રાજકોટ હવે રાજ્યનું સ્યુસાઇડ કેપિટલ બની ગયું હોય તેમ રોજબરોજ યુવાનોથી લઈ સિનિયર સીટીઝન આત્મહત્યા કરી રહ્યા છે. આપઘાત પાછળ કોઈ મોટા અને ચોક્કસ કારણો ન હોવાનું જોવા મળી રહ્યું છે. સતત વધતા આપઘાતના બનાવ ખુબ ચિંતાનો વિષય બની ગયો છે. ત્યારે શહેરના જુદા જુદા વિસ્તારમાં વધુ ચાર સ્યુસાઇડની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે.
બીમારીથી કંટાળી પ્રૌઢાએ ફિનાઈલ પી જીવ દીધો
મોરબી રોડ પર જુના જકાત નાકા નજીક રહેતાં સુધાબેન પંકજભાઇ મોરાણીયા (ઉ.વ.૬૩) નામના પ્રૌઢાએ ગત.તા ૧૩ના બપોરે ઘરે હતા ત્યારે ફિનાઇલ પી લેતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પરંતુ બે દિવસની સારવાર દરમિયાન દમ તોડી દેતા બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે બી-ડિવિઝન પોલીસને કરતા પોલીસે હોસ્પિટલ પહોંચી જરૂરી કાર્યવાહી કરી તપાસ હાથ ધરી હતી. આપઘાત કરનાર સુધાબેનને સંતાનમાં દિકરો અને દિકરી છે. પરિવારના જણાવ્યા મુજબ સુધાબેનને ડાયાબીટીશ, બીપી, કિડની સહિતની બીમારી હતી અને તેની દવા પણ ચાલુ હતી પરંતુ આ બધી બીમારીથી કંટાળી પગલું ભરી લીધાનું લાગી રહ્યું છે. બનાવથી પરિવારમાં ગમગીની છવાઈ છે.
ઝેરી દવા પી લેનાર ઠક્કરબાપાનગરના આધેડનું મોત
ઠક્કરબાપાનગરમાં રહેતા અને આરએમસીમાં સફાઈ કામદાર તરીકે નોકરી કરતા અનિલભાઈ બાલાભાઈ વાઘેલા (ઉ.વ.52)ના આધેડે તા.8-4ના બપોરે રૈયા ચોકડીથી આગળ ઝેરી દવા પી લેતા પ્રથમ બેકબોન હોસ્પિટલ અને ત્યાંથી સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેનું 10 દિવસની સારવાર દરમિયાન આજે બપોરે મોત થતા બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે યુનિવર્સીટી પોલીસને જાણ કરતા પોલીસે હોસ્પિટલ પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી. આપઘાત કરનાર આધેડ અનિલભાઈને લક્ષ્મી નામની મહિલા સાથે સબંધ હોવાથી 15 દિવસ પહેલા ઘરેથી નીકળી ગયા હતા. કેટલીક જગ્યાએ શોધખોળ કરવા છતાં પતો લાગ્યો નહતો. દરમિયાન પુત્રના ફોનમાં વીડિયો મોકલ્યો હતો અને મારી ઉપર કાંઈ કરજો નથી અને હું મારી મરજીથી પગલું ભરું છું. તેમ જણાવી દવા પી લીધી હતી. આપઘાતનો સચોટ કારણ જાણવા પોલીસે તપાસ યથાવત રાખી છે.
પુત્રના વિયોગમાં માતાનો ઝેરી દવા પી આપઘાત
મવડી પ્લોટ વિસ્તારના ઓમનગરમાં રહેતા નયનાબેન કિશોરભાઈ હરણેસા (ઉ.વ.58)નામના પ્રૌઢાએ સવારે સાડા દશેક વાગ્યે ઘરે ઝેરી દવા પી લેતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર કારગત ન નીવડતા દમ તોડી દેતા પરિવારમાં આક્રંદ સર્જાયો હતો. બનાવની જાણ હોસ્પિટલ ચોકીના સ્ટાફે તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે હોસ્પિટલ પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી. આપઘાત કરનાર નયનાબેનના પતિ છૂટક મજૂરી કામ કરે છે, સંતાનમાં બે દીકરા એક દીકરી છે જેમાં મોટો દીકરો 35 વર્ષનાનું દશેક મહિના પહેલા બીમારી સબબ અવસાન થતા ત્યારથી ગુમસુમ રહેતા હતા. દીકરાના વિયોગમાં પગલું ભરી લીધાનું પરિવારે જણાવ્યું હતું. આગળની તપાસ તાલુકા પોલીસે હાથ ધરી છે.
નહેરુનગરમાં કારખાનામાં ઝેરી દવા પી યુવકનો આપઘાત
કોઠારીયા રોડ પર આનંદનગર ક્વાર્ટરમાં રહેતો ધાર્મિક મહેશભાઈ મકવાણા (ઉ.વ.26)ના યુવકે બપોરે અઢી વાગ્યા આસપાસ નેહરુનગર કૈલાશ પતિ સોસાયટી શેરી નં. 1 પાસે આવેલા ફેબ્રીકેશનના કારખાનામાં હતો ત્યારે ઝેરી દવા પી લેતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં ટૂંકી સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો. આપઘાત કરનાર ધાર્મિક બે ભાઈમાં મોટો અને અપરણિત હતો. પરિવારના કહેવા મુજબ ધાર્મીકને કોઈ આર્થિક કે અન્ય કોઈ ચિંતા નહતી. અને કોઈ બાબતની ઘરે ક્યારેય વાત કરી નથી આથી ક્યાં કારણોસર પગલું ભર્યું એ અંગે પરિવારજનો પણ અજાણ હોય બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે ભક્તિનગર પોલીસને જાણ કરતા પોલીસે કારણ જાણવા તપાસ હાથ ધરી છે. યુવાન પુત્રના મોતથી પરિવારમાં કલ્પાંત સર્જાયો છે.