BREAKING NEWS

રાજકોટમાં ફાયનાન્સની ઓફિસમાં જુગાર રમતા ભાજપના મહિલા કોર્પોરેટરના પતિ સહિત પાંચ ઝડપાયા

  • August 04, 2026 03:35 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

લાખના બંગલા પાસે વંશરાજ ઓફિસમાં ગાંધીગ્રામ પોલીસનો દરોડો, પટમાંથી રોકડ રૂ.૪૫ હજાર કબજે: વોર્ડ નં.૧ ના કોર્પોરેટરના પતિ અમિત ચૌધરી જુગાર રમતા ઝડપાતા રાજકીય આલમમાં ભારે ચર્ચા

લાખના બંગલા પાસે આશાપુરા રોડ પર આવેલી વંશરાજ એન્ટરપ્રાઇઝ નામની ફાઇનાન્સની ઓફિસમાં ગાંધીગ્રામ પોલીસે દરોડો પાડ્યો હતો. પોલીસે અહીં જુગાર રમતા ભાજપના વોર્ડ નંબર- ૧ ના મહિલા કોર્પોરેટર સેજલબેન ચૌધરીના પતિ અમિત ચૌધરી સહિત પાંચ શખસોને ઝડપી લીધા હતા. દરોડા દરમિયાન પોલીસે પટમાંથી રોકડ રૂપિયા 45,000 કબજે કર્યા હતા. મહિલા કોર્પોરેટરના પતિ જુગાર રમતા ઝડપતા રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે.


જુગારના આ દરોડાની જાણવા મળતી વિગતો મુજબ, ગાંધીગ્રામ પોલીસ મથકના પીઆઇ એચ.પી. ગઢવીની રાહબરી હેઠળ ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન એવી હકીકત મળી હતી કે, અક્ષરનગર શેરી નંબર ત્રણ લાખના બંગલા પાસે આશાપુરા રોડ પર આવેલી વંશરાજ એન્ટરપ્રાઇઝ નામની ઓફિસમાં કેટલાક શખસો જુગાર રમી રહ્યા છે બાતમીના આધારે પોલીસની ટીમે અહીં દરોડો પાડ્યો હતો.


પોલીસે અહીં જુગાર રમતા પાંચ શખસોને ઝડપી લીધા હતા. જેમાં નિકુંજ સંતોષભાઈ સોલંકી (ઉ.વ. 27 રહે. અક્ષરનગર શેરી નંબર બે, ગાંધીગ્રામ) કમલેશગીરી અરવિંદગીરી ગોસાઈ (ઉ.વ. 50 રહે. જીવંતિકાનગર શેરી નંબર ત્રણ, ગાંધીગ્રામ), વિમલ મહેન્દ્રભાઈ જોશી (ઉ.વ. 50 રહે. ગાંધીગ્રામ શેરી નંબર 5), હરેન્દ્રસિંહ કરણસિંહ જાડેજા (ઉ.વ.28 રહે. અક્ષર નગર શેરી નંબર 2, ગાંધીગ્રામ) અને મહિલા કોર્પોરેટર સેજલબેનના પતિ અમિત પ્રેમરાજભાઇ ચૌધરી (ઉ.વ. 45 રહે. ગાંધીગ્રામ શેરી નંબર 7) નો સમાવેશ થાય છે.


જુગાર રમતા ઝડપાયેલા આ શખસો પૈકી નિકુંજ સોલંકીની આ ઓફિસ હોય અને અહીં ક્રેડિટ કાર્ડથી પૈસા ફાઇનાન્સ કરવાની કામગીરી થતી હોવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળ્યું છે. જ્યારે કમલેશગીરી અને હરેન્દ્રસિંહ પ્રાઇવેટ નોકરી કરતો હોવાનું તેમજ વિમલ અને મહિલા કોર્પોરેટરના પતિ વેપારી હોવાનું જાણવા મળ્યું છે.


પોલીસે દરોડા દરમિયાન પટમાંથી રોકડ રૂપિયા 45,000 કબજે કરી પાંચેય શખસો વિરુદ્ધ જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો. ભાજપના મહિલા કોર્પોરેટરના પતિને જુગાર રમતા પોલીસે ઝડપી લેતા રાજકીય આલમમાં આ બાબતે ભારે ચર્ચા જગાવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application