રાજ્યના પુર્વ શ્રમ મંત્રી અને છેલ્લે રેસકોર્સ બાલભવનની પ્રવૃત્તિઓને અતિ વેગવાન બનાવનાર અગ્રણી મનસુખભાઈ સી. જોષીનું આજે સવારે ૯૩ વર્ષની વયે ટુંકી બીમારી બાદ દુ:ખદ અવસાન થતાં રાજકોટના જાહેર જીવનની સખત આંચકાની લાગણી અનુભવાઇ રહી છે. સદગતની અંતિમયાત્રા આજે સાંજે સાડા પાંચ વાગે તેમના નિવાસસ્થાનેથી નીકળનાર છે.
આજે સવારે 7:30ના અરસામાં તેમનો જીવનદીપ બુઝાઇ ગયો
92 વર્ષની વય સુધી સંપૂર્ણ સ્વસ્થ રહેલા પુર્વ શ્રમ મંત્રી મનસુખભાઈ જોષીની વધતી ઉંમરને કારણે છેલ્લા ટૂંકા ગાળામાં તબિયત અસ્વસ્થ બની હતી, તેમને ગત સપ્તાહમાં મધુરમ હોસ્પિટલમાં ડો. હેમાંગ વસાવડા અને તેમના દ્વારા સારવાર આપવામાં આવી રહી હતી. આજે સવારે 7:30ના અરસામાં તેમનો જીવનદીપ બુઝાઇ ગયો હતો. સદગત મનસુખભાઈ જોષી તેમની પાછળ બે પુત્રો પ્રિ.યજ્ઞેશભાઇ જોષી, મેહુલભાઇ, ચાર પુત્રીઓ તેમજ ભાઇઓ દિલીપભાઈ, સ્વ. નાનુભાઇ, સ્વ. ગિજુભાઈ, એક બહેન વગેરેના વિશાળ પરિવારને વિલાપ કરતો છોડી ગયા છે.
કોટડા સાંગાણી તાલુકાના સાંઢવાયા ગામના વતની હતા
કોટડા સાંગાણી તાલુકાના સાંઢવાયા ગામના વતની મનસુખભાઇએ અભ્યાસ બાદ રાજકોટમાં તત્કાલીન લાભુભાઈ ત્રિવેદી, રમેશભાઈ છાયા, અશ્વિનભાઈ મહેતા વગેરે સાથે વિશ્વભારતી સંસ્થાના માધ્યમથી રાજકોટમાં લોક મેળો સહિતની અનેકવિધ સેવા પ્રવૃત્તિ સાથે જાહેર જીવનમાં પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ રાજકોટ નગરપાલિકાના પ્રમુખ પદ, રાજકોટ 2ના ધારાસભ્ય તરીકે અને રાજ્યના શ્રમ અને રોજગાર મંત્રી રહી ચૂક્યા હતા, ત્યારબાદ રાજકોટના જનસત્તા લોકસત્તા દૈનિક અને ફૂલછાબ દૈનિકમાં મેનેજર તરીકે પણ જવાબદારી સંભાળી હતી.
મહત્વની જવાબદારી સંભાળી
તેમની કારકિર્દી દરમિયાન તેમણે મહાત્મા ગાંધી ટ્રસ્ટ (શાસ્ત્રી વિદ્યાલય સહિતની સ્કૂલો, કોલેજો), રાષ્ટ્રીય શાળા ટ્રસ્ટ, રેસકોસ બાલભવન ટ્રસ્ટ, કબા ગાંધીનો ડેલો ટ્રસ્ટ, સરદાર પટેલ સ્મારક ટ્રસ્ટ વગેરેમાં પ્રમુખ તરીકે જવાબદારી સંભાળી હતી.
બાલભવનના ટ્રસ્ટમાં નવો જ પ્રાણ ફૂંક્યો
તેમાં એક સમયે અતિ લોકપ્રિય રહ્યા બાદ એક તબક્કે બિસમાર દશામાં મુકાયેલા બાલભવનના ટ્રસ્ટમાં તેમના આગમન સાથે નવો જ પ્રાણ ફૂંકાયો હતો. એનઆરઆઈ દાતાઓના પગારથી તેમણે બાલ ભવનનું આખું કલેવર બદલી નવી અધ્યતન ઈમારત બનાવી તેમાં બાળકોને લગતી અનેકવિધ પ્રવૃત્તિ ચાલુ કરી દીધો હતો. જે હજી પણ ચાલુ છે. આ ઉપરાંત રાજકોટના અગ્રણી જેન્તીભાઈ કુંડલીયા સાથે રાજકીય અને સહકારુ પ્રવૃત્તિમાં તેમનું અમૂલ્ય યોગદાન હતું. કોમર્શિયલ કો-ઓપરેટીવ બેંકના વિકાસમાં તેમનો અનન્ય ફાળો રહ્યો હતો. મનસુખભાઈ જોષીના નિધનથી રાજકોટને જાહેર જીવનના નેતાની ખોટ પડી છે. સદગતની અંતિમયાત્રા આજે સાંજે 5:30 વાગ્યે તેમના નૂતન નગર શેરી નંબર 4, કાલાવડ રોડ ખાતેના નિવાસસ્થાનેથી નીકળીને રામનાથ પરા મુક્તિધામ ખાતે જશે.