દિલ્હીના લાલ કિલ્લા પાસે વિસ્ફોટ કરનાર વ્હાઇટ-કોલર આતંકવાદી મોડ્યુલ સાથે હવે સ્પષ્ટ વિદેશી લિંક્સ બહાર આવી રહી છે. તપાસમાં હવે ખુલાસો થયો છે કે ત્રણ કથિત વિદેશી હેન્ડલરમાંથી એકે અલ-ફલાહથી ધરપકડ કરાયેલા ડૉ. મુઝમ્મિલ અહેમદ ગનાઈને એન્ક્રિપ્ટેડ એપ્સ દ્વારા 42 બોમ્બ બનાવવાના વીડિયો મોકલ્યા હતા. ગનાઈ એ જ વ્યક્તિ છે જેના કબજામાંથી મોટી માત્રામાં વિસ્ફોટકો મળી આવ્યા હતા અને તે દિલ્હી વિસ્ફોટના ગુનેગાર ઉમર નબીનો સહયોગી છે.
અત્યાર સુધીમાં, દિલ્હી કેસમાં ત્રણ વિદેશી હેન્ડલરોના નામ બહાર આવ્યા છે, જેમની ઓળખ હંજુલ્લાહ, નિસાર અને ઉકાસા તરીકે થઈ છે. જોકે, એવું માનવામાં આવે છે કે આ નામો નકલી હોઈ શકે છે અને તેમની વાસ્તવિક ઓળખ અલગ હોઈ શકે છે. પોલીસ સૂત્રોને ટાંકીને એક અહેવાલમાં જણાવાયું છે કે, હંજુલ્લાહે બોમ્બ બનાવવાની તકનીકોનું પ્રદર્શન કરતા 40થી વધુ વીડિયો ડો. ગનાઈને મોકલ્યા હતા. ગનાઈએ વિસ્ફોટકો પણ એકઠા કર્યા હતા અને તેને પોતાના ઠેકાણા પર છુપાવી દીધા હતા. આ જ ઉપકરણોનો ઉપયોગ ઉમર નબીએ દિલ્હી વિસ્ફોટોમાં કર્યો હતો.
દિલ્હી વિસ્ફોટ પહેલા ડો.ગનાઈની ધરપકડ કરવામાં આવી હતી, જેમાં 350 કિલો એમોનિયમ નાઈટ્રેટ સહિત 2,500 કિલોગ્રામ વિસ્ફોટકો મળી આવ્યા હતા. એવું પણ બહાર આવ્યું છે કે 2022માં, ડો. મુઝમ્મિલ શેખ ગનાઈ, ડો. મુઝફ્ફર રાથેર અને ડો. ઉમર ઉન નબીનો પરિચય તુર્કીમાં એક સીરિયન આતંકવાદી સાથે થયો હતો. આ મુલાકાતમાં પાકિસ્તાની હેન્ડલરોએ મુખ્ય ભૂમિકા ભજવી હતી.
ડો. મુઝમ્મિલ, ડો. આદિલ અહેમદ રાથેર, શાહીન સઈદ અને મુફ્તી ઈરફાન અહેમદને એક દિવસ પહેલા કસ્ટડીમાં લીધા બાદ, એનઆઈએ હવે તેમના વિદેશી કનેક્શનને ખુલ્લા કરવાનો પ્રયાસ કરશે. તપાસ એજન્સીઓએ એ પણ ખુલાસો કર્યો છે કે ડો. શાહીન જૈશ-એ-મોહમ્મદની મહિલા પાંખ સાથે સંકળાયેલી હતી. આતંકવાદી ડોક્ટરોના એક મોડ્યુલે દસ નવેમ્બરના રોજ દિલ્હીમાં થયેલા બોમ્બ વિસ્ફોટને અંજામ આપ્યો હતો, જેમાં 15 લોકોના મૃત્યુ થયા હતા અને લગભગ 20 ઘાયલ થયા હતા. મૃત્યુ પામેલાઓમાં આત્મઘાતી બોમ્બર ઉમર નબી પણ સામેલ હતો.