પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી ૨૦૨૬માં ભારતીય જનતા પાર્ટીની ઐતિહાસિક જીત થતા ગુજરાત ભાજપમાં ઉત્સાહનો ઘોડાપૂર ઉમટ્યો છે. ગાંધીનગર સ્થિત પ્રદેશ ભાજપ કાર્યાલય 'કમલમ' ખાતે વિજય ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીમાં ભાજપના નેતાઓએ બંગાળની પ્રખ્યાત વાનગી 'ઝાલમુરી' આરોગીને જીતનો આનંદ વ્યક્ત કર્યો હતો. આ માટે અમદાવાદના સીજી રોડ પર આવેલા પ્રખ્યાત 'કોલકાતા ચાટ'ના સંચાલકને ખાસ ગાંધીનગર બોલાવવામાં આવ્યા હતા.
નેતાઓએ માણી બંગાળી વાનગીની મજા
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ અન્ય કાર્યકર્તાઓ સાથે મળીને ઝાલમુરીની જયાફત માણી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માનતા જણાવ્યું હતું કે, જે રાજ્ય પર આખા દેશની નજર હતી ત્યાં ભાજપનો વિજય થયો છે. તેમણે ઉમેર્યું કે વિકાસની રાજનીતિ અને વિકસિત ભારતનો સંકલ્પ હવે વધુ તેજ ગતિએ આગળ વધી રહ્યો છે.
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આ જીતને દેશની રાજનીતિની સૌથી મોટી ઐતિહાસિક જીત ગણાવી હતી. તેમણે આકરા પ્રહાર કરતા કહ્યું કે, બંગાળના નાગરિકોને હવે 'જંગલરાજ'માંથી મુક્તિ મળી છે અને હવે ત્યાંની જનતાને કેન્દ્રની તમામ કલ્યાણકારી યોજનાઓનો લાભ મળશે. સંઘવીએ તે કાર્યકર્તાઓ અને પરિવારોને પણ અભિનંદન પાઠવ્યા હતા જેમણે બંગાળમાં સંઘર્ષ દરમિયાન પોતાના સ્વજનો ગુમાવ્યા છે.
જગદીશ વિશ્વકર્માનો જીભ લપસતા ભાંગરો
ઉજવણીના માહોલ વચ્ચે ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા એક ક્ષોભજનક સ્થિતિમાં મુકાયા હતા. જીતનો શ્રેય બંગાળની માતૃશક્તિ અને જનતાને આપતા તેમણે ખુશીમાં નિવેદન આપ્યું હતું કે, "રવીન્દ્રનાથ ટાગોરે વંદે માતરમ્ ગીતની રચના કરી હતી". જોકે, વાસ્તવમાં ભારતના રાષ્ટ્રીય ગીત 'વંદે માતરમ્' ના રચયિતા પ્રખ્યાત બંગાળી લેખક બંકિમ ચંદ્ર ચટ્ટોપાધ્યાય છે, જેમણે ૧૮૭૦ના દાયકામાં આ ગીત રચ્યું હતું અને ૧૮૮૨માં તેમની નવલકથા 'આનંદમઠ'માં પ્રકાશિત થયું હતું. વિશ્વકર્માએ વધુમાં જણાવ્યું કે વડાપ્રધાન મોદીએ આખા દેશમાં વંદે માતરમ્ ગવાય તેવી નેમ ઉપાડી હતી જે આજે સાર્થક થઈ છે.
વડોદરામાં વિરોધ અને પેટાચૂંટણીની જીત
એક તરફ જ્યારે ગાંધીનગરમાં મીઠાઈ અને વાનગીઓ વહેંચાઈ રહી હતી, ત્યારે વડોદરામાં રોષ જોવા મળ્યો હતો. ત્યાં કેટલાક યુવાનોએ મમતા બેનર્જીના ફોટાને પગ નીચે કચડીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, પશ્ચિમ બંગાળની સાથે ગુજરાતમાં ઉમરેઠ વિધાનસભાની પેટાચૂંટણીમાં પણ ભાજપનો વિજય થતા કાર્યકર્તાઓનો ઉત્સાહ બમણો થયો છે. એકંદરે, ૧૫ વર્ષના મમતા શાસનના અંતને ભાજપે ઉત્સવની જેમ મનાવ્યો છે.