત રાજકોટ જિલ્લાની અદાલતો દ્વાર ત્રણ વર્ષની માસુમ બાળકી પર રેપ કરી અને મોતને ઘાટ ઉતારનાર રમેશ ડેડુકીયાને તા. 15/3/2020ના રોજ, જ્યારે જેતપુર તાલુકાના જેતલસર ગામે એકતરફી પ્રેમમાં પાગલ જયેશ ગિરધર સરવૈયા નામના શખ્સને સૃષ્ટિ રૈયાણી નામની યુવતીની સરાજાહેર હત્યા કરી નાખવાના ગુનામાં 13/3/23ના રોજ અદાલતે ફાંસીની સજાના હુકમો કર્યું છે. જે કેસો અપીલમાં પેન્ડિંગ હોવાનું જાણવા મળે છે. જ્યારે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર ભરમાં ચકચાર મચાવનાર જસદણ તાલુકાના કાનપર ગામની સીમમાં સાત વર્ષની માસુમ બાળકી પર દુષ્કર્મના કેસમાં અદાલતે બનાવના 43મા દિવસે આજે તા. 17/1/2026ના રોજ હેવાનને ફાંસીની સજાનો હુકમ કર્યો છે.
સરકારી વકીલ વોરાની મહેનત ફળી
આટકોટ પોલીસ તાબેના કાનપર ગામે પોણા સાત વર્ષની માસુમ બાળકી ઉપર બદકામનો પ્રયાસ નિષ્ફળ જતા નરાધમ રામસિંગ ડુડવાએ સગીરાના ગુપ્તાંગમાં લોખંડનો સળીયો ભરાવી લોહી લુહાણ કરી દેવાની હચમચાવતી હેવાનિયત ભરેલી ઘટનાના કેસમાં મુખ્ય જિલ્લા સરકારી વકીલ એસ. કે વોરા અને મદદનીશ સરકારી વકીલ પ્રશાંત પટેલે કોર્ટમાં આ કેસની સુનાવણી બાદ આરોપીને કસૂરવાર ઠરાવાયા બાદ બંને સરકારી વકીલે આ કેસ રેરેસ્ટ ઓફ ધી રેર હોય આરોપીને ફાંસીની સજા કરવા તારીખ 15 /1 /26થી દલીલો શરૂ કરી હતી.
સંજય વોરા હસ્તક બે ફાંસી સહિત 136મી સજા
રાજકોટ જિલ્લા સરકારી વકીલ તરીકે તાજેતરમાં જ 10 વર્ષનો કાર્યકાળ પૂર્ણ કરીને 11મા વર્ષમાં પ્રવેશેલા વરિષ્ઠ ધારાશાસ્ત્રી સંજયભાઈ કે. વોરા હસ્તક અત્યાર સુધીમાં બે ફાંસી સહિત કુલ 136 સજાના હુકમો થયા છે.
નવા બીએનએસ કાનૂન હેઠળ ફાંસીની સજાનો પ્રથમ ચુકાદો
દેશની ન્યાય પ્રણાલીને વધુમાં વધુ પ્રજાભિમુખ બનાવવા માટે રચવામાં આવેલા ઇન્ડિયન પ્નિલ કોડ ભારતીય દંડ સંહિતાની જગ્યાએ સરકારે ભારતીય ન્યાય સંહિતા બીએનએસની અમલવારી બાદ રાજકોટ પોક્સો કોર્ટે સૌ પ્રથમવાર બીએનએસ અંતર્ગત સાત વર્ષની બાળકી પર દુષ્કર્મ કરનાર નરાધમને ફાંસીની સજાનો ચુકાદો આપ્યો છે.