BREAKING NEWS

રાજકોટ નજીક ધૂળેટીની આગલી રાત્રે ત્રણ પરિવારમાં માતમ, ટ્રકે રિક્ષાને કચડી નાખતા બે સગા ભાઈ સહિત ચાર લોકોના મોત

  • March 04, 2026 09:51 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટના કાલાવડ રોડ પર આવેલી મેટોડા GIDCમાં ગઈકાલે મોડી રાત્રે એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો. એક બેફામ ગતિએ આવતા ટ્રકે મુસાફરો ભરેલી રિક્ષાને જોરદાર ટક્કર મારતા રિક્ષા ચાલક, બે સગા ભાઈઓ અને એક અન્ય શ્રમિક સહિત કુલ 4 વ્યક્તિઓના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. પોલીસે ગણતરીની કલાકોમાં જ ફરાર ટ્રક ચાલકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.



રિક્ષાનો કચ્ચરઘાણ નીકળી ગયો

ગઈકાલે રાત્રે આશરે 10 વાગ્યાની આસપાસ મેટોડા GIDC ગેઈટ નંબર 3 પાસે આવેલા 'યુનિવર્સલ ટેક્નોકાસ્ટ' કારખાના નજીક આ અકસ્માત સર્જાયો હતો. જીજે.03.બીવાય.8889 નંબરના ટ્રકે રિક્ષા (જીજે.03.બીએક્સ.5656)ને અડફેટે લીધી હતી. ટક્કર એટલી પ્રચંડ હતી કે રિક્ષાનો લોખંડી બુકડો બોલી ગયો હતો અને તેમાં સવાર તમામ ચાર લોકોએ જીવ ગુમાવ્યા હતા. પ્રાથમિક તપાસ મુજબ, રિક્ષા શ્રીરામ હોસ્પિટલ પાસેથી પસાર થઈને ગેઈટ નંબર 3 તરફ જઈ રહી હતી ત્યારે કાળમુખો ટ્રક આડો ઉતર્યો હતો.


મૃતકોની ઓળખ અને પરિવારમાં માતમ

આ અકસ્માતમાં જીવ ગુમાવનારાઓમાં રિક્ષા ચાલક અને શ્રમિકોનો સમાવેશ થાય છે. જેમાં સુનિલ અશ્વિનભાઈ વરાણીયા (ઉં.વ. 28): રિક્ષા ચાલક સુનિલ મેટોડાના મચ્છોનગરમાં રહેતો હતો. તે પરિવારમાં ત્રણ ભાઈ અને એક બહેનમાં સૌથી મોટો હતો. સુનિલના અવસાનથી તેની બે માસૂમ દીકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવી છે, જેના કારણે પરિવારમાં ભારે કલ્પાંત છવાયો છે.

વિશાલ સવસીભાઈ ગાંગડિયા: મુસાફર તરીકે સવાર વિશાલ મૂળ સુરેન્દ્રનગરનો વતની હતો અને મેટોડામાં પેઈન્ટિંગનું કામ કરતો હતો.

વિજય સવસીભાઈ ગાંગડિયા: વિશાલનો સગો ભાઈ વિજય પણ તેની સાથે હતો. બંને ભાઈઓના સાથે મોત થતા પરિવાર પર આભ તૂટી પડ્યું છે.

અજ્ઞાત શ્રમિક: અન્ય એક શ્રમિકનું પણ મોત થયું છે, જેની ઓળખ મેળવવા પોલીસ હાલ તપાસ કરી રહી છે.


પોલીસ કાર્યવાહી અને આરોપીની ધરપકડ

અકસ્માતની જાણ થતા જ રાજકોટ જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જર, DYSP કે.જી. ઝાલા, મેટોડા પોલીસ અને LCBની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે ઘટનાનું પંચનામું કરી ચારેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યા હતા. અકસ્માત બાદ ટ્રક મૂકીને નાસી છૂટેલા ચાલકને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા હતા.

ગણતરીની કલાકોમાં જ પોલીસે ઓખાના રહેવાસી ટ્રક ચાલક બંસીભારતી બટુકભારતી ગોસ્વામીની ધરપકડ કરી લીધી છે. પોલીસે FSL અને RTOની મદદ લઈને અકસ્માત કઈ રીતે સર્જાયો તેની ટેકનિકલ તપાસ પણ શરૂ કરી છે.


મેટોડા GIDC વિસ્તારમાં બનેલી આ ઘટનાએ સમગ્ર રાજકોટ જિલ્લાને હચમચાવી દીધું છે. રોજગારી મેળવવા આવેલા શ્રમિકો અને પરિવારનો આધારસ્તંભ એવા યુવાન રિક્ષા ચાલકના મોતથી પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન અને બેફામ ડ્રાઈવિંગ ફરી એકવાર નિર્દોષ લોકો માટે જીવલેણ સાબિત થયું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application