બનાસકાંઠાના કાંકરેજ અને દિયોદરથી દ્વારકા દર્શને જતા સંઘને માળિયામિયાણા પાસે અજાણ્યા વાહને કચડી નાખતા ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા જ્યારે એક વ્યક્તિને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ હતી. આ અકસ્માતથી આજુબાજુમાં અરેરાટી મચી ગઈ હતી.
મળતી માહિતી મુજબ, દ્વારકામાં દ્વારકાધીશના દર્શનાર્થે જઈ રહેલા પદયાત્રીઓ માટે આજની સવાર અમંગળ સાબિત થઈ હતી. માળિયા-પીપળીયા હાઈવે પર ચાચાવદરડા ગામના પાટિયા પાસે એક અજાણ્યા વાહને પદયાત્રીઓના સંઘને અડફેટે લઈ ગમખ્વાર અકસ્માત સર્જ્યો હતો. આ દુર્ઘટનામાં ચાર પદયાત્રીઓના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા, જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાઈ હતી.
દુર્ઘટનામાં મૃત્યુ પામેલા શ્રદ્ધાળુઓ
દિલીપભાઈ રયાભાઈ ચૌધરી (ઉં.વ. 28, રહે. અધગામ, દિયોદર)
હાર્દિકભાઈ માલાભાઈ ચૌધરી (ઉં.વ. 28, રહે. અધગામ, દિયોદર)
ભગવાનભાઈ લાલભાઈ ચૌધરી (ઉં.વ. 65, રહે. નવા દિયોદર)
અમરાભાઇ લાલાભાઇ ચૌધરી (ઉં.વ. 62, રહે. નાના દિયોદર)
બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ અને દિયોદર તાલુકાના શ્રદ્ધાળુઓનો એક સંઘ પગપાળા દ્વારકા જઈ રહ્યો હતો. આજે વહેલી સવારે જ્યારે આ સંઘ માળિયા-પીપળીયા હાઈવે પર આવેલા ચાચાવદરડા ગામના પાટિયા પાસેના પેટ્રોલ પંપ નજીકથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે પૂરપાટ ઝડપે આવતા એક અજાણ્યા વાહને પાંચ પદયાત્રીઓને જોરદાર ટક્કર મારી હતી.
આ અકસ્માત એટલો ભયાનક હતો કે ટક્કર વાગતા જ ચાર પદયાત્રીઓએ સ્થળ પર જ દમ તોડી દીધો હતો. મૃતકોમાં બે યુવાનો અને બે આધેડ વ્યક્તિઓનો સમાવેશ થાય છે. અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા અન્ય એક પદયાત્રીને તાત્કાલિક અસરથી મોરબીની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે.
ઘટનાની જાણ થતા જ માળિયા-મિયાણા તાલુકા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને ટ્રાફિક હળવો કરી મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યા હતા. અકસ્માત સર્જ્યા બાદ વાહન ચાલક પોતાનું વાહન લઈને ફરાર થઈ ગયો હોય, પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેને ઝડપી પાડવા માટે નાકાબંધી અને સીસીટીવી ફૂટેજની તપાસ સહિતની સઘન કાર્યવાહી શરૂ કરી છે.
દુર્ઘટનાના સમાચાર મળતા જ ટંકારાના ધારાસભ્ય દુર્લભજી દેથરીયા મોરબી સિવિલ હોસ્પિટલ દોડી આવ્યા હતા. તેમણે ઇજાગ્રસ્તોની પૂછપરછ કરી સાંત્વના આપી હતી અને મૃતદેહોને સન્માનપૂર્વક તેમના વતન બનાસકાંઠા મોકલવા માટે જરૂરી વ્યવસ્થા કરી આપી હતી. દ્વારકા પહોંચતા પહેલા જ શ્રદ્ધાળુઓના કાળમુખા અકસ્માતમાં મોતથી બનાસકાંઠા પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
દુર્લભજી દેથરીયાએ જણાવ્યું હતું કે, આજે વહેલી સવારે પીપળીયા ચાર રસ્તાથી આગળ માળિયા તરફ દિયોદરથી દ્વારકા જતા પદયાત્રીઓને અકસ્માત થયો છે, બે ટીમ હતી, એક ટીમ આગળ હતી અને પાંચ લોકોની પાછળની ટીમ હતી, એમાં ગાડીઓ કોઈ ટક્કર મારી અને ચાર લોકો અને ત્યાંના મૃત્યુ થયા હચા અને એક ભાઈ છે એને ક્રિષ્ના હોસ્પિટલમાં દાખલ કર્યા હતા, એની પણ તબિયત સારી છે. ભગવાનને આ દર્શન કરવાનો જે લાભ નહીં દેવાનો હોય એટલે આ બનાવ બન્યો છે, ત્યારે મૃતક જનોને આપણે એક શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ.