BREAKING NEWS

ખાદ્યપદાર્થના ભાવ વધ્યા, આવક ઘટી: માનવ વિકાસ સૂચકાંકમાં ગુજરાત દેશમાં 20મા ક્રમે

  • November 07, 2025 03:12 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

છેલ્લાં એક વર્ષના એકસરખા ગાળામાં ખાદ્યપદાર્થોના ભાવોમાં નોંધપાત્ર વધારો થયો છે જેના કારણે ગરીબ અને મધ્યમ વર્ગની અર્થવ્યવસ્થા ખોરવાઈ ગઈ છે. જોકે, આવકમાં પ્રમાણમાં વૃદ્ધિ થઈ નથી. બીજી તરફ ગુજરાત માનવ વિકાસ સૂચકાંકમાં સમગ્ર દેશમાં 20માં ક્રમે રહ્યું છે.


પૂર્વ મંત્રી જયનારાયણ વ્યાસનો આરોપ છે કે, મધ્યમ વર્ગના પરિવારો આવકના 35થી 45 ટકા ખાધા-ખોરાકીની ચીજવસ્તુઓ પર ખર્ચે છે. ગરીબના કિસ્સામાં આ હિસ્સો 40 થી 70 ટકા છે તે વાત સાચી પણ એને પાંચ કિલો ઘઉં મફત મળે છે, જે મળવા જ જોઈએ અને સાથે બાકીની જીવનજરૂરિયાતની વસ્તુ પણ રેશનિંગની દુકાનેથી વ્યાજબી ભાવે મળે છે. એટલે નિમ્ન મઘ્યમ વર્ગની માફક જેમની આવક સીમિત હોય અને ખાદ્યપદાર્થોના ભાવોમાં સહેજ પણ વધારો પોતાનું બજેટ સમતોલ કરવામાં મુશ્કેલી સર્જી શકે એટલી હદે પરિસ્થિતિ વિષમ બનતી નથી. આને કારણે નિમ્ન મધ્યમ વર્ગ પોતાના થાલીનોમિક્સ પર કાતર ચલાવી એમાં કાપકૂપ કરવા માટે મજબૂર બને છે, જેની સીધી અસર પોષણની ગુણવત્તા પર પડે છે.


તેમણે વઘુમાં જણાવ્યું કે, મધ્યમ વર્ગીય પરિવારો માસિક આવકના 30 થી 50 ટકા જેટલી રકમ ભોજન પર ખર્ચ કરે છે. મધ્યમ વર્ગ પાસે નિમ્ન મધ્યમ વર્ગની તુલનામાં પ્રમાણમાં વધુ નાણાંકીય ક્ષમતા અને બચત કરવાની ક્ષમતા હોય છે, જેનો ઉપયોગ શિક્ષણ, સ્વાસ્થ્ય અને મનોરંજન બજેટ માટે થતો હોય છે. મોંઘવારીને કારણે મધ્યમ વર્ગના પરિવારના બાળકોના શિક્ષણ, સ્વાસ્થ્ય અને મનોરંજનના બજેટ ઉપર ભારણ આવે છે. યુનાઇટેડ નેશન્સ ડેવલોપમેન્ટ પ્રોગ્રામ દ્વારા માનવ વિકાસનો સૂચકાંક બહાર પાડવામાં આવે છે, જેના તાજેતરના આંકડા ચોંકાવી દે તેમ છે કેમકે, ભારત વૈશ્વિક કક્ષાએ 130મા નંબરે છે, જ્યારે ગુજરાત દેશમાં ૨૦મે ક્રમે રહ્યું છે જે ચિંતાનો વિષય છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application