રાજકોટ શહેરના હાર્દ સમા અને 24 કલાક ધમધમતા કાલાવડ રોડ પર આવેલા હરિત ઝવેરી જ્વેલર્સના શો-રૂમના ઉદ્ઘાટન પ્રસંગે આજે બોલિવૂડ સુપરસ્ટાર હૃતિક રોશન રાજકોટની મુલાકાતે આવ્યા હતા. પોતાના મનપસંદ અભિનેતાની એક ઝલક જોવા માટે કાલાવડ રોડ પર ચાહકોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું. ઉત્સાહિત ફેન્સની ભીડ એટલી બેકાબૂ બની હતી કે હૃતિક રોશનને જોવા માટે લોકોએ સુરક્ષા માટે મુકાયેલા બેરિકેડ પણ તોડી નાખ્યા હતા, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરી અને ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.
આ કાર્યક્રમને પગલે કોટેચા ચોક આસપાસના રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા હતા, જેના કારણે સામાન્ય વાહનચાલકો અને સ્થાનિક રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. શો-રૂમના ઓપનિંગ સમયે અડધે રસ્તે સુધી લોકોની ભીડ જામી ગઈ હતી. આ બેકાબૂ ભીડ અને અવ્યવસ્થાને જોઈને સ્થાનિક લોકોમાં એવો સવાલ ઉઠ્યો હતો કે જો આ દરમિયાન કોઈ અકસ્માત કે અનિચ્છનીય ઘટના બને, તો તેની જવાબદારી કોની રહેશે?
બીજી તરફ, આ સમગ્ર ઘટનામાં ટ્રાફિક પોલીસની બેવડી નીતિ પણ સામે આવતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે, જેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. એક તરફ મોટા શો-રૂમના કાર્યક્રમ માટે આખો રસ્તો બ્લોક કરી દેવામાં આવ્યો હતો, તો બીજી તરફ રોડની સાઈડમાં પાર્ક થયેલા સામાન્ય લોકોના બાઈક પોલીસ દ્વારા ટોઈંગ કરવામાં આવ્યા હતા. નાના માણસોના વાહનો ટોઈંગ થતા સ્થાનિક લોકો ઉશ્કેરાયા હતા અને પોલીસની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા હતા.
વધુમાં, હૃતિક રોશનના આગમન સમયે કાલાવડ રોડ પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો, જ્યારે બપોરના સમયે કોટેચા ચોક જેવા મુખ્ય પોઈન્ટ પર એક પણ ટ્રાફિક પોલીસ કર્મચારી ન દેખાતા ટ્રાફિક વ્યવસ્થા સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ હતી અને રાહદારીઓ તથા વાહનચાલકોને ભારે મુશ્કેલી વેઠવી પડી હતી.