ગુજરાત મહેસૂલ ટ્રિબ્યુનલના અધ્યક્ષ અતુલ જે. રાવલને સરકારે પદભ્રષ્ટ કર્યા છે. સોમવારે સાંજે મહેસૂલ વિભાગે જી.આર.ટી.ના સભ્યપદેથી રાવલને હટાવવાનો હુકમ કરતા જમીન સંલગ્ન તેમજ ન્યાયતંત્ર સાથે સંકળાયેલા વર્તુળોમાં ભારે હડકંપ મચી ગયો છે.
જ્યુડિશિયરી કેડરમાંથી આવતા અતુલ જે. રાવલની ટર્મ હજુ એક વર્ષ પછી પૂર્ણ થવાની હતી. ગત સપ્તાહે એક સાથે બે જૂનિયર આઈએએસ અધિકારીઓને માત્ર ૧૫ વર્ષની સેવાના આધારે પ્રિમેચ્યોર રિટાયર્ડમેન્ટ આપીને 'ઓપરેશન ગંગાજળ' ને સરકારે આગળ વધાર્યું છે. તે પૈકીના વર્ષ ૨૦૧૧ની બેચના આઇએએસ કે. રાજેશ સામે જમીન મહેસૂલ કેસોમાં ભ્રષ્ટાચાર અને ગેરરીતિના ગંભીર આરોપો છે. આ ઘટનાની કમ કમ કમ વળે તે પહેલાં જ કલેક્ટરો તથા મહેસૂલી અધિકારીઓ દ્વારા જમીન સંલગ્ન કેસોમાં લેવાયેલા નિર્ણયો ઉપર સુનાવણી અને ન્યાયિક પ્રક્રિયાને અનુસરી ચૂકાદા આપતા મહેસૂલ ટ્રિબ્યુનલમાંથી સભ્યને પણ હટાવાયા છે. જેની પાછળ સુરત જિલ્લાના જમીન સંબંધિત કેસો મુખ્ય કારણભૂત હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
સુરત જિલ્લાના જમીન સંબંધિત વિવાદાસ્પદ કેસોને ગંભીરતાથી લઈને સરકારે આ મોટો નિર્ણય લીધો છે. મહેસૂલ વિભાગના ઉપસચિવ ચિરાગ પટેલની સહીથી જારી કરાયેલા નોટિફિકેશનમાં અતુલ જે. રાવલને જીઆરટી ના સભ્યપદેથી હટાવવાની જાહેરાત કરવામાં આવી છે. જ્યાં સુધી તેમના પદનો ચાર્જ અન્ય કોઈ હુકમ કે નિમણૂંક દ્વારા સોંપવામાં ન આવે, ત્યાં સુધી પી.એસ. કાલાને આ જવાબદારી સંભાળવા માટે સૂચના આપવામાં આવી છે.
નોંધનીય છે કે ગુજરાત મહેસૂલ ટ્રિબ્યુનલમાં કુલ બે સભ્યો જ્યુડિશિયરીમાંથી અને એક સભ્ય સરકારી સેવા માંથી નિયુક્ત થતા હોય છે. ન્યાયિક ક્ષેત્રે લેવાયેલા આ કડક પગલાંને કારણે વહીવટી અને ન્યાયતંત્ર બેડામાં ભારે ચર્ચા જાગી છે.