માળિયા-પીપળીયા હાઈવે પર ચાચાવદરડા ગામના પાટિયા પાસે એક અજાણ્યા વાહને પદયાત્રીઓના સંઘને અડફેટે લઈ ગમખ્વાર અકસ્માત સર્જ્યો હતો. આ દુર્ઘટનામાં ૪ પદયાત્રીઓના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા છે, જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે. સંઘ દ્વારકા દર્શનાર્થે જતો હતો ત્યારે રસ્તામાં કાળ ભેટયો હતો.આ અકસ્માતની વિગતો બહાર આવતા શોકની લાગણી ફેલાઇ જવા પામી છે.
મળતી માહિતી મુજબ, બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ અને દિયોદર તાલુકાના શ્રદ્ધાળુઓનો એક સંઘ પગપાળા દ્વારકા જઈ રહ્યો હતો. આજે વહેલી સવારે જ્યારે આ સંઘ માળિયા-પીપળીયા હાઈવે પર આવેલા ચાચાવદરડા ગામના પાટિયા પાસેના પેટ્રોલ પંપ નજીકથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે પૂરપાટ ઝડપે આવતા એક અજાણ્યા વાહને પાંચ પદયાત્રીઓને જોરદાર ટક્કર મારી હતી.
મૃતકોમાં બે યુવાનોનો સમાવેશ આ અકસ્માત એટલો ભયાનક હતો કે ટક્કર વાગતા જ ચાર પદયાત્રીઓએ સ્થળ પર જ દમ તોડી દીધો હતો. મૃતકોમાં બે યુવાનો અને બે આધેડ વ્યક્તિઓનો સમાવેશ થાય છે. અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા અન્ય એક પદયાત્રીને તાત્કાલિક અસરથી મોરબીની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે. ગોઝારા અકસ્માતમાં મૃત્યુ પામનાર દેવદરના ચોધરી દિલીપ રાઇભાઇ, ચોધરી હાર્દિક માલાભાઇ, ચોધરી ભગવાન લાલભાઇ અને ચોધરી અમજાભા લાલભાઇનો સમાવેશ થાય છે.
અજાણ્યો ચાલક વાહન લઈ ફરાર ઘટનાની જાણ થતા જ માળિયા-મિયાણા તાલુકા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી મૃતકોની ઓળખ વિધિ હાથ ધરી છે. અકસ્માત સર્જ્યા બાદ વાહન ચાલક પોતાનું વાહન લઈને ફરાર થઈ ગયો હોય, પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેને ઝડપી પાડવા માટે નાકાબંધી અને સીસીટીવી ફૂટેજની તપાસ સહિતની સઘન કાર્યવાહી શરૂ કરી છે. યાત્રાધામ દ્વારકા પહોંચે તે પહેલા જ શ્રદ્ધાળુઓના મોતથી બનાસકાંઠાના તેમના વતનમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application