BREAKING NEWS

2047માં રાજકોટ કેવું હશે..? માસ્ટર ડેવલપમેન્ટ પ્લાન બનાવશે મહાપાલિકા, વસતી 70 લાખે પહોંચશે

  • November 24, 2026 04:23 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આગામી ૨૦ વર્ષનો ડેવલપમેન્ટ પ્લાન બનાવવા માટે કન્સલ્ટન્ટની નિમણુંક કરવા ટેન્ડર પ્રસિધ્ધ કરવામાં આવ્યા છે. વર્ક ઓર્ડર આપ્યા બાદ કન્સલ્ટન્ટ એજન્સી દ્વારા ચાર મહિનામાં ડીપીઆર બનાવી દેવામાં આવશે.આજથી ૨૧ વર્ષ પછી ૨૦૪૭માં ભારત દેશ આઝાદીના ૧૦૦ વર્ષ પૂર્ણ કરશે ત્યારે કેન્દ્રની મોદી સરકાર દ્વારા વિક્સિત ભારત ૨૦૪૭ના વિઝન સાથે દેશના સર્વાંગી વિકાસની એક રૂપરેખા તૈયાર કરવામાં આવી રહી છે. વિઝન-૨૦૪૭નો માસ્ટર પ્લાન બનાવી રજૂ કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા મહાપાલિકાઓને સુચના આપવામાં આવી છે. જેના અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળે છે.


આગામી ૨૦ વર્ષમાં ૨૦૪૭ સુધીમાં શાપર વેરાવળ અને મેટોડા તેમજ હીરાસર સહિતના વિસ્તારો રાજકોટ શહેરનો હિસ્સો બની ચૂક્યા હશે અને રાજકોટ શહેરની વસ્તી ૭૦ લાખે પહોંચી હશે તેવો તદ્દન પ્રાથમિક અંદાજ વ્યક્ત થઇ રહ્યો છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વિઝન ૨૦૪૭નો માસ્ટર પ્લાન બનાવવા માટે કન્સલ્ટન્ટની નિમણુંક કરવા માટે ટેન્ડર પ્રસિદ્ધ કરાયું છે, જેની મુદત તા.૨૯ ડિસેમ્બરે પૂર્ણ થશે. વર્ક ઓર્ડર આપ્યા બાદ એજન્સી દ્વારા ચાર મહિનામાં ડીપીઆર રજૂ કરવાનો રહેશે.


વિશેષમાં મ્યુનિ.સૂત્રોમાંથી પ્રાપ્ત માહિતી મુજબ વિઝન ૨૦૪૭નો માસ્ટર પ્લાન બનાવવા માટે કોર્પોરેશન દ્વારા કન્સલ્ટન્ટ એજન્સીને વર્તમાન સ્થિતિ અને વિકાસ સંબંધિત માહિતીઓ પુરી પાડવામાં આવશે. એજન્સી દ્વારા આગામી ૨૦ વર્ષમાં એટલે કે ૨૦૪૭ સુધીમાં રાજકોટની વસ્તી કેટલી હશે, પાણીની જરૂરિયાત કેટલી રહેશે, ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે રસ્તાઓ કેવા નિર્માણ કરવા પડશે. કેટલાક રાજ માર્ગો પર બ્રીજ બનાવવા પડશે, વિશ્ર્વભરના ઉદ્યોગપતિઓ રાજકોટમાં મુડી રોકાણ માટે આકર્ષિત થાય તે માટે કેવા પ્રકારની સુવિધાઓ આપવી પડશે, વિક્સિત ભારત ૨૦૪૭ સંદંર્ભે શહેરમાં કેવુ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉભુ કરવું પડશે, સ્પોર્ટસ કોમ્પલેક્ષ કેટલા બનાવવા પડશે તેનો વિસ્તૃત અહેવાલ તૈયાર કરશે. આ ઉપરાંત રાજકોટની વસ્તી કુદકે અને ભુસકે વધી રહી છે. આગામી ૨૦ વર્ષમાં શહેરમાં વસ્તીનો આંક ૭૦ લાખ આસપાસ પહોંચી જવાનો પણ તદ્દન પ્રાથમિક અંદાજ છે. ત્યારે રાજકોટમાં વસવાટ કરવા આવતા લોકોના તમામ સપના સાકાર થાય તે માટે કેવા પ્રકારની પાયાની સુવિધાઓ આપવી પડશે તેનો ડીપીઆરમાં વિસ્તૃત ઉલ્લેખ કરવામાં આવશે. વસ્તી અને વિસ્તારના આધારે કેટલી ગ્રાન્ટની જરૂરિયાત ઉભી થશે તેની વિગતો રાજ્ય અને કેન્દ્ર સરકાર સમક્ષ મુકાશે.


આ ઉપરાંત હાલ જે ગતિએ વિકાસ યાત્રા ચાલી રહી છે અને ૨૦૪૭માં વિકાસ માટે જે લક્ષ્યાંક રાખવામાં આવ્યું છે તેના વચ્ચે જે અંતર રહેશે તેનું વિશ્લેષણ કરવામાં આવશે.ખાસ કરીને રાજકોટ મહાપાલિકા પાસે આવકના સ્ત્રોત ખુબ જ મર્યાદીત છે ત્યારે આગામી ૨૦ વર્ષ દરમિયાન નાણાના અભાવે વિકાસયાત્રા અટકે નહીં તે માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર પાસે કેટલી આર્થિક મદદની જરૂરિયાત ઉભી થશે તેની વિગતો પણ આ માસ્ટર પ્લાનમાં દર્શાવામાં આવશે. રાજકોટ શહેર વિશ્વના સૌથી ઝડપથી વિકસતા ૧૦૦ શહેરોમાં સ્થાન પ્રાપ્ત કરી ચુક્યું છે. આવામાં શહેરનો વિકાસ કોઈ અસુવિધાઓના કારણે અટકે નહીં તેને પ્રાધાન્ય આપવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application