ભારતીય રાજનીતિમાં આજે એક યુગનો અંત આવ્યો છે. કેરળ વિધાનસભા ચૂંટણીના પરિણામોએ દેશના રાજકીય નકશા પરથી ડાબેરીઓનો છેલ્લો કિલ્લો પણ ધ્વસ્ત કરી દીધો છે. આઝાદી પછીના ઈતિહાસમાં આ પ્રથમ વખત બન્યું છે કે ભારતનું એક પણ રાજ્ય હવે ડાબેરી શાસન હેઠળ નથી. કેરળમાં કોંગ્રેસના નેતૃત્વ હેઠળના યુનાઈટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ (યુડીએફ)એ સ્પષ્ટ બહુમતી મેળવીને સત્તાના સૂત્રો સંભાળ્યા છે.
છેલ્લા પાંચ દાયકાથી કેરળમાં દર પાંચ વર્ષે સત્તા પરિવર્તનની પરંપરા રહી હતી, જે ગયા વર્ષે ડાબેરીઓએ તોડી હતી. જોકે, આ વખતે જનતાએ પરિવર્તનનો મિજાજ દેખાડતા ડાબેરી ગઠબંધન (એલડીએફ)ને સત્તા પરથી બહાર ફેંકી દીધું છે. આ હાર માત્ર એક ચૂંટણીની હાર નથી, પરંતુ ડાબેરી વિચારધારા માટે અસ્તિત્વની લડાઈ સમાન છે. કેરળ એ છેલ્લું રાજ્ય હતું જ્યાં 'લાલ સલામ'નો નારો ગુંજતો હતો, પરંતુ હવે ત્યાં પણ યુડીએફનો પંજો મજબૂત થયો છે.
ડાબેરીઓના પતનની શરૂઆત પશ્ચિમ બંગાળથી શરૂ થઈ હતી. 2011માં મમતા બેનર્જીએ 34 વર્ષ જૂના ડાબેરી શાસનને ઉથલાવી દીધું હતું. ત્યારથી બંગાળમાં ડાબેરીઓ પોતાનો પાયો પાછો મેળવી શક્યા નથી. 2018માં ત્રિપુરામાં પણ જનતાએ પરિવર્તનને મત આપ્યો અને ડાબેરીઓનો સફાયો થયો હતો. કેરળમાં મળેલી આ હાર સાથે હવે દેશમાં એક પણ રાજ્ય એવું બાકી નથી જ્યાં સામ્યવાદી સરકાર હોય.
રાજકીય વિશ્લેષકોના મતે, સત્તા વિરોધી લહેર, યુવાનોમાં વધતી બેરોજગારી અને કેન્દ્રીય સ્તરે બદલાતા સમીકરણોએ યુડીએફને જીત અપાવી છે. કેરળના મતદારોએ આ વખતે વિકાસ અને નવા ચહેરાઓ પર વિશ્વાસ મૂક્યો છે.
ભારતીય લોકશાહીમાં ડાબેરી પક્ષો હંમેશા ગરીબો અને શ્રમિકોના અવાજ તરીકે જોવામાં આવતા હતા. પરંતુ સતત સંકોચાતા જનાધાર અને આજના પરિણામો એ સંકેત આપે છે કે હવે ડાબેરી પક્ષોએ પોતાની રણનીતિ અને વિચારધારા પર ફરીથી વિચાર કરવાની જરૂર છે. કેરળની જીત સાથે કોંગ્રેસ અને તેના સહયોગી પક્ષોમાં નવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, જ્યારે ડાબેરી છાવણીમાં સન્નાટો છવાઈ ગયો છે.