BREAKING NEWS

1500 કરોડના જમીન કૌભાંડમાં સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર કુમારની ઈડી દ્વારા ધરપકડ

  • January 02, 2026 02:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સુરેન્દ્રનગર જિલ્લામાં 1500 કરોડની જમીન બિનખેતી કરાવવાના કૌભાંડ અંગે ઈડીએ તત્કાલિન કલેક્ટર રાજેન્દ્ર કુમાર એમ.પટેલને આજે સાણસામાં લીધા હતા. ઈડીની ત્રણ ટીમ દ્વારા તેમની કલાકો સુધી પૂછપરછ કરવામાં આવી હતી. બાદમાં ઈડીએ તેમની ધરપકડ કરી હતી.  ત્યારબાદ રાજેન્દ્ર કુમાર એમ. પટેલને ઈડીએ રિમાન્ડની માંગ સાથે રજૂ કર્યા હતા. 


ઉલ્લેખનીય છે કે, 1500 કરોડના જમીન કૌભાંડ મામલે ઈડીએ 23 ડિસેમ્બર, 2025ના રોજ સુરેન્દ્રનગર કલેક્ટર અને નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીના ઘરે દરોડા પાડ્યા હતા. ઈડી દ્વારા 17 કલાક સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આ કેસમાં એસીબી સુરેન્દ્રનગરમાં ઇડીના અધિકારીએ સુરેન્દ્રનગર કલેક્ટર રાજેન્દ્ર મહેન્દ્ર પટેલ, નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી, કલેક્ટર ઓફિસના ક્લાર્ક મયૂર ગોહિલ અને કલેક્ટરના અંગત મદદનીશ જયરાજસિંહ ઝાલા સામે લાંચ-રુશ્વત વિરોધી ધારા હેઠળ ગુનો નોંધાવ્યો હતો. બાદમાં રાજેન્દ્ર કુમાર એમ. પટેલની ટ્રાન્સફર કરી દેવામાં આવી હતી.


એસીબીમાં નોંધાયેલી ફરિયાદમાં ઘટસ્ફોટ થયો હતો કે નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીએ એક કરોડની લાંચ લીધી હતી અને તેમાં કલેક્ટર રાજેન્દ્ર પટેલ, ક્લાર્ક મયૂર ગોહિલ અને પીએ જયરાજસિંહ ઝાલા સામેલ હતા. માત્ર એટલું જ નહીં, એક શીટમાં દલાલોનાં નામ અને તેમને આપવાની રકમ પણ લખેલી હોવાનું સામે આવ્યું હતું.


ઈડીની કાર્યવાહી બાદ રાજ્ય સરકારે સુરેન્દ્રનગરના કલેક્ટર ડૉ. રાજેન્દ્રકુમાર પટેલની બદલી કરી દીધી છે અને વેઇટિંગ ઇન પોસ્ટિંગ મૂકાયા છે. તેમની સેવાઓ આગામી આદેશ સુધી સામાન્ય વહીવટ વિભાગને સોંપવામાં આવી છે. જિલ્લા વિકાસ અધિકારી કે.એસ. યાજ્ઞિકને આગામી આદેશ સુધી સુરેન્દ્રનગરના કલેક્ટર પદનો વધારાનો હવાલો સંભાળશે.


23 ડિસેમ્બરે દિલ્હી ખાતે આવેલી ઈડીની સ્પેશિયલ ટીમે સુરેન્દ્રનગર જિલ્લાના નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીને ત્યાં રેડ કરી હતી. આ રેડ દરમિયાન 67.50 લાખ રોકડ સહિત પૈસાની લેતીદેતીના વ્યવહારો, દસ્તાવેજો તેમજ મોબાઈલમાં આ અંગેના ડેટા મળી આવ્યા છે. જે કબ્જે લઈને ધરપકડ કરવામાં આવી હતી. આજે વહેલી સવારે સ્પેશિયલ ઈડીની કોર્ટના જજના નિવાસસ્થાને રજૂ કરવા આવ્યા હતા. જો કે આરોપી ચંદ્રસિંહ મોરીના વકીલ ન હોવાથી તેના તરફથી લીગલ એઇડમાંથી વકીલની માંગણી કરી હતી. આ માંગણીને ધ્યાનમાં લઈને કોર્ટે લીગલ એઇડમાંથી વકીલની ફાળવણી કરવા જણાવ્યું હતું.


દરોડા દરમિયાન તપાસમાં ખુલ્યું હતું કે, સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર જે ફાઇલનો વહિવટ‎ કરવાનો હોય તે ઘરે લઇ જતા હતા. જેથી તેમના બંગલામાંથી 100 ફાઈલો જપ્ત કરવામાં આવી હતી, જેને લઈ કલેક્ટર પણ શંકાના દાયરામાં હતા. ત્યારબાદ અમદાવાદ ગ્રામ્ય કોર્ટ સ્થિત સ્પેશિયલ કોર્ટમાં ઈડીના સ્પેશિયલ વકીલ રાજેશ કાનાનીએ એવી રજૂઆત કરી હતી કે, એમની પાસેથી રોકડ રકમ મળી છે. તેમજ જમીન હેતુફેર કરવા માટે આવેલી અરજીઓમાં લાંચ લઈને કાર્યવાહી કરવામાં આવી હોવાના દસ્તાવેજો પણ મળ્યા છે. તેમજ મોબાઈલમાંથી પણ પૈસાની લેતીદેતીના હિસાબો સહિતની વગેરે વિગતો પ્રાપ્ત થઈ છે. તેની તપાસ કરવા આરોપી ચંદ્રસિંહ મોરીને 14 દિવસના રિમાન્ડ પર સોંપવાની રજૂઆત કરી હતી. ત્યાર બાદ કોર્ટે આરોપીને 1 જાન્યુઆરી સુધીના રિમાન્ડ પર સોંપવાનો હુકમ કર્યો હતો.


દરોડા દરમિયાન ચંદ્રસિંહ ભૂપતસિંહ મોરીના રહેણાક પરિસરમાં પીએમએલએની કલમ 17 હેઠળ હાથ ધરવામાં આવેલી સર્ચ કાર્યવાહી દરમિયાન 67.50 લાખની રોકડ રકમ રિકવર કરી જપ્ત કરવામાં આવી હતી. આ રોકડ રકમ તેમના બેડરૂમમાં છુપાવેલી મળી આવી હતી. આરોપી ચંદ્રસિંહ મોરીએ 23 ડિસેમ્બર, 2025ના રોજ પીએમએલએની કલમ 17 હેઠળ નોંધાયેલા તેમના નિવેદનમાં સ્વીકાર્યું છે કે જપ્ત કરાયેલી રોકડ રકમ જમીનના હેતુફેરની અરજીઓના ઝડપી અથવા સાનુકૂળ નિકાલ માટે સીધી રીતે અથવા વચેટિયાઓ દ્વારા અરજદારો પાસેથી માગેલી અને એકઠી કરેલી લાંચની રકમ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News