ઉત્તર ગુજરાતના પાટણ જિલ્લામાં આજે એક હૃદયદ્રાવક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. સાંતલપુર નેશનલ હાઈવે પર રોઝુ ગામના પાટિયા પાસે ટેન્કર અને અલ્ટો કાર વચ્ચે સર્જાયેલા ભીષણ અકસ્માતમાં એક જ પરિવારના ચાર લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. આ અકસ્માત એટલો ભયાનક હતો કે કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો અને મૃતદેહોને બહાર કાઢવા માટે ભારે જહેમત ઉઠાવવી પડી હતી.
મળતી માહિતી મુજબ, વારાહી ગામના મુસ્લિમ ઘાંચી સમાજનો એક પરિવાર કચ્છના સુપ્રસિદ્ધ હાજીપીર દરગાહના દર્શન કરીને પોતાની અલ્ટો કારમાં ઘરે પરત ફરી રહ્યો હતો. આ દરમિયાન સાંતલપુર હાઈવે પર રોઝુ ગામ નજીક સામેથી પૂરઝડપે આવી રહેલા એક બેકાબૂ ટેન્કરે કારને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માતને પગલે ચીસાચીસ મચી ગઈ હતી અને સ્થાનિક લોકો તાત્કાલિક બચાવ કામગીરી માટે દોડી આવ્યા હતા.
આ દુર્ઘટનામાં વારાહીના ઘાંચી પરિવારના ચાર સભ્યોએ જીવ ગુમાવ્યા છે, જેમાં પરિવારના મોભી, પતિ-પત્ની અને પુત્રનો સમાવેશ થાય છે. મૃતકોમાં એમદભાઈ હસનભાઈ ઘાંચી (ઉં.વ. 77),
અક્ષરએમદભાઈ ઘાંચી (ઉં.વ. 47), મદીનાબેન અક્ષરભાઈ ઘાંચી (ઉં.વ. 46) અને જાવેદ અક્ષરભાઈ ઘાંચી (ઉ.વ. 25)નો સમાવેશ થાય છે. આ અકસ્માતમાં પરિવારની એક પુત્રવધૂ અને એક નાનું બાળક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. તેમને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે.
ઘટનાની જાણ થતા જ સાંતલપુર પોલીસ સ્ટેશનના પીઆઈ નિકુલ પંચાલ સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સાંતલપુર સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડ્યા હતા. અકસ્માતને કારણે નેશનલ હાઈવે પર બંને બાજુ વાહનોની લાંબી કતારો લાગી હતી અને ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી, જેને પોલીસે પૂર્વવત કરાવી હતી.
વારાહીના મુસ્લિમ ઘાંચી સમાજના એક જ પરિવારના ચાર સભ્યોના મોતથી સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે અને ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે. સાંતલપુર પોલીસે હાલમાં ફરાર ટેન્કર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેને ઝડપી પાડવા અને અકસ્માતનું સચોટ કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે. હાઈવે પર વધતા જતા ભારે વાહનોની સ્પીડ ફરી એકવાર નિર્દોષ લોકો માટે કાળ સાબિત થઈ છે.