જામનગર શહેર અને જિલ્લામાં છેલ્લા બે વર્ષના સમયગાળા દરમિયાન ડિજિટલ એરેસ્ટના ચાર કિસ્સા બન્યા છે, અને તે અંગે જામનગરના સાઇબર ક્રાઇમ પોલીસ મથકમાં ગુના દાખલ કરવામાં આવ્યા છે. સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન દ્વારા યોજાઇ રહેલા જુદા જુદા અવેરનેશ પ્રોગ્રામ અંતર્ગત જામનગરના બે વયોવૃદ્ધ ડિજિટલ એરેસ્ટનો શિકાર બને તે પહેલા બંનેને બચાવી લેવાયા હતા.
જામનગરના સાઇબર ક્રાઇમ પોલીસ મથકમાં ૨૦૨૪ની સાલમાં ડિજિટલ એરેસ્ટ અંગેના બે કિસ્સા નોંધાયા હતા, જેમાં જામનગરના એક વ્યક્તિ પાસેથી દોઢ કરોડ ખંખેરી લેવાયા હતા, જ્યારે બીજા ગુનામાં સાડા ત્રણ કરોડ રૂપિયા ઓનલાઇન ટ્રાન્જેક્શન મારફતે ચીટર ટોળકી દ્વારા ખંખેરી લેવામાં આવ્યા હોવાની બે પોલીસ ફરિયાદ સાઇબર ક્રાઈમ પોલીસ મથકમાં નોંધાવાઈ હતી, જોકે તે બંને કેસ સંદર્ભમાં કોઈ આરોપીઓની અટકાયત થઈ નથી, અને તપાસ ચાલુ છે.
આ ઉપરાંત ૨૦૨૫ની સાલમાં પણ અલગ અલગ બે કેસ નોંધાયા હતા, જેમાં એક વેપારીને ડિજિટલ એરેસ્ટ કરાયો હતો, અને તેની પાસેથી ૧ કરોડ ૩૦ લાખ જેવી માતબર રકમ ખંખેરી લેવામાં આવી હતી, પરંતુ સાયબર ક્રાઇમ સેલ ની ટીમે આ પ્રકરણમાં ઊંડાણપૂર્વકની તપાસ કરીને કુલ ચાર આરોપીઓને ઝડપી લીધા છે, જેની તપાસ ચાલી રહી છે.
આ ઉપરાંત ડિજિટલ એરેસ્ટનો વધુ ગુન્હો સાયબર ક્રાઈમ પોલીસ માથકમાં નોંધાયો હતો, અને તેમાં પણ એક યુવાનને એરેસ્ટ કરીને તેની પાસેથી ૨ કરોડ ૬૯ લાખની રકમ પડાવી લેવામાં આવી હતી, જે પ્રકરણમાં તાજેતરમાં પોલીસની ટીમ દ્વારા એક આરોપીને ઝડપી લેવાયો છે, અને આ પ્રકરણમાં પણ જુદા જુદા ચાર રાજ્યોમાં તપાસ ચલાવવામાં આવી રહી છે.
જામનગર સાયબર ક્રાઇમ સેલ વિભાગની ટુકડી દ્વારા લોકજાગૃતિ સંદર્ભમાં અનેક કાર્યક્રમો ચલાવવામાં આવી રહ્યા છે, અને પબ્લિક અવેરનેશ ને સંદર્ભે સમયાંતરે કાર્યક્રમો હાથ ધરાઈ રહ્યા છે, જેને લઈને જામનગરના પંચવટી વિસ્તારમાં રહેતા એક વયોવૃદ્ધ તેમજ શરૂ સેક્શન રોડ પર રહેતા એક વૃઘ્ધ જેઓને સાયબર શાતીરોએ ડિજિટલ એરેસ્ટ કરી લેવા માટેના પ્રયાસો કર્યા હતા, પરંતુ બંનેનો બચાવ થયો હતો, અને તેઓ ફ્રોડ ટોળકીનો શિકાર બનતાં બચાવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે દિન પ્રતિદીન સાયબર ફ્રોડના ગુના વધી રહયા છે તો બીજી બાજુ સાયબર ક્રાઇમ પોલીસની ટીમ દ્વારા લોક જાગૃતી અને અવેરનેશના કાર્યક્રમો યોજીને લોકોને સતર્ક કરવામાં આવી રહયા છે.