BREAKING NEWS

વિંછીયાના મોટા હડમીયામાં ઘરફોડ ચોરીમાં માતા-પુત્ર સોની વેપારી સહિત ચાર ઝડપાયા

  • October 20, 2025 09:15 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બે શખસોએ મળી ચોરી કરી,એક આરોપીને મુદામાલ માતાને સાચાવવા આપ્યો: આ મુદામાલ સોની વેપારી ખરીદી ઢાળીયો બનાવી નાખ્યો





વિંછીયા તાલુકાના મોટા હડમતીયા ગામે ઘરફોડ ચોરીનો બનાવ બન્યો હતો. જેમાં પોલીસે અગાઉ એક આરોપીને ઝડપી લીધા બાદ તેના સાથીદારને ઝડપી લીધો હતો. જેની પુછતાછ કરતા તેણે ચોરીનો મુદ્દામાલ તેની માતાને આપ્યો હોવાની કબુલાત આપી હતી. તેની માતાને ઝડપી લઇ પુછતાછ કરતા આ માલ સોની વેપારીને આપ્યાની કબુલાત આપી હતી. જેથી પોલીસે સોની વેપારી સહિત ચારેયને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી કરી હતી.


ચોરીના આ બનાવવાની જાણવા મળતી વિગતો મુજબ, હાલ રાજકોટમાં સંત કબીર રોડ પર રહેતા મૂળ વિંછીયાના મોટા હડમતીયાના વતની ભરતભાઈ લક્ષ્મણભાઈ પરમાર(ઉ.વ 45) દ્વારા વિંછીયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી કે તેમના મકાનનો દરવાજાનો નોકુચો તોડી અહીંથી સોના-ચાંદીના દાગીના મળી કુલ રૂપિયા 29,500 ની મત્તા ચોરી થઈ હતી. જે અંગે વિંછીયા પોલીસે ગુનો નોંધ્યો હતો.આ ચોરી પ્રકરણમાં અગાઉ આરોપી વિશાલ ઉર્ફે બકી અરજણભાઈ સરવૈયા (ઉ.વ 27 રહે. ઓરી તા. વિંછીયા) ને પોલીસે ઝડપી લીધો હતો તેની પૂછતાછમાં આરોપી સાગર રૂપે સગળીનું નામ ખુલ્યું હતું.


રાજકોટ એસપી વિજયસિંહ ગુર્જર દ્વારા ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલવા માટે સૂચના આપવામાં આવી હોય જેને લઇ ગોંડલ ડીવાયએસપી કે.જી.ઝાલાના માર્ગદર્શન હેઠળ વિંછીયા પોલીસ મથકના પીઆઇ એ.સી.ડામોરની રાહબરીમાં ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન હેડ કોન્સ્ટેબલસિંહ જાડેજા કોન્સ્ટેબલ અમિતભાઈ સુરુને આ ચોરી પ્રકરણમાં ફરાર આરોપી સંગરામ ઉર્ફે સગળી વિનોદભાઈ ઉર્ફે વિનુભાઇ પાટડીયા (ઉ.વ 25 રહે. ઓરી તા. વિંછીયા) ઘરે આવ્યો હોવાની બાતમી મળી હતી. જેથી પોલીસની ટીમે તુરંત અહીં પહોંચી આરોપી સંગરામ ઉર્ફે સગળીને ઝડપી લીધો હતો જેની પૂછતાછ કરતા તેણે ચોરી કરેલો મુદ્દામાલ તેની માતા જયાબેનને આપ્યો હોવાની કબુલાત આપી હતી જેથી પોલીસે મહિલા આરોપી જયાબેન વિનોદભાઈ ઉર્ફે વિનુભાઈ પાટડીયા (ઉ.વ 50) ને ઝડપી લઇ તેમની પૂછપરછ કરતા તેમણે આ મુદ્દામાલ વિંછીયા વિંછીયા મેન બજાર રામજી મંદિર સામે સોની કામની દુકાન ધરાવનાર અરવિંદને વેચ્યો હોવાની કબુલાત આપી હતી. જેથી પોલીસે અહીં સોનીની દુકાને પહોંચી અરવિંદ લખમણભાઇ ગઢાદરા (ઉ.વ 48 રહે. વિંછીયા મેઇન બજાર રામજી મંદિર પાસે) ને ઝડપી લઇ 280 ગ્રામનો ચાંદીનો ઢાળિયો કિંમત રૂ.18,000 તથા સોનાનો ઢાળિયો 200 મિ.લી કિંમત રૂપિયા 2000 મળી કુલ 20,000 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.


આ કામગીરીમાં વિંછીયા પોલીસ મથકના પીઆઇ એ.સી.ડામોરની રાહબરીમાં હેડ કોન્સ્ટેબલ પ્રકાશભાઈ ડાંગર, ક્રિપાલસિંહ જાડેજા અને કોન્સ્ટેબલ અમિતદાન સુરુ સાથે રહ્યા હતાં.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application