BREAKING NEWS

દીવ ટાપુ પર પ્રથમ વખત ભવ્ય ‘વર્લ્ડ સિંધિ મેળા’નું આયોજન: વિશ્વભરના સિંધી સમાજના લોકો એક મંચ પર એકત્રિત થયા

  • November 24, 2026 04:49 PM 

દીવના ઐતિહાસિક અને રમણીય ટાપુ પર પ્રથમ વખત ‘વર્લ્ડ સિંધિ મેળા દુનિયા જે સિંધિયુન જો મેળો દરિયા તે’નું ભવ્ય અને યાદગાર આયોજન કરવામાં આવ્યું હતું. તા. 20 થી 23 નવેમ્બર, 2026 દરમિયાન હોટેલ ગેટવે બાય તાજ, દીવ ખાતે યોજાયેલા આ ચાર દિવસીય મહોત્સવમાં દેશ-વિદેશમાંથી મોટી સંખ્યામાં સિંધી સમાજના લોકોએ ઉત્સાહપૂર્વક સહભાગી થઈને કાર્યક્રમની શોભા વધારી હતી. દરિયાકિનારાના રમણીય માહોલમાં યોજાયેલો આ મેળો સિંધિ સંસ્કૃતિ, પરંપરા, સામાજિક એકતા અને ભાઈચારાનું અનોખું પ્રતીક બની રહ્યો હતો.


આ ભવ્ય કાર્યક્રમનું આયોજન શ્રી સિંધિ સમાજ (ઉના) દ્વારા કરવામાં આવ્યું હતું. આ અનોખા મેળાનો કોન્સેપ્ટ અને ડિઝાઇન મુંબઈના જાણીતા ગાયક, ઇતિહાસકાર અને સિંધિ સંસ્કૃતિના ઊંડા જાણકાર પ્રેમ ભારતીય દ્વારા તૈયાર કરવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યક્રમની વ્યવસ્થા અને સંચાલન દીવના લોકેશ કારિયા દ્વારા સફળતાપૂર્વક સંભાળવામાં આવ્યું હતું. આ ઉપરાંત, કાર્યક્રમના આયોજન દરમિયાન વિવિધ મહાનુભાવો, મહેમાનો અને વિવિધ ટીમો વચ્ચે સુચારુ સંકલન સાધવાની મહત્વપૂર્ણ જવાબદારી જૈનિલ જેઠવાણી દ્વારા નિભાવવામાં આવી હતી.


આ મહોત્સવમાં રાજસ્થાન વિધાનસભાના અધ્યક્ષ વાસુદેવ દેવનાનીજી, લોકસભાના સાંસદ શંકર લાલવાણીજી, દીવના કલેક્ટર રાહુલ બોરાજી, ડેપ્યુટી કલેક્ટર શિવમ મિશ્રાજી તથા પ્રિન્સિપાલ નિતિન ગજવાણીજી સહિત અનેક પ્રતિષ્ઠિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આયોજનમાં સિંધિ સમાજ (ઉના)ના આગેવાનો ભાખચંદ સુખવાની (કારુભાઈ), જૂનાગઢ, ઈશ્વર યુ. જેઠવાણી, લોકેશ કારિયા અને ભાવિક ઠક્કરનો વિશેષ ફાળો રહ્યો હતો. સાથે જ જલગાંવથી પૂર્વ વિધાન પરિષદ સભ્ય ડૉ. ગુરમુખ જગવાણી, પુણેથી પીતાંબર (પીટર) દલવાણી તથા દુબઈથી સતીશ ચાંદવાણીનું પણ વિશેષ માર્ગદર્શન અને સહયોગ પ્રાપ્ત થયો હતો.


કાર્યક્રમ દરમિયાન સિંધિ સમાજની વર્ષો સુધી નિષ્ઠાપૂર્વક કરેલી અમૂલ્ય સેવા, સમાજ પ્રત્યેના સમર્પણ અને યોગદાન બદલ જૂનાગઢના શ્રી ભાખચંદ સુખવાની (કારુભાઈ)ને વિશેષ રીતે ‘લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડ’થી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમનું આ સન્માન સમગ્ર સિંધિ સમાજ માટે ગૌરવની ક્ષણ બની રહ્યું હતું. બીજી તરફ, સમગ્ર આયોજનમાં દીવના લોકેશ કારિયાનો વિશેષ અને અમૂલ્ય સહયોગ રહ્યો હતો. તેમના સતત પ્રયાસો, આયોજન અને વ્યવસ્થાપનના કારણે આ ચાર દિવસીય કાર્યક્રમને ભવ્ય સફળતા મળી હતી.


મેળા દરમિયાન સિંધિ સંસ્કૃતિ, લોકસંગીત, પરંપરાગત વાનગીઓ અને ભોજન, ધાર્મિક કાર્યક્રમો, સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ તથા વિવિધ મનોરંજક પ્રવૃત્તિઓ દ્વારા સિંધિયતની જીવંત ઝલક રજૂ કરવામાં આવી હતી. દેશ-વિદેશથી પધારેલા સિંધિ પરિવારોએ એકબીજા સાથે આત્મીય મુલાકાત કરી, પોતાના સમૃદ્ધ વારસાને માણ્યો અને નવી પેઢીને સિંધિ પરંપરાઓ તથા મૂલ્યો સાથે જોડવાનો સુંદર પ્રયાસ કર્યો હતો. આ મેળાનો મુખ્ય ઉદ્દેશ્ય વિશ્વભરના સિંધીઓને એક મંચ પર લાવવાનો, સિંધિ ભાષા, સંસ્કૃતિ અને વારસાનું જતન કરવાનો તથા સમાજમાં એકતા, પ્રેમ અને ભાઈચારાની ભાવનાને વધુ મજબૂત બનાવવાનો હતો.


દીવની કુદરતી સુંદરતા, શાંત દરિયાકિનારો અને હોટેલ ગેટવે બાય તાજની ઉત્તમ મહેમાનગતિએ આ મેળામાં ચાર ચાંદ લગાવી દીધા હતા. દેશ-વિદેશથી આવેલા મહેમાનોએ દીવની મુલાકાતનો ભરપૂર આનંદ માણ્યો હતો અને આયોજનની ભરપેટ પ્રશંસા કરી હતી. આમ, ‘વર્લ્ડ સિંધિ મેળો’ માત્ર એક કાર્યક્રમ ન રહેતા વિશ્વભરના સિંધીઓને એક પરિવાર તરીકે જોડતો સંસ્કૃતિ, એકતા અને સિંધિયતનો ભવ્ય ઉત્સવ બની રહ્યો હતો. દીવના ઇતિહાસમાં પ્રથમ વખત યોજાયેલો આ મેળો ભવિષ્યમાં પણ વિશ્વભરના સિંધીઓને એકત્રિત કરવાની નવી પરંપરાની શરૂઆત બની રહેશે.













લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application