ચકચારી રાજકોટ ટીઆરપી (TRP) ગેમઝોન અગ્નિકાંડ કેસમાં મહાનગરપાલિકા (મનપા) દ્વારા કરવામાં આવેલી આકરી કાર્યવાહી સામે અધિકારીઓને અદાલતમાંથી મોટી રાહત મળી રહી છે. રાજકોટ મનપા દ્વારા બરતરફ (ડિસમિસ) કરવામાં આવેલા પૂર્વ ચીફ ફાયર ઓફિસર ઈલેશ ખેરને ગુજરાત હાઈકોર્ટે રાહત આપી છે. હાઈકોર્ટે મનપાના ડિસમિસ ઓર્ડર સામે સ્ટે આપતા આદેશ કર્યો છે કે ઈલેશ ખેરને બરતરફ ગણવાને બદલે 'સસ્પેન્ડ' ગણવામાં આવે અને તેમને નિયમ મુજબ અડધો પગાર ચૂકવવામાં આવે.
શું હતો મનપાનો બરતરફીનો આદેશ?
ટીઆરપી ગેમઝોનમાં સર્જાયેલી ભયાનક આગની ઘટના બાદ વહીવટી બેદરકારી સામે આવતા રાજકોટ મહાનગરપાલિકાએ ગત ૮ જુલાઈના રોજ મોટી કાર્યવાહી કરી હતી. મનપાએ ચીફ ફાયર ઓફિસર ઈલેશ ખેર, ફાયર સ્ટેશન ઓફિસર રોહિત વિગોરા ઉપરાંત ટાઉન પ્લાનિંગ વિભાગના ચાર અધિકારીઓ - ગૌતમ જોષી, મુકેશ મકવાણા, જયદીપ ચૌધરી અને રાજેશ મકવાણા સહિત કુલ ૬ અધિકારીઓને નોકરીમાંથી સીધા બરતરફ (ડિસમિસ) કરવાનો આદેશ કર્યો હતો.
કાનૂની લડાઈ અને ન્યાયના સિદ્ધાંતનો મુદ્દો
મનપાના આ કડક નિર્ણય સામે સૌથી પહેલા ટાઉન પ્લાનિંગ વિભાગના બે એસિસ્ટન્ટ ટાઉન પ્લાનર (ATP) મુકેશ મકવાણા અને રાજેશ મકવાણાએ ગુજરાત હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. તેમની દલીલ હતી કે મહાનગરપાલિકાએ તેમને નોકરીમાંથી બરતરફ કરતા પહેલા તપાસ સમિતિનો ઈન્ક્વાયરી રિપોર્ટ સોંપ્યો ન હતો. રિપોર્ટની નકલ ન મળવાને કારણે તેઓ પોતાની સફાઈ કે બચાવ રજૂ કરી શક્યા ન હતા, જે કુદરતી ન્યાયના સિદ્ધાંતની વિરુદ્ધ છે. કોઈપણ કર્મચારી સામે આટલી આકરી કાર્યવાહી કરતા પહેલા તપાસ રિપોર્ટ આપવો ફરજિયાત છે.
હાઈકોર્ટનો મહત્વનો નિર્ણય અને અડધો પગાર ચૂકવવાનો હુકમ
હાઈકોર્ટે બંને એટીપી (ATP)ની દલીલો ગ્રાહ્ય રાખીને મનપાના ડિસમિસ હુકમ પર સ્ટે આપ્યો હતો અને નોટિસ ઈસ્યુ કરી હતી. આ જ રાહતના આધારે પૂર્વ ચીફ ફાયર ઓફિસર ઈલેશ ખેરે પણ હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. હાઈકોર્ટે ઈલેશ ખેરના કિસ્સામાં પણ સમાન ચુકાદો આપતા તેમને ડિસમિસને બદલે માત્ર 'સસ્પેન્ડ' ગણવાનો અને દર મહિને નિયમ મુજબ અડધો પગાર ચૂકવવાનો હુકમ કર્યો છે. આ સાથે જ ૬ પૈકી ૩ અધિકારીઓને હાલ પૂરતી મોટી કાનૂની રાહત મળી ગઈ છે.
અન્ય અધિકારીઓ પણ કોર્ટના શરણે જવાની શક્યતા
હાલની પરિસ્થિતિ મુજબ, મનપા દ્વારા બરતરફ કરાયેલા ૬ પૈકી ૩ અધિકારીઓ (ઈલેશ ખેર, મુકેશ મકવાણા અને રાજેશ મકવાણા) હવે સસ્પેન્ડેડ ગણાશે અને તેમને અડધો પગાર મળતો રહેશે. બીજી તરફ, બાકી રહેલા ત્રણ અધિકારીઓ - રોહિત વિગોરા, ગૌતમ જોષી અને જયદીપ ચૌધરી પણ ટૂંક સમયમાં હાઈકોર્ટના દ્વાર ખટખટાવે તેવી પૂરેપૂરી શક્યતા સેવાઈ રહી છે. ઉલ્લેખનીય છે કે આ ચકચારી કેસમાં તમામ આરોપીઓ હાલ જામીન મુક્ત છે, ત્યારે હવે અધિકારીઓને મળી રહેલી કાનૂની રાહત મનપાની પ્રક્રિયા સામે પણ સવાલો ઊભા કરી રહી છે.