BREAKING NEWS

બોલો લ્યો બોર્ડને પણ મોંધવારી નડી, ગુજરાતમાં ધો.10-12ની પરીક્ષા ફીમાં 5%નો વધારો, જાણો નવી ફી કેટલી થઈ

  • November 05, 2026 11:41 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી ફેબ્રુઆરી-માર્ચ ૨૦૨૭માં લેવાનારી ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ની બોર્ડ પરીક્ષાઓ માટે પરીક્ષા ફીમાં સરેરાશ ૫ ટકાનો વધારો કરવાનો મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. બોર્ડ દ્વારા આ અંગેની સત્તાવાર વિગતો અને પરિપત્ર જાહેર કરી દેવામાં આવ્યો છે, જેના અનુસાર હવે વિદ્યાર્થીઓએ પરીક્ષા આપવા માટે નવા દર મુજબ ફી ચૂકવવી પડશે. શિક્ષણ બોર્ડ દ્વારા આગામી ફેબ્રુઆરી ૨૦૨૭માં યોજાનારી ધોરણ ૧૦, સંસ્કૃત પ્રથમા અને ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉ.ચ્ચ.બુનિયાદી પ્રવાહ તથા સંસ્કૃત મધ્યમાની પરીક્ષાઓ માટે ૦૩ ડિસેમ્બર સુધી ઓનલાઇન ફોર્મ ભરી શકાશે.

બોર્ડના નવા નિર્ણય મુજબ ધોરણ ૧૦ની પરીક્ષા ફીમાં રૂ. ૨૦, ધોરણ ૧૨ સાયન્સમાં રૂ. ૩૫ અને સામાન્ય પ્રવાહમાં રૂ. ૩૦નો વધારો ઝીંકવામાં આવ્યો છે.


ધોરણ ૧૦ નિયમિત વિદ્યાર્થીઓ માટે અગાઉ ફી રૂ. ૪૨૫ હતી, જેમાં રૂ. ૨૦નો વધારો કરીને હવે નવી ફી રૂ. ૪૪૫ કરવામાં આવી છે. જ્યારે રિપીટર વિદ્યાર્થીઓની ફી રૂ. ૪૩૫ અને પ્રૃથ્થક ઉમેદવારોની ફી રૂ. ૩૦૦ નક્કી કરાઈ છે.


ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહના નિયમિત વિદ્યાર્થીઓની ફી રૂ. ૭૨૫થી વધારીને રૂ. ૭૬૦ કરાઈ છે. આ ઉપરાંત, વિજ્ઞાન પ્રવાહની પ્રાયોગિક (પ્રેક્ટિકલ) પરીક્ષા ફીમાં પણ વધારો કરાયો છે. અગાઉ પ્રાયોગિક વિષય દીઠ રૂ. ૧૩૦ ફી લેવાતી હતી, જે વધારીને હવે રૂ. ૧૩૫ કરવામાં આવી છે. સાયન્સના રિપીટર અને પ્રૃથ્થક વિદ્યાર્થીઓ માટે પણ વિષય પ્રમાણે ફીમાં ફેરફાર કરાયો છે.


જ્યારે ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહના નિયમિત, રિપીટર અને ઓપન સ્કૂલના નિયમિત વિદ્યાર્થીઓની ફી રૂ. ૫૯૦થી વધારીને રૂ. ૬૨૦ કરવામાં આવી છે. પ્રૃથ્થક ઉમેદવારો માટે ફી રૂ. ૩૪૫થી વધારીને રૂ. ૩૬૦ કરાઈ છે. જોકે, સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ માટે પ્રાયોગિક વિષયની ફીમાં કોઈ જ વધારો કરવામાં આવ્યો નથી અને તે યથાવત રાખવામાં આવી છે.


બોર્ડ દ્વારા જાહેર કરાયેલા સમયપત્રક પ્રમાણે આગામી ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષાઓ ૨૫ ફેબ્રુઆરી ૨૦૨૭થી ૧૭ માર્ચ ૨૦૨૭ દરમિયાન લેવામાં આવનાર છે. આ પરીક્ષાઓ શરૂ થાય તે પહેલાં જ વિદ્યાર્થીઓએ સમયમર્યાદામાં ઓનલાઇન માધ્યમથી ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે.

સંબંધિત તમામ શાળાઓ અને વિદ્યાર્થીઓને બોર્ડની વેબસાઇટ પર જઈને સમયસર નિયત ફી સાથે ફોર્મ ભરવા સૂચના આપવામાં આવી છે. જી.એસ.ઓ.એસ. રિપીટર તેમજ પ્રૃથ્થક વિદ્યાર્થીઓના આવેદનપત્રો પણ ફરજિયાતપણે ઓનલાઇન જ ભરવાના રહેશે. સ્ટેશનરી સહિતના પ્રિન્ટિંગ અને વહીવટી ખર્ચમાં થયેલા વધારાને કારણે આ ફી વધારો કરવામાં આવ્યો હોવાનું સત્તાવાર સૂત્રો દ્વારા જણાવવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે સમયસર ફોર્મ ભરવું અનિવાર્ય છે જેથી અંતિમ સમયે કોઈ મુશ્કેલી ન સર્જાય.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application