BREAKING NEWS

અનુપમ ખેર બેઠા હતા તે ફ્લાઇટનું મુંબઈમાં લેન્ડિંગ ટળ્યું, ઇંધણ ઘટતાં સુરતમાં ઇમરજન્સી ઉતરાણ: એક્ટરે શેર કરી આપવીતી

  • November 24, 2026 06:21 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બોલિવૂડના જાણીતા અભિનેતા અનુપમ ખેર સાથે હવાઈ મુસાફરી દરમિયાન એક ચોંકાવનારો અને ડરામણો અનુભવ થયો છે. ગોવાથી મુંબઈ જતી તેમની ફ્લાઇટ મુંબઈ એરપોર્ટ પર લેન્ડિંગની તૈયારીમાં હતી, ત્યારે જ અચાનક ફરીથી ઊંચે ચઢી ગઈ હતી અને ત્યારબાદ ઇંધણ ઘટવાને કારણે ફ્લાઇટને સુરત એરપોર્ટ પર ડાયવર્ટ કરવી પડી હતી. આ સમગ્ર ઘટના અંગે અનુપમ ખેરે સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કરીને પોતાની આપવીતી જણાવી છે. તેમણે કહ્યું કે તેઓ એક નર્વસ ફ્લાયર છે અને છેલ્લા બે વર્ષમાં મુંબઈમાં લેન્ડિંગ વખતે તેમની સાથે ચોથી વખત આવું બન્યું છે.


સોમવારે (23 નવેમ્બર) ગોવાથી મુંબઈ જઈ રહેલી એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટ IX-2842માં ઉડાન દરમિયાન ઇંધણ ઓછું હોવાની સ્થિતિ સર્જાતાં તેને સુરત એરપોર્ટ તરફ ડાયવર્ટ કરવામાં આવી હતી. મુંબઈ જેવા અત્યંત વ્યસ્ત એરપોર્ટ પર ટ્રાફિક કે વિલંબને કારણે હવામાં ચક્કર લગાવવામાં વધુ ઇંધણ વપરાય તેમ હોવાથી પાયલટે એટીસી (ATC) ને 'મિનિમમ ફ્યૂલ' અંગે જાણ કરીને સુરત ખાતે ડાયવર્ઝન માટે મંજૂરી માગી હતી. 142 મુસાફરો સાથેનું આ વિમાન બપોરે આશરે 3:31 વાગ્યે સુરત એરપોર્ટ પર સુરક્ષિત રીતે ઉતર્યું હતું અને તેને બે નંબર-9 પર પાર્ક કરાયું હતું.


ડાયવર્ઝનની સૂચના મળતા જ સુરત એરપોર્ટ પર તમામ જરૂરી સુરક્ષા વ્યવસ્થાઓ ગોઠવી દેવામાં આવી હતી. આ ઘટનાને પગલે થોડા સમય માટે અભિનેતા અનુપમ ખેર સહિત 142 મુસાફરોના જીવ અદ્ધર થઈ ગયા હતા, પરંતુ કોઈ પણ અનિચ્છનીય ઘટના વિના વિમાનનું સુરક્ષિત લેન્ડિંગ થતાં સૌએ રાહતનો શ્વાસ લીધો હતો. ત્યારબાદ સુરત એરપોર્ટ પર વિમાનમાં પૂરતું રિફ્યૂલિંગ તેમજ જરૂરી ટેકનિકલ અને સેફ્ટી ચેકિંગ પૂર્ણ કર્યા બાદ, નવા એટીસી ક્લિયરન્સ સાથે ફ્લાઇટને મુંબઈ જવા રવાના કરાઈ હતી.


અનુપમ ખેરે પોતાના વીડિયોમાં જણાવ્યું કે તેઓ ગતરોજ બપોરે 1.10 વાગ્યે ગોવાથી મુંબઈ જવા માટે રવાના થયા હતા. મુંબઈ પહોંચ્યા બાદ વિમાન ઘણા સમય સુધી હવામાં જ ચક્કર લગાવતું રહ્યું હતું. ત્યારબાદ જ્યારે વિમાન મુંબઈ એરપોર્ટ પર લેન્ડ થવાની તૈયારીમાં હતું અને રનવેને સ્પર્શવાની ગણતરીની મિનિટો જ બાકી હતી, ત્યારે અચાનક વિમાને ફરીથી ઉડાન ભરી લીધી હતી. તેમણે અનુમાન વ્યક્ત કર્યું કે શક્ય છે કે તે સમયે રનવે પર અન્ય કોઈ વિમાન હોવાથી આ નિર્ણય લેવો પડ્યો હોય.


ફરીથી ઉડાન ભર્યા બાદ પણ વિમાન થોડો સમય હવામાં જ રહ્યું હતું અને અંતે પાયલટે જાહેરાત કરી કે વિમાનમાં પૂરતું ઇંધણ બચ્યું ન હોવાથી ફ્લાઇટને સુરત તરફ ડાયવર્ટ કરવામાં આવી રહી છે. સુરતમાં અંદાજે દોઢ કલાક સુધી રોકાયા બાદ ફ્લાઇટ ફરી મુંબઈ જવા રવાના થઈ હતી. અનુભવ વર્ણવતા તેમણે કહ્યું કે જ્યારે વિમાન લેન્ડ થવાની તૈયારીમાં હોય અને અચાનક ફરી ઊંચે ચઢવા લાગે ત્યારે મુસાફરોમાં તણાવ ફેલાઈ જાય છે. તેમણે સ્પષ્ટ કર્યું કે તેઓ પાયલટ, કેપ્ટન કે એરલાઇન્સનો વાંક કાઢતા નથી, પરંતુ મુંબઈની હવાઈ ટ્રાફિક વ્યવસ્થા અને એરપોર્ટ મેનેજમેન્ટને વધુ સુચારુ બનાવવાની જરૂર છે જેથી મુસાફરોને આવી હાલાકી ન ભોગવવી પડે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News