રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ અને આર્થિક વિવાદો વચ્ચે એક અત્યંત મહત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય ઘટનાક્રમ સામે આવ્યો છે. રશિયાએ યુક્રેનની સરકારી બેંક ‘ઓશચાડબેંક’ (Oschadbank) સાથેના કરોડો ડોલરના રોકાણ સંધિ વિવાદમાં ભારતના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયમૂર્તિ (CJI) ડી. વાય. ચંદ્રચૂડ (D.Y. Chandrachud) ને પોતાના મધ્યસ્થ (Arbitrator) તરીકે નિયુક્ત કર્યા છે.
ગ્લોબલ આર્બિટ્રેશન રિવ્યુ (Global Arbitration Review) ના અહેવાલ મુજબ, આ હાઈ-પ્રોફાઈલ આંતરરાષ્ટ્રીય કાનૂની વિવાદની સુનાવણી ૧૯૯૮ ની રશિયા-યુક્રેન દ્વિપક્ષીય રોકાણ સંધિ હેઠળ રચાયેલી ત્રણ સભ્યોની ટ્રિબ્યુનલ દ્વારા કરવામાં આવશે. આ અંગેનો સવિસ્તાર અહેવાલ નીચે મુજબ છે:
આંતરરાષ્ટ્રીય મધ્યસ્થતા ટ્રિબ્યુનલમાં રશિયા અને યુક્રેનની બેંક બંને દ્વારા સંયુક્ત રીતે કોસ્ટા રિકાના ભૂતપૂર્વ વેપાર મંત્રી અને અનુભવી મધ્યસ્થ ડીયાલા જીમેનેઝને ટ્રિબ્યુનલના પ્રમુખ (અધ્યક્ષ) તરીકે પસંદ કરવામાં આવ્યા છે.
જ્યારે યુક્રેનની સરકારી બેંક ‘ઓશચાડબેંક’ દ્વારા નેશનલ યુનિવર્સિટી ઓફ સિંગાપોરના પ્રોફેસર સ્તાવરોસ બ્રેકોલાકીસને પોતાના મધ્યસ્થ બનાવવામાં આવ્યા છે. સામે પક્ષે રશિયાએ ભારતના પૂર્વ CJI જસ્ટિસ ડી. વાય. ચંદ્રચૂડ પર પસંદગીનો કળશ ઢોળ્યો છે.
શું છે કરોડો ડોલરનો આ કાનૂની વિવાદ?
યુક્રેનની સરકારી બેંક ‘ઓશચાડબેંક’નો દાવો યુક્રેનના ચાર પ્રમુખ વિસ્તારો— ડોનેત્સ્ક, લુહાન્સ્ક, ખેરસોન અને ઝાપોરિઝિયામાં આવેલી તેની અબજો ડોલરની સંપત્તિ અને બેંકિંગ કામગીરી સાથે જોડાયેલો છે.
બેંકનો આરોપ છે કે ૨૦૨૨ માં રશિયાના સૈન્ય આક્રમણ બાદ આ વિસ્તારોમાં તેની તમામ મિલકતો, શાખાઓ અને નાણાકીય અસ્કયામતો પર રશિયાએ ગેરકાયદે કબ્જો કરી લીધો છે અથવા તેને ભારે નુકસાન પહોંચાડ્યું છે. બેંકે જુલાઈ ૨૦૨૫ માં રશિયાને વિવાદની નોટિસ મોકલી હતી, પરંતુ રશિયા તરફથી કોઈ જવાબ ન મળતાં બેંકે આંતરરાષ્ટ્રીય મધ્યસ્થતા (Arbitration) ની પ્રક્રિયા શરૂ કરી છે.
જસ્ટિસ ચંદ્રચૂડના વલણમાં મોટો ફેરફાર
આ અગાઉ જસ્ટિસ ડી. વાય. ચંદ્રચૂડે જર્મન એનર્જી કંપની 'વિન્ટરશોલ ડી' અને યુક્રેનની સરકારી એનર્જી કંપની 'ઉક્રેનર્ગો' સાથેના સંધિ વિવાદોમાં રશિયા તરફથી મધ્યસ્થ બનવાના પ્રસ્તાવોને ફગાવી દીધા હતા.
પરમાનેન્ટ કોર્ટ ઓફ આર્બિટ્રેશન દ્વારા તેમને મધ્યસ્થ તરીકે નામાંકિત પણ કરવામાં આવ્યા હતા, પરંતુ રશિયાના સંપર્કનો ખુલાસો કરીને તેઓ તે રોલમાંથી હટી ગયા હતા. પરંતુ હવે ઓશચાડબેંક મામલે રશિયાના આર્બિટ્રેટર તરીકેની જવાબદારી સ્વીકારવી એ તેમના અગાઉના વલણમાં એક મોટો અને મહત્વપૂર્ણ ફેરફાર માનવામાં આવી રહ્યો છે.
ક્રિમીયા વિવાદથી અલગ છે આ નવો કેસ
આ નવો કાનૂની વિવાદ ૨૦૧૪ માં રશિયા દ્વારા ક્રિમીયા પર કબ્જો કરાયા બાદ ઓશચાડબેંકની સંપત્તિઓ જપ્ત થવાના કેસથી સાવ અલગ છે. એ જૂના કેસમાં 'પરમાનેન્ટ કોર્ટ ઓફ આર્બિટ્રેશન' દ્વારા રચાયેલી ટ્રિબ્યુનલે રશિયાને ગેરકાયદેસર કબ્જા માટે દોષી ઠેરવ્યું હતું અને યુક્રેનની બેંકને વ્યાજ સાથે આશરે ૧.૧ અબજ ડોલરનું વળતર ચૂકવવાનો રશિયાને આદેશ આપ્યો હતો. જોકે, રશિયાએ તે કાર્યવાહીમાં ભાગ લેવાનો ઇનકાર કર્યો હતો. હવે નવી દિલ્હી, મોસ્કો અને કીવ વચ્ચે કાનૂની સ્તરે ખેલાઈ રહેલા આ જંગમાં ભારતના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયમૂર્તિની ભૂમિકા અત્યંત નિર્ણાયક સાબિત થશે.