એક બાજુ કેન્દ્ર સરકારની 100 કરોડની ગ્રાન્ટ મંજુર: બીજી બાજુ યુનિવર્સિટીનો બાંધકામ વિભાગ લકવાગ્રસ્ત:એમબીએ, કેમેસ્ટ્રી, ફિલોસોફી અને સેનેટ હોલને તાળા મારી દેવાયા
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ પર અનેક સેમિનાર હોલ આવ્યા છે.પરંતુ તેમાંથી ચાર સેમીનાર હોલ માત્ર રીપેરીંગના અભાવે છેલ્લા ઘણા સમયથી બંધ કરી દેવાયા છે. આ બંધ કરાયેલા હોલ ક્યારે રિપેર કરવામાં આવશે ?અને ક્યારે ફરી ચાલુ કરવામાં આવશે ? તેવા સવાલો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ પર પુછાઈ રહ્યા છે પરંતુ તેના કોઈ જવાબ મળતા નથી.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મુખ્ય બિલ્ડિંગમાં આવેલ સેનેટ હોલ યુનિવર્સિટીનું નાક ગણવામાં આવે છે અને ત્યાં અવારનવાર એકેડેમિક તથા એડમિનિસ્ટ્રેટિવ સેમિનાર અને મીટીંગોનું આયોજન કરવામાં આવતું હોય છે. છેલ્લા કેટલાક સમયથી આ હોલની હાલત સાવ બગડી ગઈ છે અને છેલ્લે તેની સીલીંગ જોખમી લાગતા તે કાઢી નાખવામાં આવી છે અને આ હોલ બંધ કરી દેવાયો છે.
આવી જ રીતે એમબીએ ભવનના સેમિનાર હોલ પણ રીપેરીંગના નામ નીચે બંધ કરી દેવામાં આવ્યો છે. એમબીએ ભવનના સેમિનાર હોલના રીપેરીંગ માટે રૂપિયા 28.30 લાખ મંજૂર કરવામાં આવ્યા છે. છતાં રીપેરીંગનું કામ હજુ બાકી છે. આવી જ પરિસ્થિતિ કેમેસ્ટ્રી અને ફિલોસોફી ડિપાર્ટમેન્ટના સેમિનાર હોલની છે. કેમેસ્ટ્રી ડિપાર્ટમેન્ટમાં ખુરશીઓ મૂકવાનું કામ બાકી છે અને તેના કારણે આ હોલ બંધ કરી દેવાયો છે.
યુનિવર્સિટીના આધારભૂત સૂત્રોના જણાવ્યા મુજબ સેનેટ હોલનું રૂપિયા 24 લાખના ખર્ચે રિનોવેશન થવાનું છે અને આ માટેની મોટાભાગની પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે. એમબીએ ભવનના રીનોવેશન માટે રૂપિયા 28.30 લાખનું ટેન્ડર મંજૂર થઈ ગયું છે પરંતુ હજુ કામ શરૂ થયું નથી. કેમેસ્ટ્રી ડિપાર્ટમેન્ટમાં આવેલા સેમીનાર હોલના રિનોવેશન માં 15 લાખ ફાળવ્યા છે પરંતુ હજુ ખુરશી નાખવાનું કામ બાકી છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બાંધકામ વિભાગ અસ્તિત્વ ધરાવે છે પરંતુ તે લકવાગ્રસ્ત હોય તેવી સ્થિતિ જોવા મળે છે. ચાર -ચાર સેમીનાર હોલ બંધ છે.કેન્દ્ર સરકારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને રૂપિયા100 કરોડની ઉષા ગ્રાન્ટ મંજૂર કરી છે. તેમાં નવા એકેડેમિક બિલ્ડીંગ અને ગેસ્ટ હાઉસના પ્રોજેક્ટનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ માટે પાયા ખોદી નખાયા છે પરંતુ ખાતમુહૂર્ત માટે હજુ તારીખ મળી નથી.
આવી જ સ્થિતિ સરદાર પટેલ સ્પોર્ટસ કોમ્પ્લેક્સના ઇન્ડોર સ્ટેડિયમ રીપેરીંગના કામમાં જોવા મળે છે. આ કામ માટે રૂપિયા 42 લાખ મંજૂર કરવામાં આવ્યા છે છતાં કામ આગળ વધતું નથી. રૂપિયા 10 કરોડના ખર્ચે ઓડિટોરિયમ નું કામ શરૂ કરવામાં આવ્યું છે પરંતુ આઠ વર્ષથી તે અધૂરું છે.