BREAKING NEWS

રાજકોટમાંથી કોઈ મંત્રી નહીં... 50 વર્ષના રાજકીય ઈતિહાસમાં પહેલીવાર આવું બન્યું

  • October 17, 2025 03:19 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાત સરકારના નવા મંત્રી મંડળ ની આજે રચના કરવામાં આવી છે તેમાં રાજકોટના કેબિનેટ મિનિસ્ટર ભાનુબેન બાબરીયાને પડતા મૂકવામાં આવ્યા છે તે ઘટના કરતા સૌથી મોટી ઘટના એ બની છે કે છેલ્લા 50 વર્ષના ગુજરાતના રાજકીય ઇતિહાસમાં રાજકોટમાંથી કોઈ મિનિસ્ટર ન હોય તેવી આ પ્રથમ ઘટના છે. 1972 માં મનસુખભાઈ જોશી શ્રમ અને રોજગાર વિભાગના હવાલા સાથે મંત્રીમંડળમાં હતા. 1975માં કેસુભાઈ પટેલ, 1980 માં મનોહરસિંહ જાડેજા, 1985 માં સુશીલાબેન 1990 માં કેશુભાઈ પટેલ અને વજુભાઈ વાળા, 1995 માં ઉમેશ રાજ્યગુરુ અને વજુભાઈ વાળા 1998, 2002 અને 2007માં વજુભાઈ વાળા 2012 માં વજુભાઈ વાળા અને ગોવિંદભાઈ પટેલ 2017 માં વિજયભાઈ રૂપાણી અને ગોવિંદભાઈ પટેલ અને 2022 થી અત્યાર સુધી ભાનુબેન બાબરીયા રાજકોટના મિનિસ્ટર તરીકે જવાબદારી સંભાળી ચૂક્યા છે.


ઉદયભાઇ કાનગડને લેશે તેવી જોરશોરથી ચર્ચા ચાલી પણ...

નવા મંત્રીમંડળની રચનામાં ભાનુબેન બાબરીયાને પડતા મૂકવામાં આવશે અને તેમના સ્થાને ઉદયભાઇ કાનગડને મંત્રીમંડળમાં લેવામાં આવશે. આ ઉપરાંત રાજકોટ જિલ્લામાંથી પાટીદાર સમાજના દિગ્ગજ નેતા જયેશભાઈ રાદડિયાનું નામ પણ જોરથી બોલાતું હતું. આમાંથી કોઈને નવા મંત્રીમંડળમાં લેવામાં આવ્યા નથી. દર્શિતાબેન શાહનું નામ પણ ઘણી વખત ચર્ચામાં આવી ગયું હતું. પરંતુ તેના નામની પણ જાહેરાત કરવામાં આવી નથી. પાટીદાર સમાજને પ્રતિનિધિત્વના મામલે જો બેલેન્સની વાત હોય તો રમેશભાઈ ટીલાળા પણ એક વિકલ્પ હતા. પરંતુ તેના પર પણ ભાજપે નજર નાખી નથી.


અહીંના કાર્યકરો કહે તેમ કરવું પડે

રાજકોટ સાથે આવું કેમ બન્યું? તેવી ચર્ચા અત્યારે રાજકારણમાં ભારે જોરશોર થી શરૂ થઈ ગઈ છે. અમુક રાજકીય આગેવાનો કહે છે કે વિજયભાઈ રૂપાણીને મુખ્યમંત્રી પદેથી દૂર કર્યા પછી રાજકોટને જાણે હાશિયામાં ધકેલી દેવા માટે રીતસરનું પ્લાનિંગ ચાલી રહ્યું હોય તેમ એક પછી એક આવી ઘટનાઓ બની રહી છે. રાજકોટની મુલાકાતે આવતા ભાજપના આગેવાનો 'અહીંના કાર્યકરો કહે તેમ કરવું પડે' તેવા નિવેદનો કરીને માત્ર હવા ભરવાનું જ કામ કરતા હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે.


જયેશ રાદડિયાને આ નડી ગયું

ઇફકોની ચૂંટણીમાં બગાવતના કારણે કદાચ જયેશ રાદડિયાનું નામ પડતું મુકાયું હોય તેવું બની શકે. 'ભાજપમાં સહકારી ક્ષેત્રમાં બળવો ચલાવી લેવામાં નહીં આવે' તેવું કેન્દ્રીય મંત્રી પાટીલે ગયા થોડા દિવસો પહેલા જ જાહેરમાં કરેલું વિધાન પણ આ માટે ભારે સૂચક બની જાય છે.


રાજકોટ સાથે જ રાજકીય દાવ લેવાતો હોય તેવી ખુલ્લેઆમ ચર્ચા

વિજયભાઈ રૂપાણીને મુખ્યમંત્રી પદેથી દૂર કર્યા બાદ રૂપાણી જૂથ સાથે અને તેના અમુક આગેવાનો સાથે ઓરમાયુ વર્તન રાખવામાં આવતું હોવાની વ્યાપક ફરિયાદો અવારનવાર બહાર આવતી હોય છે. પરંતુ હવે તો જાણે રાજકોટ સાથે જ રાજકીય દાવ લેવાતો હોય તેવું પણ રાજકીય આગેવાનો ખુલ્લેઆમ બોલી રહ્યા છે. આગામી દિવસોમાં પંચાયતોની અને મહાનગરપાલિકાઓની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે રાજકોટની અવગણનાનું આ ફેક્ટર કેટલું અસર કરશે? એ તો આગામી દિવસોમાં યોજનારી ચૂંટણીના પરિણામો પછી જ ખબર પડશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application