BREAKING NEWS

સૌ. યુનિ.મા 7.39 કરોડની લાઇબ્રેરીમાં ફાયર સેફટીના સાધનો ઇન્સ્ટોલ કરવાનું ભુલાઈ ગયું

  • December 06, 2025 11:36 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

છ માસથી બિલ્ડીંગ તૈયાર થતા હજુ ખુલ્લુ મુકાયું નથી:વધુ એકાદ કરોડોનો ખર્ચ ફાયર સેફટી માટે કરાશે


સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા રાજ્ય સરકારની ગ્રાન્ટમાંથી કેમ્પસ પર રૂપિયા 7,39,49,610 ના ખર્ચે બાંધવામાં આવેલી ગ્લાસ સ્ટ્રક્ચરવાળી અત્યંત આધુનિક કહી શકાય તેવી લાઇબ્રેરીમાં ફાયર સેફ્ટીના સાધનો ઇન્સ્ટોલ કરવાનુ ભુલાઈ જતા મોટો વિવાદ ઊભો થયો છે. સમગ્ર બિલ્ડીંગ તૈયાર થયા પછી તે જ્યારે ખુલ્લુ મુકવાની વાત આવી ત્યારે ફાયર એનઓસી જરૂરી હોવાનું જણાવતા અને હાયર સેફટીના કોઈ સાધન આ બિલ્ડિંગમાં ન હોવાના કારણે એનઓસી ન મળતા યુનિવર્સિટીના સત્તાવાળાઓ દોડધામમાં પડી ગયા છે. ભૂતકાળમાં જ્યારે આ બાબતે મીડિયા દ્વારા પૂછપરછ કરવામાં આવતી ત્યારે યુનિવર્સિટી દ્વારા એવી વાત કહેવામાં આવતી હતી કે અમે ફાયર એનઓસી માટે અરજી કરી છે અને તે મળી ગયા બાદ આ બિલ્ડિંગ ખુલ્લું મુકવામાં આવશે જોકે આ બાબતે મહાનગરપાલિકાના ફાયર બ્રિગેડ વિભાગમાં તપાસ કરતા એવો જવાબ મળ્યો હતો કે ફાયર એનઓસી સાત દિવસથી 21 દિવસની સમય મર્યાદામાં મળી જતી હોય છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ પર અંદાજે રૂપિયા 6 કરોડના ખર્ચે આધુનિક ગ્લાસ સ્ટ્રક્ચરવાળી લાઇબ્રેરી માટે છેલ્લા કેટલાક સમયથી કામગીરી ચાલતી હતી. તે છ મહિનાથી પૂરી થઈ ગઈ છે. પરંતુ વધુ સુધી બિલ્ડીંગનો ઉપયોગ શરૂ કરાયો નથી અને ઉપયોગ શરૂ કરી શકાય તે માટે હવે ફાયર સેફટીના સાધનો લગાવવા માટેની કામગીરી નજીકના ભવિષ્યમાં હાથ ધરવામાં આવનાર હોવાનું જાણવા મળે છે.

મળતી માહિતી મુજબ આગામી તારીખ 9ના રોજ મળનારી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની બોર્ડ ઓફ મેનેજમેન્ટ અને એકઝીકયુટીવ કમિટીની બેઠકમાં આ બાબતે દરખાસ્ત આવવાની છે. આર્કિટેક દ્વારા રજુ કરવામાં આવેલા અંદાજ મુજબ ફાયર સેફટીના સાધનો મુકવા પાછળ રૂપિયા 95 લાખથી એકાદ કરોડનો ખર્ચ થશે.

આર્કિટેકટ ની સલાહ મુજબ આ માટે ટેન્ડર પ્રસિદ્ધ કરીને ભાવ માગવામાં આવ્યા હતા. પરંતુ નિયત સમય મર્યાદામાં માત્ર એક જ ટેન્ડર આવ્યું હોવાથી આ મામલે શું કરવું તે બાબતે સરકારનું માર્ગદર્શન માંગવામાં આવ્યું છે.

અત્યંત આધુનિક કહી શકાય તેવી આ લાઇબ્રેરી માં સૂર્યપ્રકાશિત વાતાવરણ મળી રહે અને વીજળીનો ઓછામાં ઓછો ખર્ચ થાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. પાંચ લાખ જેટલા પુસ્તકો તેમાં રાખવામાં આવશે અને 25 જેટલા તો વાઇફાઇ ઝોન બનાવવામાં આવ્યા છે. ડિજિટલ લાઇબ્રેરીની પણ સુવિધા ઉભી કરવામાં આવી છે. એકાદ હજાર જેટલા વિદ્યાર્થીઓ એક સાથે વાંચી શકે તેવી પ્રકારનું આ બિલ્ડિંગમાં બાંધકામ કરવામાં આવ્યું છે. એન્ટ્રી અને એક્ઝિટ માટે ઓટોમેથડ સિસ્ટમ રેડિયો ફ્રિકવન્સી આઈડેન્ટિફિકેશન સિસ્ટમ છે.ઈ કન્ટેન્ટ એટલે કે ડિજિટલ લાઇબ્રેરી પણ અહીં ઉપલબ્ધ છે. નવા બિલ્ડીંગની આ લાઇબ્રેરી વિદ્યાર્થીઓ માટે 24 કલાક ખુલ્લી રાખવામાં આવશે અને તેના કારણે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે તે આશીર્વાદ ગ્રુપ બની રહેશે. પુસ્તકો જમા કરાવવા માટે વિદ્યાર્થીઓ તે ડ્રોપ બોક્સમાં નાખી દે છે તે સાથે જ તેની કામગીરી પૂરી થઈ જશે. આ માટે કોઈ કર્મચારીની જરૂર નહીં પડે અને આપોઆપ પુસ્તકો જમા થઈ જાય તેવી વ્યવસ્થા છે.



ફાયર સેફટીના સાધન ઇન્સ્ટોલ કરવા સિંગલ ટેન્ડર આવ્યું છે: કુલપતિ

આ બાબતે કુલપતિનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે ટેન્ડર પ્રસિદ્ધિ બાદ નિયત સમય મર્યાદામાં માત્ર એક જ ટેન્ડર આવ્યું છે. જ્યારે સિંગલ ટેન્ડર આવ્યું હોય ત્યારે સ્થાનિક કક્ષાએ કોઈ નિર્ણય લઈ શકાતો નથી અને તેથી સરકારનું માર્ગદર્શન માગવામાં આવ્યું છે. આમ છતાં આ સમગ્ર બાબત આગામી તારીખ નવના મળનારી મીટીંગમાં રજૂ કરવામાં આવનારી છે.



લાઇબ્રેરીનો મુદ્દો વિધાનસભામાં પણ ચમક્યો હતો

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની આ લાઇબ્રેરીનો મુદ્દો વિધાનસભામાં પણ ચમક્યો હતો. વડગામના ધારાસભ્ય જીગ્નેશભાઈ મેવાણી, ચાણસ્માના ધારાસભ્ય દિનેશભાઈ ઠાકોર અને હેમંતભાઈ આહિરે આ બાબતે અલગ અલગ પ્રશ્નો પૂછ્યા હતા. ધારાસભ્યોના પ્રશ્નોના જવાબમાં સરકારે એવો જવાબ આપ્યો હતો કે આ પ્રોજેક્ટ માટે રૂપિયા 6 કરોડનો ખર્ચ મંજૂર થયો હતો અને કામ પૂરું થયું ત્યારે રૂપિયા 7,39,49,610 નો ખર્ચ થયો છે.

જોકે હવે ફાયર સેફટીના સાધનો ઇન્સ્ટોલ કરાવવા પાછળ એકાદ કરોડનો વધુ ખર્ચ થશે અને આ મામલે મોટો વિવાદ ઊભો થવાની પણ શક્યતા છે.



જૂની લાઈબ્રેરીમાં વાંચનાલય વિભાગ બંધ


નવી લાઈબ્રેરી ચાલુ થઈ નથી અને જૂની લાઈબ્રેરીમાં વાંચનાલય વિભાગ બંધ કરી દેવામાં આવ્યો છે. યુનિવર્સિટીના સુત્રો એવું જણાવે છે કે આ વિભાગ માં અનેક જગ્યાએ બાંધકામ નબળું પડી ગયું છે. નવી લાઈબ્રેરી ટૂંક સમયમાં જ્યારે શરૂ થવાની જ છે ત્યારે રીપેર કરવાનું યોગ્ય જણાયું નથી.



લાઇબ્રેરીયનની જગ્યા પણ હજુ ખાલી

લાઇબ્રેરીયનની જગ્યા પણ યુનિવર્સિટીમાં ખાલી પડી છે. આ માટે જાહેર ખબર આપી અરજીઓ માંગવામાં આવી હતી. પરંતુ તેમાં પગાર મામલે કોઈ સ્પષ્ટતા યુનિવર્સિટીએ કરી નથી. આ જાહેર ખબરમાં યુનિવર્સિટીએ એમ જણાવ્યું હતું કે જો સરકાર મંજૂર કરશે તો લાઇબ્રેરીયનને લેવલ 14 મુજબનો 1,44,200- 2,18,200 નો પગાર અપાશે અને જો સરકાર મંજૂર નહીં કરે તો લેવલ 11 મુજબ રૂપિયા 67,700 -2,08,700 નો પગાર ચૂકવાશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application