BREAKING NEWS

પંજાબમાં ભાજપ-અકાલી દળ ફરી એક, અકાળી દળ રહેશે મોટા ભાઈની ભૂમિકામાં, મુખ્યમંત્રી પણ આ પક્ષના બનશેઃ અમિત શાહની મોટી જાહેરાત

  • November 24, 2026 03:59 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પંજાબના રાજકારણમાં વર્ષ 2027ની વિધાનસભા ચૂંટણી પહેલાં મોટો રાજકીય ફેરફાર થયો છે. ભારતીય જનતા પાર્ટી અને શિરોમણી અકાલી દળે ફરી એકવાર સાથે આવવાનો નિર્ણય લીધો છે. બંને પક્ષો વચ્ચે ગઠબંધનની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે એનડીએના સૌથી જૂના સહયોગી પક્ષ અકાલી દળની ફરીથી ગઠબંધનમાં વાપસી થઈ રહી છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન અને અકાલી દળના પ્રમુખ સુખબીર સિંહ બાદલ વચ્ચે બેઠક બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો.


અમિત શાહે જણાવ્યું હતું કે સતત ત્રણ મહિનાની ચર્ચા-વિચારણા બાદ બંને પક્ષો ફરી સાથે આવ્યા છે. વર્ષ 2027ની પંજાબ વિધાનસભા ચૂંટણી બંને પક્ષો સાથે મળીને લડશે. ગઠબંધનમાં અકાલી દળ મોટા ભાઈની ભૂમિકા ભજવશે અને મુખ્યમંત્રી પણ આ જ પક્ષના બનશે. જોકે, બંને પક્ષો વચ્ચે બેઠકોની વહેંચણી અંગે હજુ અંતિમ નિર્ણય લેવાયો નથી. એનડીએ પંજાબની તમામ 117 વિધાનસભા બેઠકો પર સાથે મળીને ચૂંટણી લડશે.


અમિત શાહે પંજાબમાંથી નશાની સમસ્યા દૂર કરવાનું ગઠબંધનનું મુખ્ય લક્ષ્ય ગણાવ્યું હતું. તેમણે જાહેરાત કરી હતી કે 31 ડિસેમ્બર 2029 સુધીમાં પંજાબને સંપૂર્ણપણે નશામુક્ત બનાવવાનો સંકલ્પ છે. આ ઉપરાંત રાજ્યમાં ભ્રષ્ટાચાર, ગેંગસ્ટરવાદ અને ગુનાખોરી પર નિયંત્રણ મેળવવાની વાત પણ કરી હતી. તેમણે આમ આદમી પાર્ટીની સરકાર પર નિશાન સાધતાં કહ્યું હતું કે અગાઉની સરકારોએ નશા નાબૂદ કરવાના વચનો આપ્યાં, પરંતુ તેમાં સફળતા મળી નથી.


શાહે દાવો કર્યો હતો કે ભાજપ અને અકાલી દળ સાથે ન આવ્યા હોત તો પણ આમ આદમી પાર્ટીની હાર નિશ્ચિત હતી, પરંતુ હવે બંને પક્ષો સાથે આવી ગયા હોવાથી આગામી ચૂંટણીમાં આપનું સંપૂર્ણ સફાયો થશે. તેમણે સીખ સમાજના અપમાન અને રાજ્યની કાયદો-વ્યવસ્થાની સ્થિતિને લઈને પણ વર્તમાન સરકારની ટીકા કરી હતી.


અકાલી દળના પ્રમુખ સુખબીર સિંહ બાદલે ગઠબંધનને માત્ર રાજકીય સમજૂતી નહીં, પરંતુ પંજાબના હિતમાં રચાયેલું ભાવનાત્મક જોડાણ ગણાવ્યું હતું. તેમણે કહ્યું કે પંજાબની જનતા બંને પક્ષોને ફરી સાથે જોવા માગતી હતી. 106 વર્ષનો ઇતિહાસ ધરાવતા અકાલી દળનું દેશની આઝાદીની લડતથી લઈને પંજાબના વિકાસમાં મહત્વનું યોગદાન રહ્યું છે.


ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીને પણ ગઠબંધનને એકતાનું પ્રતીક ગણાવ્યું હતું. તેમણે ગુરુ તેગ બહાદુરજીના બલિદાનનો ઉલ્લેખ કરીને સીખ સમાજના સન્માન, યુવાનોને રોજગારી, મહિલાઓની સુરક્ષા અને પંજાબના વિકાસ માટે સાથે મળીને કામ કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. બંને પક્ષોના આ પુનઃમિલનથી પંજાબની ચૂંટણીનું રાજકીય સમીકરણ બદલાવાની શક્યતા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application