રેલવે પ્રોટેકશન ફોર્સ (RPF)ના રાજકોટ ડિવિઝન ખાતે ફરજ બજાવતા આસિસ્ટન્ટ સિક્યુરિટી કમિશનર ધર્મેન્દ્ર ગુરયાણીનું પ્રમોશન સાથે સિકંદરાબાદ ડિવિઝન, તેલંગણા રાજ્ય ખાતે સિક્યુરિટી કમિશનર તરીકે બદલી કરવામાં આવી છે. તેઓએ ગત 12 નવેમ્બરના રોજ સિકંદરાબાદ ખાતે પોતાનો નવો ચાર્જ સંભાળી લઈને નવી જવાબદારીઓ સંભાળી લીધી છે.
રાજકોટ ડિવિઝન ખાતેના પોતાના કાર્યકાળ દરમિયાન ધર્મેન્દ્ર ગુરયાણીએ રેલવે સુરક્ષા અને કાયદો-વ્યવસ્થા જાળવવા માટે અત્યંત પ્રભાવશાળી અને સરાહનીય કામગીરી કરી હતી. મુસાફરોની સુરક્ષા તેમજ વિવિધ રેલવે કામગીરીમાં તેમની સક્રિયતા અને કાર્યદક્ષતાને કારણે તેમણે રેલવે તંત્રમાં આગવી છાપ ઊભી કરી હતી.
ફરજનિષ્ઠા અને કાર્યશૈલીના કારણે ધર્મેન્દ્ર ગુરયાણીએ રાજકોટના રેલવે મુસાફરો તેમજ શહેરીજનોમાં પણ ખૂબ જ લોકચાહના મેળવી હતી. તેમની બદલીથી રાજકોટમાં રેલવે મુસાફરો અને પરિચિતોમાં એક તરફ શુભેચ્છાઓનો માહોલ છે, તો બીજી તરફ તેમની ખોટ પણ વર્તાઈ રહી છે.
હવે સિકંદરાબાદ ડિવિઝનમાં સિક્યુરિટી કમિશનર તરીકે નવી ભૂમિકામાં તેઓ રેલવે સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. રાજકોટ ખાતેની સફળ કામગીરી બાદ સિકંદરાબાદ ખાતે પણ તેમનો કાર્યકાળ ઉત્તમ રહે તે માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.