BREAKING NEWS

રાજકોટ શહેર કોંગ્રેસમાં ભડકો: વોર્ડ નં. 13માં ટિકિટ ફાળવણી મુદ્દે પૂર્વ કોર્પોરેટર જાગૃતિબેન ડાંગરની નારાજગી, જાણો શું કહ્યું

  • April 06, 2026 12:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો માહોલ ગરમાયો છે, ત્યારે રાજકોટ શહેર કોંગ્રેસમાં ભડકો જોવા મળી રહ્યો છે. શહેરના વોર્ડ નં. 13માં ટિકિટ ફાળવણીને લઈને આંતરિક વિખવાદ સપાટી પર આવ્યો છે. વોર્ડ નં. 13ના કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર જાગૃતિબેન ડાંગરે પક્ષની પસંદગી સામે ખુલ્લેઆમ નારાજગી વ્યક્ત કરતા રાજકીય ગરમાવો વ્યાપી ગયો છે.

ભલામણની અવગણનાનો આક્ષેપ

જાગૃતિબેન ડાંગરે અગાઉ જ પ્રદેશ પ્રમુખને પત્ર લખીને પોતે ચૂંટણી નહીં લડે તેવી સ્પષ્ટતા કરી હતી. તેમણે આ બેઠક પર કમલેશભાઈ કોઠીવારને ટિકિટ આપવા માટે મજબૂત ભલામણ કરી હતી. જોકે, કોંગ્રેસ પક્ષ દ્વારા કમલેશ કોઠીવારને વોર્ડ નં. 13ના બદલે વોર્ડ નં. 12માં ટિકિટ આપવામાં આવતા કાર્યકરો અને સમર્થકોમાં રોષ જોવા મળી રહ્યો છે.


અજાણ્યા ચહેરાને ટિકિટ આપતા વિરોધ

વોર્ડ નં. 13માં કોંગ્રેસ દ્વારા અંજનાબેન પંચાસરાને OBC ક્વોટામાંથી ટિકિટ આપવામાં આવી છે. આ નિર્ણય સામે પૂર્વ કોર્પોરેટર જાગૃતિબેને આકરા પ્રહારો કર્યા છે. તેમણે મીડિયા સમક્ષ નિવેદન આપતા જણાવ્યું હતું કે, "પાર્ટીએ જે પેનલ જાહેર કરી છે તેનાથી અમે સંતુષ્ટ નથી. અમે કમલેશભાઈ માટે ભલામણ કરી હતી, પરંતુ તેની અવગણના કરવામાં આવી છે. જે અંજનાબેનને ટિકિટ આપી છે, તેમને અમારા વોર્ડના કાર્યકરો પણ ઓળખતા નથી."


પક્ષને નુકસાનની ભીતિ

જાગૃતિબેને વધુમાં ઉમેર્યું કે ટિકિટ ફાળવણી બાબતે તેમની સાથે કોઈ જ સંકલન કરવામાં આવ્યું નથી. પક્ષના આ એકતરફી નિર્ણયને કારણે આગામી ચૂંટણીમાં વોર્ડ નં. 13માં કોંગ્રેસને મોટું નુકસાન થવાની ભીતિ તેમણે વ્યક્ત કરી છે. તેમણે સ્પષ્ટ કર્યું કે જો કોઈ સક્રિય કાર્યકરને ટિકિટ આપી હોત તો વિરોધ ન હોત, પરંતુ પાયાના કાર્યકરોની અવગણના પક્ષ માટે ઘાતક સાબિત થઈ શકે છે. ચૂંટણી પહેલા જ રાજકોટ કોંગ્રેસમાં સર્જાયેલી આ ખેંચતાણ ભાજપ માટે ફાયદાકારક સાબિત થાય છે કે કેમ, તે તો આવનારો સમય જ બતાવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application