BREAKING NEWS

રાજકોટમાં ભાજપ Vs ભાજપ: અનેક વોર્ડમાં ઉકળતો ચરૂ, ટિકિટ કપાઇ તે પૂર્વ કોર્પોરેટરોમાં હજુ નારાજગી, પ્રચારમાં સાથે રહેતાં નથી

  • April 15, 2026 04:53 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મહાપાલિકાની ચૂંટણી આ વખતે ભાજપ વિરુદ્ધ ભાજપ લડી રહ્યો હોય તેવી સ્થિતિ તમામ વોર્ડમાં જોવા મળી રહી છે. ખુદ ભાજપના જૂના જોગીઓ કહી રહ્યા છે કે જો આવી જ રીતે પ્રચાર ચાલશે તો ભાજપનો ૭૨ બેઠક જીતવાનો લક્ષ્યાંક ક્યાંથી સિધ્ધ થશે ?


રાજકોટમાં ચૂંટણીનો માહોલ જ જામતો નથી તેથી નેતાઓ પરસેવે રેબઝેબ થઈ ગયા છે અનેક વોર્ડમાં ઉકળતા ચરૂ જેવી સ્થિતિ છે.

વોર્ડવાઇઝ સંકલન બેઠકો પણ મોડી યોજાઈ છે. મધ્યસ્થ કાર્યાલયના ઉદઘાટનોમાં કાર્યકરો અને લેવાસિઓની ખૂબ પાંખી હાજરી જોવા મળી છે. ટિકિટ કપાઇ હોય તેવા પૂર્વ કોર્પોરેટરોમાં હજુ પણ નારાજગી યથાવત છે અને તેઓ પ્રચારમાં સાથે રહેતાં નથી તેવી ફરિયાદો છે. ટિકિટ ન મળી તેવા દાવેદારો પણ નિષ્ક્રિય થઈ ગયા છે. ખુદ ભાજપના જ કાર્યકરોમાં એવી ચર્ચા ચાલી છે કે શું ચૂંટણી પ્રચાર ફ્ક્ત સોશ્યલ મીડિયામાં જ ચાલી રહ્યો છે ? જમીન ઉપરની વાસ્તવિકતા કંઈક અલગ જ છે. અનેક વોર્ડમાં ઉમેદવારો પોતાના સમાજ પૂરતો પ્રચાર કરવા લાગતા ક્રોસ વોટિંગની ભીતિ સર્જાઈ ગઇ છે. જો ક્રોસ વોટિંગ રોકવામાં ભાજપ નિષ્ફળ રહેશે તો અનેક વોર્ડમાં પેનલ ખંડિત થશે તે નક્કી છે.


રાજકોટ મહાપાલિકાની ચૂંટણી આગામી તા.૨૬ના રોજ યોજાનારી છે જેને આડે આજથી ૧૦ દિવસ બાકી રહ્યા છે, આ વખતે જે પ્રકારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો કાર્યકમ જાહેર થયો છે તે જોતા ઉમેદવારોને પ્રચાર માટે ગણતરીના દિવસો જ મળ્યા છે. એપ્રિલ મહિનાના આકરા તાપ વચ્ચે છેલ્લા એક સપ્તાહથી પ્રચાર પ્રસાર માટે દોડધામ કરીને નેતાઓ પરસેવે રેબઝેબ થઇ ગયા છે પરંતુ માહોલ જામતો જ નથી. બીજી બાજુ અનેક વિસ્તારોમાં પ્રજાકીય પ્રશ્નો ઉકેલાયા ન હોય પ્રચારમાં જતા ઉમેદવારોને આકરા તાપ ઉપરાંત મતદારોના આકરા મિજાજનો પણ સામનો કરવો પડી રહ્યો છે.


રાજકોટ શહેરમાં વિવિધ રાજકીય પક્ષોની સ્થિતિ જોઈએ તો ભાજપમાં વોર્ડવાઇઝ ઉમેદવારો અને દાવેદારોના ડખ્ખા હજુ પણ શમ્યા નથી તદ્ઉપરાંત સામાન્ય રીતે સૌથી પહેલા યોજાતી વોર્ડની ચૂંટણી સંકલન બેઠકો પણ આ વખતે મોડી છે જેના કારણે પ્રચારની ગાડી પાટે ચડતી જ નથી. વોર્ડના મતદારોને ઉમેદવારના ચહેરા ફ્ક્ત સોશ્યલ મીડિયામાં જ જોવા મળી રહ્યા છે, ડોર ટુ ડોર પ્રચાર અને પદયાત્રા જાણે ભૂતકાળ બની ગયા જેવી સ્થિતિ છે, અમુક વોર્ડમાં ડોર ટુ ડોર સંપર્ક અને પદયાત્રા થાય છે પણ ફ્ક્ત ફોટો સેશન માટે અને સોશ્યલ મીડિયા રિલ્સ બનાવવા માટે ઉપયોગમાં લઇ શકાય તેવું આયોજન હોય છે.બીજી બાજુ વિપક્ષ કોંગ્રેસના અડધો અડધ ઉમેદવારો તો હજુ અંડર ગ્રાઉન્ડ છે તેના લીધે તેઓ તો હજુ પ્રચાર જ શરૂ કરી શક્યા નથી. જ્યારે આ વખતે આપનું જોર પહેલા જેવું રહ્યું નથી. ડોર ટુ ડોર સંપર્કમાં જતા રાજકીય પક્ષોના ઉમેદવારો ઉપર પ્રજાકિય પ્રશ્નોનો મારો થઇ રહ્યો છે.


વોર્ડ નં.૧માં નાગેશ્વર વિસ્તારના રહીશોએ તો તેમના પ્રશ્નો ઉકેલાયા ન હોય અને પ્રાથમિક સુવિધાઓ પણ મળી ન હોય રાજકીય પક્ષોને વિસ્તારમાં પ્રચાર માટે આવવા ઉપર પ્રતિબંધ મૂક્યો છે ! અન્ય વિસ્તારોમાં પણ આવો જ ઉકળાટ છે.


વોર્ડ નં.૨માં ભાજપે વર્ષોની પરંપરા તોડી બ્રાહ્મણ અને લોહાણા સમાજની ટિકિટ કાપી અન્ય સમાજને ટિકિટ આપતા ઉમેદવારો સામે હજુ પણ નારાજગી જોવા મળી રહી છે.


વોર્ડ નં.૩માં ભાજપે હેમુ પરમારને ટિકિટ નહીં આપતા ભાજપના કાર્યકરોનું એક મોટું જૂથ હજુ પણ નારાજ છે, જેમની ટિકિટ કપાય છે તે પૂર્વ મહિલા કોર્પોરેટર કુસુમબેન ટેકવાણી અને તેમના પતિ પ્રચારમાં સાથે જોડાતા નહીં હોવાની ચર્ચા છે.


વોર્ડ નં.૪, ૫, ૬, ૧૫ અને ૧૬ સહિતના ઉપલા કાંઠાના વિસ્તારોમાં પણ ભાજપનું એક જૂથ પ્રચારથી દૂર રહ્યું હોવાનો ભાજપના કાર્યકરોમાં ગણગણાટ છે.


વોર્ડ નં.૭માં ભાજપના ઉમેદવાર છેલ્લી ઘડીએ બદલવામાં આવ્યા તે વાત હજુ કાર્યકરોને હજમ થઇ નથી.


વોર્ડ નં.૮માં ચારેય ઉમેદવાર નવા હોય જોઈએ તેવો લોકપ્રતિસાદ સાંપડી રહ્યો નહીં હોવાની ચર્ચા છે. વોર્ડ નં.૯માં પણ ઉમેદવારો બદલવા અને આયાતી ઉમેદવાર મુકવા સામે ગણગણાટ ચાલી રહ્યો છે, વોર્ડ નં.૯માં જબરી પક્કડ ધરાવતા કમલેશભાઈ મીરાણીને ભાવનગર પ્રભારી તરીકે નિયુક્ત કરાયા હોય તેમની ગેરહાજરી છે, જ્યારે આ વખતે લોકપ્રિય પુષ્કરભાઇ પટેલની ઉમેદવારી ન હોય મતદારો નિરાશ થયા છે.


વોર્ડ નં.૧૦માં ક્રોસવોટિંગની ભીતિ વચ્ચે પ્રચારકાર્ય ચાલી રહ્યું છે. વોર્ડ નં.૧૧માં અસુવિધાઓ મુદે લોકોની નારાજગી ઉપરાંત ભૌગોલિક દ્રષ્ટિએ રાજકોટના સૌથી મોટા એવા આ વોર્ડમાં પ્રચાર માટે દરેક વિસ્તાર સુધી પહોંચી વળવું ખૂબ મુશ્કેલ છે. વોર્ડ નં.૧૨માં ભાજપના ઉમેદવારો મજબૂત છે પણ લોકપ્રતિસાદ નબળો છે. વોર્ડ નં.૧૩માં ભાજપે ત્રણ ઉમેદવારોની ટિકિટ કાપી હોય આંતરિક ધૂંધવાટ હજુ પણ શમ્યો નથી, અમુકને શિક્ષણ સમિતિમાં સભ્યપદની ઓફર પણ અપાઇ છે. વોર્ડ નં.૧૪માં ભાજપના ઉમેદવારો પ્રભાવક છે પરંતુ ગત ચૂંટણી જેવો સ્વયંભૂ લોક આવકાર નથી. વોર્ડ નં.૧૫માં કોંગ્રેસના ગઢમાં ગાબડું પા ભાજપની કોશિષ જારી છે. વોર્ડ નં.૧૬માં જંગલેશ્વર ફેક્ટર નિર્ણાયક રહેશે.


વોર્ડ નં.૧૭માં ધવા પરિવારની ટિકિટ કાપતા તેમજ અન્ય પ્રબળ દાવેદારોનું પત્તુ કાપીને ત્રણ નવા ઉમેદવાર મુકતા આ વખતે આ વોર્ડમાં ભાજપની કસોટી થશે, આ વોર્ડ નવતર પ્રકારના પરિણામો તેમજ ક્રોસ વોટિંગ માટે જાણીતો છે. એક ચૂંટણીમાં અહીં ઉમેદવાર બિનહરીફ ચૂંટાયા હતા તો એક ચૂંટણીમાં ક્રોસ વોટિંગના કારણે ત્રણ મહિલા ઉમેદવારો વિજેતા થયા હતા. વોર્ડ નં.૧૮ કોઠારીયામાં તો અસુવિધાઓ જ મુખ્ય મુદ્દો છે, અહીં બે સિટીંગ કોર્પોરેટરની ટિકિટ કાપતા તેમજ બે સિટિંગ કોર્પોરેટરને ટિકિટ આપતા ભાજપમાં બે જૂથ પડ્યા છે.


એકંદરે ઉનાળાની કાળઝાળ ગરમી, દાવેદારોનો ઉકળાટ, અસંતુષ્ટોના ફૂંફાડા અને મતદારોના આકરા મિજાજ વચ્ચે આ વખતે ચૂંટણીનો માહોલ જ હજુ જામતો નથી. પછાત વિસ્તારોને બાદ કરતા લોકોને પણ હજુ એવો અહેસાસ થતો નથી કે ચૂંટણી આવી ગઇ છે. સામાન્ય શહેરીજનોમાં ક્યા વોર્ડમાં કોણ જીતશે, કોણ હારશે તેવી ચર્ચા થતી પણ જોવા મળતી નથી. અલબત્ત સ્થિતિ એવી ગંભીર છે કે સામાન્ય શહેરીજનોને તો તેમના વોર્ડમાં કોણ ચૂંટણી લડી રહ્યું છે તેનો પણ હજુ સુધી પૂરો ખ્યાલ આવ્યો નથી, ઉમેદવારો નવા હોય નામ પણ ખબર નથી.!!



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application